અમરેલીમાં જેની ઠુંમરે ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, એસપીએ કર્યો ખુલાસો
અમરેલીઃ ગુજરાતમાં હાલ વિવિધ દુષ્કર્મના કેસની ચર્ચા થઈ રહી છે. આ સમયે અમરેલીથી પણ આવા જ પ્રકારનો કથિત કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની ઠુંમરે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના કાર્યકર્તાએ દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો હતો. કથિત દુષ્કર્મની ઘટનાએ અમરેલી સહિત ચકચાર જગાવી હતી. રાજકીય પક્ષના યુવા આગેવાન દ્વારા કથિત રીતે દુષ્કર્મની કોશિષ થઈ હોવાની વાત સમગ્ર જિલ્લામાં વાયુવેગે પ્રસરી હતી. આ મુદ્દે રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ હતી.
અમરેલી એસપીએ શું કહ્યું?
ઘટના અંગે અમરેલી એસપી હિમકર સિંહે આજે પ્રેસ ફોન્ફરન્સ યોજી કહ્યું, અમરેલી જિલ્લામાં આવી કોઈ ઘટના બની નથી. તેમણે કહ્યું, દુષ્કર્મના સમાચાર વાયુવેગે પ્રસર્યા બાદ પોલીસને જીણવટ ભરી રીતે તપાસ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને અમરેલી સિટી પોલીસ દ્વારા જે જગ્યાએ ઘટના બની હોવાની વિગત વાયરલ થઈ હતી તે જગ્યાએ રહેતા રહીશો તેમજ આજુબાજુના રહીશ પાસેથી ઉપરોક્ત ઘટના અંગે માહિતી મેળવી હતી. તેમાં આવી દુષ્કર્મની ઘટના બની ન હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત કહેવાતા વાયરલ મેસેજમાં જે મહિલા સાથે આ ઘટના બની હોવાનું જણાવાયું હતું તે અંગે તપાસ કરી, ટેલિફોનિક પૂછપરછ કરતાં તેણે આવી કોઈ દુષ્કર્મની ઘટના ન બની હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: બ્રોડગેજ તો જોઈશે જ, લોક જુંબેશ વેગ પકડે છે.
અમરેલી શહેરમાં નવરાત્રી પર્વ દરમિયાન લાઠી રોડ ઉપર એક યુવા રાજકીય આગેવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યા બાદ દિલીપ સંઘાણીએ પણ કેસમાં સંડોવાલેયા સામે કડક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી આ ઘટનામાં તપાસ કરવાની માંગ કરી હતી.