એશિયન ગેમ્સ: ભારતે તીરંદાજી, ભાલાફેંક અને દોડમાં જીત્યા ગોલ્ડ મૅડલ
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં 11મા દિવસે ભારતે તીરંદાજી, ભાલાફેંક અને પુરુષોની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 11મા દિવસે 12 મેડલ જીત્યા હતા જેમાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કરતા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજની સાથે ભારતના જ ખેલાડી કિશોર જેનાએ બીજા ક્રમે રહી સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ 88.88 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો જ્યારે કિનાર જેનાએ 87.54 મીટર દૂર ભાલો ફેંકી સિલ્વર જીત્યો હતો. ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતે ભાલા ફેંકમાં આ બંને મેડલ એક સાથે જીત્યા છે. તે સિવાય 4 બાય 400 રિલે દોડમાં ભારતની પુરુષોની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે તેની રેસ 3:01.58 મિનિટમાં પૂરી કરી
હતી. ટીમમાં મોહમ્મદ અનસ, અમોજ જેકબ, મુહમ્મદ અજમલ અને રાજેશ રમેશનો સમાવેશ થાય છે.
ઉપરાંત ભારતે દિવસનો ત્રીજો ગોલ્ડ મેડલ તીરંદાજીમાં જીત્યો હતો. ઓજસ દેવતાલે અને જ્યોતિ વેન્નમે કમ્પાઉન્ડ મિસ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ દક્ષિણ કોરિયાની ટીમને 159-158થી હરાવી હતી.
ઉપરાંત ભારતની મહિલા 4 બાય 400 મીટર રીલેની ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. વિથ્યા રામરાજ, ઐશ્વર્યા મિશ્રા, પ્રાચી, સુભા વેંકટેશનની ટીમે મહિલાઓની 4 બાય 400 રિલે રેસમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાની ટીમે 3:27:85 મિનિટનો સમયમાં રેસ પૂર્ણ કરી હતી.
ભારતીય એથ્લેટ અવિનાશ સાબલે પુરુષોની 5,000 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ જ સિઝનમાં સાબલે સ્ટીપલચેસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાની 800 મીટરની દોડમાં ભારતની હરમિલન બેન્સે સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ તેણે 400 મીટર દોડમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
કુસ્તીમાં 87 કિલોની કેટેગરીમાં સુનીલ કુમારે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તે સિવાય ભારતની મહિલા બોક્સર લવલિના બોરગોહેને સિલ્વર મેડલ જીત્યો હતો. લવલિનાએ મહિલાઓની 75 કિગ્રા વજન વર્ગમાં મેડલ જીત્યો હતો.ભારતીય મહિલા બોક્સર પરવીન હુડ્ડાએ પણ મહિલાઓની 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સ્ક્વોશમાં ભારતને મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે અનાહત સિંહ અને અભય સિંહની મિસ્ડ ડબલ્સની જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. મલેશિયા સામે ભારતીય જોડીને 11-8, 2-11, 9-11થી હાર મળી હતી. મંજુ રાની અને રામ બાબુની ભારતીય જોડીએ 35 કિલોમીટર વોકિગ રેસ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતની દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તેઓએ મેડલ નિશ્ચિત કરી લીધો હતો.
ભારતની મહિલા કબડ્ડી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું હતું. ભારતીય ટીમે થાઈલેન્ડને 54-22થી હરાવ્યું છે. આ સાથે જ ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સૌરવ ઘોષાલ સ્ક્વોશ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગયો છે. જ્યારે કિદામ્બી શ્રીકાંતની સફર સમાપ્ત થઈ ગઈ છે.