ગુજરાત દીપોત્સવી અંકનો રસથાળ : મુખ્યમંત્રીના હસ્તે વિમોચન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2080 નું વિમોચન કર્યુ હતું.
રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ પોતાની આગવી પરંપરા અનુસાર ‘ગુજરાત દીપોત્સવી અંક’ પ્રસ્તુત કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત દીપોત્સવી – ૨૦૮૦માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે. આ અંકમાં સર્વશ્રી ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડયા, ડૉ. કુમારપાળ દેસાઈ, જોરાવરસિંહ જાદવ, રઘુવીરભાઈ ચૌધરી, માધવ રામાનુજ, રાજેન્દ્ર શુક્લ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે.
આ દળદાર અંક 30 અભ્યાસલેખો, 38 નવલિકાઓ, 15 વિનોદિકાઓ, 9 નાટિકા અને 96 જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી 58 જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને એમ.કે.દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી.નટરાજન, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી સહિત માહિતી ખાતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.