Railway News: …તો સવા કલાકમાં નલિયાથી ભુજ પહોંચાશે
ભુજઃ દેશની આર્થિક રાજધાની મુંબઈથી ૧૦ કોચ સાથે આવેલી અને પશ્ચિમ કચ્છના નલિયાથી પરીક્ષણ અર્થે ૧૨૦ કિલોમીટરની ઝડપે ચલાવાયેલી ટ્રેન માત્ર એક કલાક દસ મિનિટમાં ભુજ પહોંચી આવી હતી.
આ ટ્રેનમાં ૧૫૦ જેટલા રેલવે કર્મચારીઓએ સણોસરાથી નલિયા સુધીના રેલવે ટ્રેક પર સિગ્નલ, પુલિયા, રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. મંગળવારના મુંબઈથી ખાસ ૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને આવેલી ટ્રેન સાંજે નલિયા એરફોર્સે પહોંચી હતી અને બુધવારના સવારના એરફોર્સ સ્ટેશનેથી નીકળીને ૮.૩૦ કલાકે નલિયા જંકશન પર પહોંચી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નલિયા રેલવે સ્ટેશનનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રેક નિરીક્ષણ માટે ખાસ મુંબઈથી નલિયા આવેલી આ ટ્રેન નલિયા રેલવે સ્ટેશનથી બપોરે ૩.૩૦ કલાકે ઉપડી હતી અને ૧૦૧ કિલોમીટરનું અંતર કાપીને ભુજના નવા બની રહેલા ગ્રીન રેલવે સ્ટેશન પર સાંજે ૪.૪૦ કલાકે પહોંચી હતી.
રેલવે અધિકારીએ શું કહ્યું
આ ટ્રેક પર આવનારા સમયમાં પ્રથમ માલગાડી દોડાવવામાં આવશે ત્યારબાદ મુસાફર ટ્રેન નલિયા સુધી લંબાવવામાં આવશે તેમ રેલવેના અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું.