વાદ પ્રતિવાદ

કુરાન શરીફની રોશનીમાં સાતના આંકડાનું રહસ્ય

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

પવિત્ર કુરાન ઈલાહી કિતાબ છે, જે આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) પર નાઝિલ (આકાશવાણીથી) આવી છે. આ કિતાબના દરેક અલ્ફાઝ (શબ્દ) મહત્ત્વ તો ધરાવે છે જ, પણ તેની દરેક આયતમાં બોધ સમાયેલો છે. ઉદાહરણ રૂપે સાતનો આંક અને ઈસ્લામમાં તેના મહત્ત્વને કુરાન શરીફની રોશનીમાં જોવાથી સ્પષ્ટ થવા પામે છે.

હઝરત ઈમામ અબુન્નસ્ર મુહંમદ બિન અબ્દુર્રરહમાન હમદાનીનું લખેલું એક અત્યંત દુર્લભ અરબી પુસ્તક ‘સબઈય્યહ’ છે. તેનો ગુજરાતીમાં સરળ અર્થ ‘સાતનો આંકડો’ એવો થાય છે એ પુસ્તકમાં લેખકે સાતના આંકડા સાથે સંબંધિત દરેક દલીલને કુરાને પાકની આયતો (વાક્યો)થી સાબિત કરી છે. લેખકનું સંશોધન જોઈએ:

  • અલ્લાહતઆલાએ સાત આકાશ બનાવ્યા છે તેના શણગાર માટે સાત ગ્રહો બનાવ્યા છે. ધરતી પર સાત સમુદ્ર બનાવ્યા છે.
  • જહન્નમમાં સાત ખંડ બનાવ્યા છે તેના નામ આ મુજબ છે: ૧ – જહન્નમ, ૨ – સઈર, ૩-સકર, ૪-જહીમ, ૫-હુતમાહ, ૬-લઝા અને ૭-હાવિયહ.
  • અલ્લાહતઆલાએ જહન્નમના જુદા જુદા સાત દરવાજા બનાવ્યા છે.
  • કુરાન શરીફ પઢવા માટે સાત કિરઅતો (શુદ્ધ ઉચ્ચાર) અદા કરવાની પદ્ધતિ) નક્કી છે.
  • સૂરએ ફાતેહાની આયતો સાત છે.
  • માનવીના સાત અવયવો મહત્ત્વના છે: બે હાથ, બે પગ, બે ઘૂંઠણ અને એક મોઢું (મોઢા પર આંખ, કાન, નાક વગેરે છે, તેનો સમાવેશ મોઢાના ભાગમાં આવી જાય છે)
  • સાત અવયવોને સાત પ્રકારની ફરજ માટે નક્કી કર્યા છે: બંને હાથ દુઆ માટે, બંને પગ ખિદમત (સેવા) માટે બંને ઘૂંઠણ નમાઝમાં બેસવા માટે અને મોઢું સિજદા માટે.
  • અલ્લાહતઆલાએ માનવીની ઉંમરને સાત વિભાગમાં વહેંચી નાખી છે: ૧- રઝીઅ (તરતનું જન્મેલ બાળક) ૨ – ફતમ (બે વરસનું ઘૂંટણીએ ચાલતું બાળ ક) ૩-સિબી (માતાનું ધાવણ છોડાવ્યું હોય તે બાળક) ૪-ગુલામ (કિશોર અવસ્થાનું બાળક), ૫-શાબ (યુવાન વ્યક્તિ) ૬-કહલ (આધેડ) ઉંમરની વ્યક્તિ અને ૭-શયખ (વૃદ્ધ ઉંમરની વ્યક્તિ)
  • ઈમાનની બૈયત (સ્વીકાર) સાત શબ્દોથી મળી છે ઈલ્લા ઈલા-હ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્રરસુલુલ્લાહ એટલે કે અલ્લાહ એક છે અને તેના રસુલ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ છે. * અલ્લાહતઆલાએ ધરતીના સાત ખંડ બનાવ્યા છે, તેને ‘હફત ઈકલીમ’ કહેવામાં આવે છે. તે જુદા જુદા ખંડોમાં જુદા જુદા દેશો અને વિસ્તારો આવી જાય છે.
  • સાત દિવસો બનાવ્યા છે. તેમાં શનિવારને પયગંબર હઝરત મુસા અલયહિસ્સલામથી મહત્ત્વ મળ્યું. રવિવારને પયગંબર હઝરત ઈસા અલયહિસ્સલામથી, સોમવારને પયગંબર હઝરત દાવુદ અલયહિસ્સલામથી, મંગળવારને પયગંબર હઝરત સુલેમાન અલયહિસ્સલામથી, બુધવારને પયગંબર હઝરત યાકુબ અલયહિસ્સલામથી, ગુરુવારને પયગંબર હઝરત આદમ અલયહિસલામથી અને શુક્રવારના દિવસને પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના તુફૈલ (કૃપાકારો)થી ફઝીલત (મહાનતા) મળી છે.

વ્હાલા વાચક મિત્રો! જેમ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અઠવાડિયાનો પ્રથમ દિવસ સોમવાર (ખજ્ઞક્ષમફુ) હોય છે અને વર્ષના શરૂઆતના પહેલા મહિનાને જાન્યુઆરી કહે છે તેમ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો મોહર્રમથી પ્રારંભ થાય છે અને અઠવાડિયાનો પ્રથમ દિવસ સનિચર એટલે શનિવારથી થાય છે. આ કોલમના જિજ્ઞાસુ વાચકોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે તે દિવસો અને મહિનાઓના નામો આ મુજબ છે:

પ્રથમ બાર મહિનાના નામ જુઓ:
૧ – મોહર્રમ, ૨ – સફર, ૩ – રબ્બીઉલ અવ્વલ, ૪ – રબ્બીઉલ આખીર, ૫ – જમાદ્ીલ અવ્વલ, ૬ – જમાદ્ીલ આખીર, ૭ – રજ્જબ, ૮ – શા’બાન, ૯ – રમઝાન, ૧૦ – શવ્વાલ, ૧૧ – ઝિલકદ્ર અને, ૧૨ – ઝિલહદ, એ જ પ્રમાણે અઠવાડિયાના સાત દિવસોના નામ આ મુજબ છે:

૧ – સનીચર – (શનિવાર), ૨ – ઇતવાર – (રવિવાર), ૩ – પિર – (સોમવાર), ૪ – મંગલ – (મંગળવાર), ૫ – બુધ – (બુધવાર), ૬ – જુમેરાત – (ગુરૂવાર) અને ૭ – જુમ્મા – (શુક્રવાર).
ઈસ્લામી મહિનાઓનો પ્રારંભ ચંદ્રદર્શન પર આધારિત છે અને દર વર્ષે તેની શરૂઆત અંગ્રેજી કેલેન્ડરની સરખામણીએ ૧૫ દિવસના તફાવતથી શરૂઆત થાય છે.

  • ઈસ્લામ પ્રાકૃતિક ધર્મ છે.
  • દુનિયામાં તે અમન (શાંતિ), ભાઈચારા અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવ્યો છે.
  • આ સંદેશ અલ્લાહ તરફથી આવેલા દરેક સંદેશવાહકો (નબીઓ, પયગંબરો)એ તે સમય પ્રમાણે લોકોને આપ્યા.
  • સૌથી છેલ્લે આવેલા પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ આખરી નબી છે અને આપ હુઝૂરે અનવર (સલ.) પર આવેલી ઈશ્ર્વરિયવાણી કુરાન કરીમ પણ આખરી ઈલાહિ કિતાબ છે અને હવે પછી તેવી કોઈ કિતાબ આવવાની નથી. કુરાનમાં દીન-દુનિયાની કયામત સુધીની દોરણી ઉમ્મત (પ્રજા-અનુઓને આપી દેવામાં આવેલ છે. આમીન (તથાસ્તુ) ઈશ્ર્વર-અલ્લાહ જીવમાત્રનું ભલું કરે).

દગાબાઝીનો દિવસ શનિવાર:
પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબને ઈમાન લાવનારા કેટલાંક સાથી સંગાથીઓએ શનિવાર (સનીચર)ના દિવસ વિશે પૂછ્યું ત્યારે આપ હુઝૂરે અનવરે ફરમાવ્યું કે – શનિવાર મક્કારી (દગાબાઝી) અને બેવફાઈનો દિવસ છે.

  • ફરી પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે, તે કેવી રીતે?
  • આપ હુઝૂરે ફરમાવ્યું કે – શનિવારે સાત પ્રકારની દગાબાઝીઓ – મક્કારીઓ અને બેવફાઈઓ થઈ છે:

૧- શનિવારના દિવસે જ હઝરત નૂહ અલયહિસ્સલામને તેમની કૌમે દગો દીધો. તે જ કારણે અલ્લાહનો અઝાબ પાણીના પ્રચંડ તોફાન સ્વરૂપે આવ્યો. તમામ દગાબાઝો તેમાં ડૂબી ગયા.

૨- શનિવારના દિવસે હઝરત સાલેહ અલયહિસ્સલામને તેમની કોમે તેમની સાથે બેવફાઈ કરી હતી. અલ્લાહતઆલાએ અઝાબ મોકલીને તે કૌમને ખત્મ કરી નાખી.

૩- શનિવારે જ, હઝરત યુસુફ અલયહિસ્સલામના ભાઈઓએ તેમની સાથે દગાબાઝી કરી હતી, જેથી આપને ઘણું સહન કરવું પડ્યું હતું. છેવટે તે ભાઈઓ ઝલીબ (હડધૂત) અને રૂસ્વા (અપમાનિત) થયા હતા.

૪- શનિવારના દિવસે જ, હઝરત મુસા અલયહિસ્સલામ જોડે તેમની કૌમે મક્કારી (છેતરામણી) કરી હતી. તે કારણે યહૂદી કૌમને (બની ઈસરાઈલને) અસહ્ય યાતનાઓ સહેવી પડી હતી.

૫- શનિવારે જ, હઝરત ઈસા અલયહિસ્સલામની કૌમે તેમની સાથે અન્યાય શરૂ કર્યો, પરિણામે તે ઝાલિમોને અલ્લાહતઆલાએ ઘણા જ અપમાનિત અને ઝલીલ કર્યા હતા.

૬- બની ઈસરાઈલની કૌમે, પોતાના નબીની નાફરમાની કરીને, માછલાં મારવાના દિવસ તરીકે શનિવાર નક્કી કર્યો, તેથી તે કૌમ આફતમાં ફસાઈ પડી, અને

૭- શનિવારના દિવસે જ, મક્કાના કુરેશીઓએ ‘દારૂલ નદવાહ’ નામના સ્થળે ભેગા મળીને મુસલમાનો અને ઈસ્લામ વિરુદ્ધ કાવતરાં કર્યાં હતા. પરિણામે તે કાવતરાના બધા આયોજકો ક્રમેક્રમે અલ્લાહના અઝાબમાં ગિરફતાર થયા હતા.


સાપ્તાહિક સંદેશ:

  • રાતભર કા હૈ મહેમાં અંધેરા
    કિસ કે રોકે રુકા હૈ સવેરા.
  • રાત જીતની ભી સંગીન હોગી,
    સુબ્હા ઉતની હી રંગીન હોગી.
    (‘સંગીન’: તંગ, દુ:ખદ. ‘રંગીન’: નિરાંત, સુખદ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button