પદ્મશ્રી હાસ્યકાર ડો. જગદીશ ત્રિવેદીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ
ઝાલાવાડનું ગૌરવ અને પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતી સાહિત્યના પ્રખર હાસ્યકાર, લોક સાહિત્યકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીનો આજે જન્મદિવસ. ડો. જગદીશ ત્રિવેદીએ આજે 58માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો અને તેમના જન્મદિવસની આગવી રીતે ઊજવણી કરવામાં આવી હતી.
બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને સુરેન્દ્રનગરના શ્રેષ્ઠીઓએ રક્તદાન કરી અને તેમના શારીરિક વજન જેટલું રક્તદાન કરી સમાજમાં સેવાનો દાખલો બેસાડ્યો. ડો. ત્રિવેદીના જન્મદિવસે આયોજિત આ રક્તદાન શિબિરમાં 211 લોહીની બોટલ બ્લડ બેન્ક માટે એકત્રિત કરવામાં આવી હતી.
ડો. જગદીશ ત્રિવેદી વિશ્વના એકમાત્ર એવા કલાકાર છે કે વન પ્રવેશ પછી તેઓએ પોતાની કલા મારફત જે કાંઈ આર્થિક ઉપાર્જન થાય તે સમાજના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરવાનો સંકલ્પ કર્યો અને અત્યાર સુધીમાં છેલ્લાં સાત વર્ષમાં 13 કરોડથી વધારે રકમનું દાન આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેઓ કરી ચૂક્યા છે. આજ રોજ 57 વર્ષ પૂર્ણ કરી 58મા વર્ષમાં પ્રવેશ દરમિયાન સમાજે સામેથી તેમના વજન બરોબર રક્ત એકત્ર કરી બ્લડ બેન્કને અર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : Mehsana: દશેરાના દિવસે મહેસાણામાં બનેલી કરૂણાંતિકા પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, મૃતકોને 2 લાખની સહાય કરી જાહેર
ગુજરાત ગૌરવ પુરસ્કારથી માંડી અને પદ્મશ્રી સુધીનો એવોર્ડ જેમને એનાયત થયા છે. તેઓએ સંકલ્પ કર્યો છે કે આજીવન કલા સમાજને પીરસતા રહેશે અને જે કંઈ આર્થિક ઉપાર્જન થશે તે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાત મંદોને એનાયત કરવામાં આવશે. આ સાથે ચંદુભાઈ સિહોરા સાંસદ સુરેન્દ્રનગર જિલ્લા,જગદીશ મકવાણા ધારાસભ્ય સુરેન્દ્રનગર ડીએસપી પંડ્યા સાહેબ સહપરિવાર રક્તદાન કરી શુભેચ્છા પાઠવી હતી.