Ahmedabad:કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઈલ બનાવી કરી 86 લાખની છેતરપિંડી, આ રીતે ફૂટ્યો ભાંડો
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં 86 લાખ રૂપિયાની ઠગાઈ મામલે પોલીસે એક આરોપીની આંધ્રપ્રદેશ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી ઠગાઈ માટે નકલી વોટ્સએપ પ્રોફાઈલનો ઉપયોગ કરતો હતો. તે આઈટી કંપનીના માલિકના નામ પર એકાઉન્ટન્ટને અંધારામાં રાખી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો.
કેવી રીતે મામલો સામે આવ્યો
એક કંપનીના એકાઉન્ટન્ટને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં કંપનીના માલિકનો ફોટો હતો. મેસેજ મોકલનારે તેને કંપનીનો માલિક ગણાવ્યો અને એક પ્રોજેક્ટમાં રોકાણના નામે 86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવા કહ્યું. એકાઉન્ટન્ટે તેને સાચું માનીને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. તે પછી બીજા મેસેજમાં કેટલું બેલેન્સ રહ્યું છે? તે રકમ બીજો એકાઉન્ટ નંબર મોકલું તેમાં જમા કરાવો તેવી સૂચના આપી હતી. આખરે બીજો બેંક ખાતા નંબર મોકલીને બેલેન્સની પૂછપરછ થતા એકાઉન્ટન્ટને શંકા ગઈ હતી. આથી, તેણે કંપનીના માલિકને ફોન કરતા ભાંડો ફૂટયો હતો.
સાયબર ઠગોએ કરી 86 લાખ રૂપિયાની છેતરપિંડી
આ ઘટનાની ફરિયાદ સાયબર સેલમાં કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ બ્રાંચે હૈદરાબાદના અય્યપ્પા સ્વામીની ધરપકડ કરી હતી. તપાસમાં ખબર પડી કે, ઠગોએ રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપી સુધી પહોંચાડી દીધા હતા.
આંધ્રપ્રદેશથી આરોપી ઝડપાયો
અમદાવાદ સાયબર ક્રાઈમના એસીપી એચએસ માકડિયાએ જણાવ્યું કે, અય્યપ્પા સ્વામી ઠગો સાથે વોટ્સએપથી જોડાયેલો હતો અને કમીશન લઈને રૂપિયા વિદેશમાં મોકલવાનું કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 4 મોબાઈલ, 12 સિમકાર્ડ, 35 ચેકબુક અને ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે.
સાયબર ક્રાઇમ બ્રાંચમાં તપાસ કરવામાં આવતાં ચેટ કંબોડિયાથી થઇ હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસ કરવામાં આવી ત્યારે એવી ચોંકાવનારી વિગતો આવી હતી કે હૈદરાબાદના ગઠિયાએ ચોક્કસ એકાઉન્ટમાંથી રૂપિયા કંબોડિયા ટ્રાન્સફર કર્યા હતા. જેને લઇને કંબોડિયાની ગેંગ પણ તેમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. આરોપીએ આ કાંડ 10 ટકા કમિશન માટે કર્યું હોવાની કબૂલાત કરી હતી. સાયબર ક્રાઈમે હાલ 57 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે.