નવી દિલ્હીઃ એક સમયે એકબીજાના પ્રેમમાં ડુબેલા અને સાથે જીવવા મરવાના કૉલ આપનારા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખરજીને લાંબી કાનૂની લડાઇ બાદ આખરે છૂટાછેડા મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટમાં શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપવામાં આવી હતી.
બંને છેલ્લા ઘણા સમયથી અલગ રહેતા હતા. આ સાથે કોર્ટે સ્વીકાર્યું હતું કે પોતાના બાળકને નહીં મળવા દઇને આયેશાએ શિખર ધવનને માનસિક ત્રાસ આપ્યો હતો. આ સાથે કોર્ટે આયેશાને ઘણા આદેશો આપ્યા જે ધવનના પક્ષમાં હતા. ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓપનર અને આયેશા વચ્ચે વાતચીત વર્ષ 2009માં શરૂ થઈ હતી.
આયેશા હરભજનની ફ્રેન્ડ લિસ્ટમાં હતી. તેનો ફોટો જોઈને ધવનને પ્રેમ થઈ ગયો હતો. શિખર ધવન અને આયેશાના પ્રેમ લગ્ન વર્ષ 2012માં થયા હતા. રસપ્રદ વાત એ હતી કે ધવન આયેશા કરતા 10 વર્ષ નાનો છે. તે સમયે સોશિયલ મીડિયા પર આ વિશે ખૂબ ચર્ચા થઈ હતી. બે વર્ષ પછી તેમને એક પુત્ર જોરાવર થયો. શરૂઆતમાં બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો પરંતુ ધીમે-ધીમે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પુત્ર જોરાવર IPLની ઘણી મેચોમાં મેદાન પર જોવા મળ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે, “ શિખર ધવનને તેના પુત્રને મળવાની મંજૂરી ન આપવી એ માનસિક પીડા સમાન છે. ઉપરાંત, આયેશા કોર્ટમાં પોતાની દલીલોનો બચાવ કરી શકી ન હતી. તેથી, કોર્ટ આદેશ આપે છે કે બાળકને એક વર્ષમાં આપવામાં આવતી રજાનો અડધો ભાગ પિતા એટલે કે ધવન સાથે વિતાવવાની મંજૂરી આપવી જોઈએ. આ સિવાય પિતાને બાળક સાથે વીડિયો કોલ પર વાત કરવાનો અધિકાર રહેશે. અને જ્યારે પણ બાળકને ભારત આવવું હોય ત્યારે બાળક પિતાના પરિવાર સાથે રાતવાસો કરી શકે છે.
શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ધવને ભારત માટે 167 ODI, 34 ટેસ્ટ અને 67 T20 મેચ રમી છે. આશા રાખીએ કે ટીમ ઈન્ડિયાનો આ ‘ગબ્બર’ ફરી એકવાર ધમાકેદાર કમબેક કરશે. અને ટીમ ઈન્ડિયા માટે શાનદાર ઈનિંગ્સ રમશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને