સ્પોર્ટસ

મેસીના કમબૅક છતાં આર્જેન્ટિનાને જીતવા ન મળ્યું, ચિલીને હરાવવામાં બ્રાઝિલ સફળ

મૅટ્યુરિન (વેનેઝુએલા): 2022ના ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન આર્જેન્ટિનાને 2026ના વિશ્ર્વ કપ માટેની ગુરુવારની ક્વૉલિફાઇંગ મૅચમાં જીતવા નહોતું મળ્યું અને એણે ડ્રૉના પરિણામથી સંતોષ માનવો પડ્યો હતો. નવાઈની વાત એ છે કે બે વર્ષ પહેલાના સુપરસ્ટાર સુકાની લિયોનેલ મેસીએ ઘણા દિવસ બાદ આર્જેન્ટિનાની ટીમમાં કમબૅક કર્યું હતું અને તે પણ આર્જેન્ટિનાને નહોતો જિતાડી શક્યો. બીજી બાજુ, બ્રાઝિલે વિજય માણ્યો હતો.

મેસી ક્વૉલિફાઇંગ રાઉન્ડની અગાઉની મૅચ ઈજાને લીધે નહોતો રમી શક્યો. ગુરુવારે તેની હાજરીમાં આર્જેન્ટિનાની વેનેઝુએલા સામેની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી.
આર્જેન્ટિનાને નિકોલસ ઑટામેન્ડીએ આર્જેન્ટિનાને ગોલ અપાવ્યો હતો. લગભગ 50 મિનિટ સુધી આર્જેન્ટિનાએ વેનેઝુએલાની ટીમ પર વર્ચસ્વ જમાવી રાખ્યા બાદ 65મી મિનિટમાં પીઢ ખેલાડી સૉલોમન રૉન્ડને હેડરથી બૉલને ગોલપોસ્ટની દિશામાં ફટકાર્યો હતો અને બૉલ આર્જેન્ટિનાના ગોલકીપર જેરોનિમો રુલીના માથાની બાજુમાંથી નેટમાં અંદર જતો રહ્યો હતો અને બન્ને ટીમનો સ્કોર 1-1ની બરાબરીમાં થઈ ગયો હતો.

ત્યાર બાદ મેસીની ટીમ વેનેઝુએલાની મજબૂત સંરક્ષણ દિવાલને કારણે વધુ એક પણ ગોલ નહોતી કરી શકી અને મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. જોકે ઓછા પૉઇન્ટ મળવા છતાં આર્જેન્ટિના 2026ની ફાઇનલ્સમાં પહોંચવા માટેની રેસમાં મોખરે જળવાઈ રહ્યું હતું.

2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે. આગામી વર્લ્ડ કપમાં કુલ 48 દેશની ટીમ રમશે. દક્ષિણ અમેરિકાની 10માંથી ટોચની છ ટીમ મુખ્ય ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઈ શકશે. આર્જેન્ટિના નવ મૅચ રમીને 19 પૉઇન્ટ પર છે. કોલમ્બિયા 16 પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. કોલમ્બિયાનો ગુરુવારે બોલિવિયા સામે 0-1થી પરાજય થયો હતો.

બીજી તરફ, આર્જેન્ટિનાના હરીફ બ્રાઝિલે ગુરુવારે ચિલી સામે 2-1થી રોમાંચક વિજય મેળવ્યો હતો. છેલ્લા (10મા) નંબરના ચિલીએ બીજી જ મિનિટમાં ગોલ કરી દેતા બ્રાઝિલની છાવણીમાં અને બ્રાઝિલ-તરફી પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ ગયો હતો. એ ગોલ એડુઆર્ડો વૅર્ગાસે કર્યો હતો. જોકે ફર્સ્ટ હાફમાં જ બ્રાઝિલના ઇગોર જીસસે ગોલ કરીને સ્કોર 1-1થી લેવલ કરી લીધો હતો. ત્યાર બાદ બન્ને ટીમ વચ્ચે વધુ એક ગોલ માટે જોરદાર રસાકસી થઈ હતી અને મૅચ 1-1થી ડ્રૉમાં જવાની પાકી સંભાવના હતી, પરંતુ 89મી મિનિટમાં લુઇઝ હેન્રિકે ગોલ કરીને બ્રાઝિલ માટે વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. બ્રાઝિલ આ જીત સાથે 13 પૉઇન્ટ બદલ ચોથા સ્થાન પર આવી ગયું છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker