તાઇવાન હવે મુંબઇમાં ખોલશે ડિપ્લોમેટિક સેન્ટર, ચીનને પેટમાં દુખશે
ચીન પોતાની સૈન્ય તાકાત બતાવીને તાઈવાનને ડરાવવાનો પ્રયાસ કરતું રહે છે, આને કારણે તાઇવાનની કંપનીઓએ ચીનમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચવાનું શરૂ કરી દીધું છે. ભારત આ તક ગુમાવવા નથી માગતું. ભારતે તાઇવાનની કંપનીઓને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે અને ઘણી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાની ઇચ્છઆ વ્યક્ત પણ કરી છે. મુંબઇ ભારતનું આર્થિક પાટનગર ગણાય છે. એવા સમયે મુંબઇમાં તાઈવાનનું સેન્ટર હોવું ત્યાંની કંપનીઓ માટે અનુકૂળ મનાઇ રહ્યું છે. ભારતે તાઈવાનને મુંબઈમાં નવું સેન્ટર ખોલવાની મંજૂરી આપી દીધી છે અને હવે તાઇવાન 16 ઓક્ટોબરથી મુંબઈમાં તેની નવી ઓફિસ શરૂ કરવા જઇ રહ્યું છે. ભારત અને તાઈવાન વચ્ચેની ભાગીદારીના આ સંકેતો ચીનને પરેશાન કરી શકે છે. તાઇવાનની દિલ્હી અને ચેન્નાઈમાં ઓફિસો શરૂ થઈ ચૂકી છે. હવે મુંબઇમાં આ તેમની ત્રીજી ઑફિસ ખુલી રહી છે.
| Read More: Taiwan ના રાષ્ટ્રપતિ અને PM Modi ના સંવાદથી ચીન નારાજ, અમેરિકાએ સમર્થન આપ્યું
તાઈવાનના રાજદૂત બાઓશુઆન ગેરે પણ જાહેરાત કરી હતી કે તેઓ 16 ઓક્ટોબરથી મુંબઈમાં તેમની ઓફિસ ખોલવા જઈ રહ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મિશન તાઇવાન અને ભારતીય વ્યવસાયો વચ્ચેના મજબૂત સંબંધોને સરળ બનાવશે. એવું માનવામાં આવે છે કે તાઇવાનના આ પગલાંથી ચીનના ભવાં ખેંચાશે, કારણ કે ચીન તાઈવાનને પોતાનું અભિન્ન અંગ માને છે અને અન્ય દેશો સાથે તેના રાજદ્વારી સંબંધોને નાપસંદ કરે છે. ચીન અને તાઈવાનની સરકારો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. તાઈવાન સરકાર પોતાના દેશને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે, જેનો ચીન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે.
ભારતે હાલમાં જ તાઇવાનને એવા 12 દેશોમાં સામેલ કરવાની વાત કરી હતી, જેની સાથે નજીકના ભવિષ્યમાં આર્થિક સંબંધોને મજબૂત કરવા પર વિશેષ ભાર આપવામાં આવશે.
| Read More: Taiwan ના રાષ્ટ્રપતિ અને PM Modi ના સંવાદથી ચીન નારાજ, અમેરિકાએ સમર્થન આપ્યું
એપલ માટે ફોન એસેમ્બલ કરતી સૌથી મોટી કંપનીઓ ફોક્સકોન અને પેગાટ્રોન ભારતમાં આવી ચૂકી છે. આ બંને કંપની તાઈવાનની છે. અત્યાર સુધીમાં ભારતમાં તાઈવાનના કુલ રોકાણના 60 ટકા દક્ષિણ ભારતીય રાજ્યોમાં થયા છે. હવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાઇવાનની કંપનીઓનું આકર્ષણ અને રોકાણ વધવાની શક્યતા છે.