ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

2019માં શરદ પવારની સંમતિ બાદ જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો દાવો

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી) પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓ એનસીપી સાથે સરકાર બનાવવાના તેમના પ્રયાસના સમય અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારની સંમતિથી વર્ષ 2019માં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. જોકે, એનસીપીએ દેવેન્દ્ર ફડણવીસના આક્ષેપોને નકારી કાઢ્યા હતા, શરદ પવારે કહ્યું હતું કે એ કેન્દ્રની ભાજપ સરકારનો નિર્ણય હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 2019ની ચૂંટણી પછી તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 23 નવેમ્બર 2019ના રોજ ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન અને એનસીપીના અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. જો કે, એ સરકાર લગભગ 72 કલાક પછી પડી ભાંગી પડી હતી. આ અંગે ફડણવીસે બુધવારે કહ્યું હતું કે, રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણી પછી અમે શરદ પવાર સાથે સરકારની રચના અંગે ચર્ચા કરી રહ્યા હતા. અમે વિભાગોના વિભાજન અને પ્રભારી પ્રધાનોની જવાબદારીઓને પણ આખરી ઓપ આપી દીધો હતો. પરંતુ શરદ પવારે સ્ટેન્ડ બદલ્યું અને પીછેહઠ કરી.

નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય પવારની સંમતિથી જ લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાની 2019ની ચૂંટણીમાં, ભાજપે 288માંથી 105 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે ગઠબંધનમાં રહેલી શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. જ્યારે NCPને 54 બેઠકો મળી હતી. જોકે, મુખ્ય પ્રધાન પદના વિવાદ બાદ શિવસેના અને ભાજપ અલગ થઈ ગયા હતા. આ પછી રાજકીય ગતિરોધને કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આ જ કાર્યક્રમમાં હાજર શરદ પવારે ફડણવીસના તેમના ‘સ્ટેન્ડ બદલવા’ વિશેના દાવાને ફગાવી દીધો હતો. એનસીપી વડાએ કહ્યું કે ભાજપ કેન્દ્રમાં સરકારમાં છે. જો તેઓ રાષ્ટ્રપતિ શાસન લાદવાનું નક્કી કરે, તો આપણે કરી રીતે ઇનકાર કરીએ? તેમની પાસે સંખ્યાબળ છે, તેઓ મારી વાત કેમ સાંભળશે?

ફડણવીસના દાવાને પાયાવિહોણા ગણાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસેએ કહ્યું હતું કે શરદ પવારના નેતૃત્વમાં તેમની પાર્ટીએ લોકશાહીના સિદ્ધાંતો અને લોકોની ઈચ્છાઓનું સતત સન્માન કર્યું છે. એનસીપી નેતાએ કહ્યું કે, અમે શ્રી ફડણવીસને યાદ અપાવવા માંગીએ છીએ કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય પવારથી પ્રભાવિત હતો તેવી કોઈપણ ધારણા ખોટી અને ભ્રામક છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર સાહેબ સાથે ઉભા રહેલા મતદારોને ગેરમાર્ગે દોરવા માટે ભાજપના નેતાઓ દ્વારા આવા નિવેદનો જાણી જોઈને કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button