આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મદરેસા શિક્ષકોને થઇ ગયા બખ્ખાં, સરકારે લીધો મહત્વનો નિર્ણય…

મહારાષ્ટ્ર રાજ્યમાં ટૂંક સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષો આ ચૂંટણીમાં જીતવા માટે કમર કસી રહ્યા છે. દરમ િયાન એકનાથ શિંદે સરકારની કેબિનેટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના કારણે આચારસંહિતા લાગુ થાય તે પહેલા મોટા નિર્ણયો લીધા છે. છેલ્લી કેબિનેટની એક બેઠકમાં ઓબીસી, આદિવાસીઓ અને લઘુમતીઓને ઘણી ભેટો આપવામાં આવી હતી. કેબિનેટે એક મહત્વનો નિર્ણય મદરેસાઓમાં કતામ કરતા શિક્ષકો માટે લીધો છે. સરકારે રાજ્યની મદરેસાઓમાં કામ કરતા શિક્ષકોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

રાજ્ય સરકાર ઝાકિર હુસૈન મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ મદરેસાઓમાં આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. આ યોજના હેઠળ પરંપરાગત ધાર્મિક શિક્ષણની સાથે ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ઉર્દૂ જેવા વિષયો ભણાવવા માટે મદરેસામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. હવે આ વિષયો ભણાવતા શિક્ષકોના પગારમાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત મૌલાના આઝાદ લઘુમતી નાણાકીય વિકાસ નિગમનું બજેટ પણ 700 કરોડ રૂપિયાથી વધારીને 1000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

હાલમાં રાજ્યમાં મદરેસામાં કામ કરતા ડી.એડ. શિક્ષકોને મહિને 6 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. હવે આ પગાર વધારીને 16 હજાર રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે. તેવી જ રીતે માધ્યમિક કક્ષાએ બી.એડ. અને B.Sc-B.Ed. લાયકાત ધરાવતા શિક્ષકોને પણ 8 હજાર રૂપિયાથી વધારીને 18 હજાર રૂપિયા પ્રતિ માસ પગાર આપવામાં આવશે. આ શિક્ષકો મદરેસામાં માધ્યમિક સ્તરના વિષયો ભણાવે છે. આ નિર્ણયને કારણે મદરેસાઓમાં કામ કરતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. તેમને આશા છે કે પગાર વધારાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેઓ વધુ સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકશે.

ચૂંટણી પહેલા, શિંદે સરકારે સમાજના દરેક વર્ગોને આકર્ષવા માટે અનેક યોજના બનાવી છે, જે અંતર્ગત ઓબીસી વર્ગને આકર્ષવા માટે ઓબીસી વર્ગ માટેની નોન-ક્રીમી લેયરની મર્યાદા રૂ. 8 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવાની ભલામણ કરી છે. આદિવાસી સમુદાય માટે, રાજ્યએ શબરી ટ્રાઇબલ ફાઇનાન્સ કોર્પોરેશન માટે તેની ગેરંટી રૂ. 50 કરોડથી વધારીને રૂ. 100 કરોડ કરી છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. પંચે એમ પણ કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાની 288 બેઠકો માટે 9.59 કરોડ મતદારો છે. જેમાંથી 49,039 મતદારો 100 વર્ષથી ઉપરની ઉંમરના છે. તેમજ મહારાષ્ટ્રમાં મહિલા મતદારોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button