મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રને રતન ટાટાને ભારત રત્ન એનાયત કરવાની વિનંતી કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકારને જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એનાયત કરવાની વિનંતી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બુધવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન પામેલા ઉદ્યોગપતિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મીટિંગ દરમિયાન શોકનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતી, એમ મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.
કેબિનેટે દિવંગત ઉદ્યોગપતિને ભારત રત્ન આપવા માટે કેન્દ્રને વિનંતી કરતો ઠરાવ પણ પસાર કર્યો હતો.
ટાટાને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી આ પહેલાં જ નવાજવામાં આવ્યા છે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગસાહસિકતા એ સમાજના વિકાસ માટે અસરકારક માર્ગ છે. નવા ઉદ્યોગો સ્થાપીને દેશને પ્રગતિ અને વિકાસના માર્ગ પર લઈ જઈ શકાય છે.
આ પણ વાંચો : અલવિદાઃ રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા નાના ભાઈ….
દેશ પ્રત્યેનો પ્રેમ અને સમાજના ઉત્થાન માટે પ્રામાણિક લાગણીની પણ જરૂર છે. આપણે દેશ અને સમાજ માટે પ્રતિબદ્ધ એવા સ્વપ્નદ્રષ્ટા નેતા ગુમાવ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્ર અને સમાજના ઉત્થાનમાં ટાટાની ભૂમિકા અજોડ હતી. તેમણે તમામ પડકારોનો સામનો કર્યો. શિસ્ત સાથે ઉચ્ચ નૈતિકતા, પારદર્શક અને સ્વચ્છ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનને વળગી રહેવું, એમ તેમાં જણાવ્યું હતું.
તેમણે વૈશ્ર્વિક મંચ પર ટાટા ગ્રૂપ અને દેશ માટે વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું, એમ ઠરાવમાં જણાવાયું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે રતન ટાટાને 26/11ના આતંકવાદી હુમલા પછી તેમના મક્કમ નિશ્ર્ચય અને કોવિડ-19 સામેની લડાઈ માટે પીએમ રિલીફ ફંડમાં 1,500 કરોડ રૂપિયાના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે કોવિડના દર્દીઓ માટે ટાટા ગ્રુપની તમામ હોટલ ખોલી હતી.
26 નવેમ્બર, 2008ના રોજ આતંકવાદીઓ દ્વારા મુંબઈમાં જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં ટાટા ગ્રૂપની કંપની દ્વારા સંચાલિત તાજમહેલ હોટેલ પણ સામેલ હતી.
કેબિનેટ મહારાષ્ટ્રના લોકો વતી ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અમે આ દુ:ખની ઘડીમાં ટાટા જૂથની સાથે છીએ, એમ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું.
રતન ટાટા જેવી હસ્તીને તેમની હયાતીમાં જ ભારત રત્ન જેવા સર્વોચ્ચ નાગરી પુરસ્કારથી સન્માનિત કરવા જોઈતા હતા, પરંતુ કમ સે કમ હવે તો તેમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે એવી મારી અને મારા પક્ષની ઈચ્છા અને અપેક્ષા છે. આવી જ ઈચ્છા સમગ્ર ભારતીયોની પણ હશે એવું મને લાગે છે. બધાને એવું લાગી રહ્યું છે કે આપણા જ ઘરની કોઈ વ્યક્તિ ઓછી થઈ એવું લાગે છે, એમ મનસેના નેતા રાજ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું.
રાજ્યનો પહેલો ઉદ્યોગ રત્ન મેળવનારા રતન ટાટાનું નામ અપાશે એવોર્ડને
ઉદ્યોગ જગત માટે એક આદર્શ નિર્માણ કરનારા રતન ટાટાને મોટી અંજલી આપતાં રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઉદ્યોગ રત્ન પુરસ્કારને હવેથી રતન ટાટાનું નામ આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારન ઉદ્યોગ રત્ન પુરસ્કારના પહેલા વિજેતા રતન ટાટા પોતે જ હતા અને હવે આ એવોર્ડનું નામ બદલીને રતન ટાટા ઉદ્યોગ રત્ન પુરસ્કાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું.