નેશનલ

Ratan Tata Special 5: 100થી વધુ દેશમાં ટાટા ગ્રુપે નેટવર્ક વિસ્તારી ભારતને વૈશ્વિક ઓળખ આપી…

દેશના જાણીતા ઉદ્યોગપતિ પદ્મ વિભૂષણ “રતન ટાટા“ના નિધનથી સમગ્ર રાષ્ટ્ર ઘેરા શોકમાં છે. વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં ટાટા કંપનીનું નેટવર્ક ફેલાવીને ભારતને વૈશ્વિક ઓળખ અપાવનાર “રતન”ને “ટાટા” (અલવિદા) કહેતાં ભારતીયોની આંખમાં લાગણીના આંસુ છે. રતન ટાટા ભારતના એવા મહાન ઉદ્યોગપતિ હતા જેમણે કંપનીના નફા કરતાં દેશની પ્રગતિને વધુ મહત્વ આપ્યું હતું.

તેમની પ્રામાણિકતા, સમાજસેવા અને દેશના લોકોને સસ્તી અને સારી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાની વિચારસરણીએ રતન ટાટાને ભારતના સપૂત બનાવ્યા. ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ વિશ્વની ઘણી હાઈ-પ્રોફાઈલ કંપનીઓને હસ્તગત કરીને વૈશ્વિક મંચ પર વિશાળ ભારતીય સમૂહને મજબૂતીથી સ્થાપિત કર્યું હતું. બુધવારે મોડી રાત્રે ૮૬ વર્ષની વયે નિધન થયું, પરંતુ તેમની સિદ્ધિનો સિતારો યુગો સુધી આકાશમાં ચમકતો રહેશે.

રતન ટાટાએ આ કંપનીમાં ગ્રુપના ચેરમેન તરીકે ૨૦ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, “રતન ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર હતા, એક દયાળુ આત્મા ધરાવતા અસાધારણ માનવી હતા. તેમનું નિધન ભારત માટે સૌથી દુખદ ક્ષણ છે.”

આ પણ વાંચો :ઉદ્યોગપતિ રતન ટાટાને વરલી સ્મશાનગૃહ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું

ટાટા ગ્રુપની કંપનીનો પાયો ૧૮૬૮માં જ નાખવામાં આવ્યો હતો. હાલમાં આ કંપની વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં પોતાનો બિઝનેસ કરી રહી છે. ટાટા ગ્રુપનો બિઝનેસ મીઠાથી લઈને એરોપ્લેન સુધી વિસ્તરેલો છે. સમગ્ર વિશ્વમાં ટાટા ગ્રુપની ૧૫૦થી વધુ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, જેણે ભારતને વૈશ્વિક સ્તરે એક અલગ ઓળખ અપાવી છે.

ટાટા ગ્રૂપે ૨૦૦૦માં બ્રિટિશ ચા કંપની ટેટલીને $432 મિલિયનમાં અને ૨૦૦૭માં એંગ્લો-ડચ સ્ટીલ ઉત્પાદક કોરસને ૧૩ અબજ ડોલરમાં ખરીદી હતી, જે તે સમયે ભારતીય કંપની દ્વારા વિદેશી કંપનીનું સૌથી મોટું સંપાદન હતું. ત્યાર બાદ ટાટા મોટર્સે ૨૦૦૮માં ફોર્ડ મોટર કંપની પાસેથી બ્રિટિશ લક્ઝરી ઓટો બ્રાન્ડ્સ જગુઆર અને લેન્ડ રોવર ૨.૩ અબજ ડોલર હસ્તગત કરી હતી. ટાટા મોટર્સમાં તેમના મનપસંદ પ્રોજેક્ટ્સમાં ઇન્ડિકા અને નેનો હતા, જે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત પ્રથમ કાર મૉડલ છે અને જે વિશ્વની સૌથી સસ્તી કાર હોવાનું કહેવાય છે.

ટાટાની મુખ્ય કંપનીઓ જે શેરબજારમાં લિસ્ટેડ છે તેમાં ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા ઇન્ડિયન હોટેલ્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન, વોલ્ટાસ લિમિટેડ, ટિરન્ટ લિમિટેડ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા એલેકસી, નેલ્કો લીમટેડ, ટાટા ટેક, રેલીસ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. રતન ટાટા ૧૯૯૧થી ૨૦૧૨ સુધી ટાટા જૂથના વડા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે પોતાની તમામ કંપનીઓને નફાકારક બનાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button