મીઠાપુરના એ લોકો હજુ નથી ભૂલ્યા રતન ટાટાની એ 28 વર્ષ પહેલાની મુલાકાત
હાલમાં જ રતન ટાટાના થયેલા નિધનથી સમગ્ર દેશમાં શોકમાં માહોલ છે. ત્યારે ગુજરાતના ઉદ્યોગમાં પણ ટાટા ગ્રુપનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં લગભગ છેલ્લા પાંચેક દાયકાથી ટાટા ગ્રુપની પ્રથમ હરોળની કંપની ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુર ખાતે કાર્યરત છે. ટાટા ગ્રુપના મહત્વના અંગ ગણાતા ટાટા કેમિકલ્સ લિમિટેડ ખાતે વર્ષ 1997માં રતન ટાટાનું આગમન થયું હતું.
1997માં રતન ટાટા ઓખા આવ્યા હતા. ઓખા ખાતે ટાટા કેમિકલ્સ કાર્યરત છે, જે ટાટા ગ્રૂપની સૌથી જુની કંપનીઓ પૈકીની એક છે. ઓખા મુલાકાત માટે રતન ટાટા મુંબઈથી ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં પોરબંદર આવ્યા હતા. અહીથી તેઓ હેલિકોપ્ટરથી રાણાવાવ ખાતેની વાવની મુલાકાતે ગયા હતા, અને ત્યાંથી તેઓ મીઠાપુર ખાતે આવ્યા હતા. મીઠાપુર ખાતે તેમણે જાતે સફારી કાર ચલાવીને મીઠાપૂર ફેકટરી અને ટાઉન શીપમાં ફર્યા હતા. આ દરમિયાન તેઓ લોકોને પણ મળ્યા હતા.
જ્યારે રતન ટાટાએ મીઠાપુરની મુલાકાત દરમિયાન રેડ કાર્પેટ પર ચાલવાને બદલે સાદા રસ્તા પર ચાલીને સાદગીનો પરિચય આપ્યો હતો. ટાટા કેમિકલ્સ લિમિટેડમાં વર્ષ 1997 માં રતન ટાટાએ ટાટા કેમિકલ શાળાની પણ મુલાકાત લીધી હતી. દ્વારકાના જિલ્લાના પછાત અને ઘણી બધી ભૌગોલિક વિષમતાનો સામનો કરતાં મીઠાપુર વિસ્તારમાં ટાટા કંપની દ્વારા લોકોને રોજગારી તેમજ શિક્ષણ આપવામાં આવે છે.
રતન ટાટાના નિધનથી મીઠાપુર વિસ્તારના લોકોએ શોક વ્યક્ત કરવા માટે બંધ પાળ્યું હતું. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના નિધન થતાં સમગ્ર દેશમાં શોક વ્યાપ્યો છે.