એકસ્ટ્રા અફેર

કાશ્મીરમાં બીજા મુદ્દા નહીં, ધર્મના આધારે મતદાન

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બે રાજ્યોનાં ચૂંટણી પરિણામ જાહેર થયાં પછી હરિયાણાની વધારે ચર્ચા છે કેમ કે હરિયાણાનાં પરિણામ અનપેક્ષિત છે. હરિયાણામાં ભાજપ હારી જશે એવી હવા બંધાયેલી છતાં ભાજપ જીતી ગયો તેના કારણે હરિયાણાનાં પરિણામ બધે ચર્ચામાં છે. ભાજપ પણ જમ્મુ અને કાશ્મીર વિશે બહુ ચર્ચા નથી કરતો ને હરિયાણાની જીતના જશ્નમાં પડ્યો છે તેથી પણ હરિયાણાની ચર્ચા વધારે છે પણ જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો પણ એટલાં જ મહત્ત્વનાં છે કેમ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી આ પહેલી ચૂંટણી હતી.

આ ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરની જનતા કલમ ૩૭૦ નાબૂદ કરાઈ તેને સમર્થન આપે છે કે નહીં એ નક્કી થશે એવું વિપક્ષો કહેતા હતા પણ આ ચૂંટણી માત્ર કલમ ૩૭૦ વિશે નહોતી ને આ ચૂંટણી કલમ ૩૭૦ પરનો જનાદેશ પણ નહોતી. તેના બદલે બીજા ઘણા મુદ્દા ચર્ચામાં હતા. ભાજપ પોતે કલમ ૩૭૦ની નાબૂદીને પોતાની સૌથી મોટી સિદ્ધિઓમાં એક માને છે પણ ભાજપે પણ માત્ર કલમ ૩૭૦ને સૌથી મોટો મુદ્દો નહોતો બનાવ્યો. તેના બદલે ભાજપે પણ વધારે ભાર નહેરુ-ગાંધી, અબ્દુલ્લા અને મુફ્તિ પરિવારના ભ્રષ્ટાચાર પર મૂક્યો હતો.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતા પણ આ મુદ્દાને વધારે ચગાવતા હતા પણ જમ્મુ અને કાશ્મીરમાં જે પરિણામો આવ્યાં તેમાં આ બધા મુદ્દા બહુ અસરકારક રહ્યા નથી. તેના બદલે ધર્મના આધારે મતદાન થયું હોય એવું વધારે લાગે છે. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં ભાજપના જીતેલા તમામ ૨૯ ઉમેદવારો કાં હિંદુ છે કાં શીખ છે જ્યારે કૉંગ્રેસના તમામ જીતેલા ઉમેદવારો મુસ્લિમ છે.

નેશનલ કોન્ફરન્સના ૪૨ ઉમેદવારો જીત્યા તેમાંથી માત્ર ૨ હિંદુ છે જ્યારે ૪૦ મુસ્લિમ છે. પીડીપીના ત્રણેય વિજેતા ઉમેદવાર મુસ્લિમ છે. આ આંકડા કાશ્મીરમાં ધર્મના આધારે મતદાન થાય છે તેના પુરાવારૂપ છે. આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને ૧ બેઠક જીતી છે પણ તેના વિજેતા ઉમેદવાર હિંદુ છે તેના પરથી સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટીને પણ મુસ્લિમ મતદારો સ્વીકારતા નથી.

જમ્મુ અને કાશ્મીર કાશ્મીર ખીણ અને જમ્મુ એ બે વિસ્તારોમાં વહેંચાયેલો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ પૈકી કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે, બલકે બીજું કોઈ ચિત્રમાં જ નથી કેમ કે કાશ્મીર ખીણમાં ૯૭ ટકા મુસ્લિમો છે. બીજી તરફ જમ્મુ વિસ્તારમાં હિંદુ અને શીખોની બહુમતી છે. જમ્મુમાં ૬૦ ટકા કરતાં વધારે વસતી હિંદુ અને શીખોની છે.

જમ્મુ અને કાશ્મીરમાં જે પરિણામો આવ્યાં છે તેનું વિશ્ર્લેષણ કરો તો સમજાય કે, ધર્મના આધારે જ મતદાન થયું છે. આ વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને ૪૯ બેઠકો મળી છે. ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ ૪૨, કૉંગ્રેસને ૬ અને સીપીએમને એક બેઠક મળી છે. સરકાર રચવા માટે ૪૬ બેઠક જોઈએ એ જોતાં ઈન્ડિયા મોરચા પાસે બહુમતી છે. ભાજપે ૨૯ બેઠક જીતી છે અને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ભાજપને ૪ બેઠકનો ફાયદો થયો છે.

ભાજપ અને ઈન્ડિયા મોરચાએ ક્યાં બેઠકો જીતી છે તેનું વિશ્ર્લેષણ કરશો તો સમજાશે કે હિંદુ-શીખ પ્રભુત્વના વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ છે જ્યારે મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપને કોઈ ઘૂસવા પણ નથી દેતું. જમ્મુ અને કાશ્મીરની ૯૦ બેઠકમાંથી ૪૩ બેઠક જમ્મુમાં છે અને ૪૭ કાશ્મીર ખીણમાં છે. ભાજપે જમ્મુ ક્ષેત્રની તમામ ૪૩ બેઠક પર ચૂંટણી લડી હતી અને ૨૯ બેઠક જીતી છે. મતલબ કે, ભાજપે લગભગ ૬૫ ટકા બેઠક જીતી છે. જમ્મુ વિસ્તારમાં હિંદુ-શીખોની વસતી છે એટલી જ બેઠકો ભાજપને મળી છે.

ભાજપે કાશ્મીર ખીણની ૪૭ બેઠકો પર ૨૦ ઉમેદવારો ઉભા રાખ્યા હતા પણ ભાજપનું ખાતું પણ ખૂલ્યું નથી. ભાજપે ઊભા રાખેલા મુસ્લિમ ઉમેદવાર પણ હારી ગયા છે. ગુરેઝ બેઠક તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જ્યાં ફકીર મોહમ્મદ ખાનને ભાજપે ઉમેદવાર બનાવેલા. ફકીર મોહમ્મદ ૨૮ વર્ષ પહેલાં ૧૯૯૬માં ગુરેઝ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ખાન પછી કૉંગ્રેસમાં ગયા પણ હારી ગયા હતા. આ વખતે ભાજપમાં ગયા તો ભાજપમાંથી પણ હાર્યા છે. ધર્મનો પ્રભાવ એ હદે છે કે, જમ્મુ અને કાશ્મીર ભાજપ પ્રમુખ રવિન્દર રૈના નૌશેરા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર સામે લગભગ ૮ હજાર મતોથી હારી ગયા કેમ કે મુસ્લિમો ભાજપ સામે એક થઈ ગયા.

નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસે મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીર ખીણ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. મુસ્લિમોના તેમના તરફના ઝૂકાવના કારણે કાશ્મીર ખીણમાં નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસનું જોડાણ પહેલેથી જ મજબૂત મનાતું હતું પણ મહેબૂબા મુફિતની પીડીપી તેમને ટક્કર આપશે એવું લાગતું હતું. જો કે પીડીપી સાવ ધોવાઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સે જીતેલી ૪૨ બેઠકોમાંથી ૩૫ બેઠક કાશ્મીર ખીણમાંથી જીતી છે.

કૉંગ્રેસે કુલ ૬ બેઠકો જીતી છે ને તેમાંથી ૫ બેઠક કાશ્મીર ખીણમાંથી જીતી છે. ૨૦૧૪માં નેશનસ કોન્ફરન્સ અને કૉંગ્રેસે ભેગા મળીને ૨૭ બેઠક જીતી હતી પણ આ વખતે જોડાણની બેઠકનો આંકડો બહુમતીને પાર કરી ગયો છે કેમ કે મહેબૂબા મુફિતએ ભાજપ સાથે જોડાણ કર્યું તેના કારણે મુસ્લિમ મતદારોએ મહેબૂબાને સાવ ધોઈ નાંખ્યાં છે. ૨૦૧૪માં ૨૭ બેઠક જીતનારાં મહેબૂબાને આ વખતે ગણીને ૩ બેઠક મળી છે.

જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો એ વાતનો સંકેત છે કે, જમ્મુ અને કાશ્મીરમાં ધર્મના આધારે વિભાજન વધી રહ્યું છે અને મુસ્લિમો ભાજપને સ્વીકારવા તૈયાર નથી. નરેન્દ્ર મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની કોશિશ કરી એ પ્રસંશનીય છે. કલમ ૩૭૦ના કારણે જમ્મુ અને કાશ્મીર દેશનાં બીજાં રાજ્યોથી અલગ પડી જતું હતું. દેશના બીજાં લોકો જમ્મુ અને કાશ્મીર જઈ શકતાં નહોતાં. મોદી સરકારે આ ભેદભાવ દૂર કર્યો પણ કાશ્મીરની પ્રજાને એ નથી જોઈતું.

ભાજપ મુસ્લિમ વિરોધી છે અને હિંદુઓનો પક્ષ છે એ માન્યતા તેમના માનસમાં એ હદે ઘર કરી ગઈ છે કે, ભાજપને કાશ્મીર ખીણમાં ઘૂસવા દેવા પણ નથી માગતા. આ કટ્ટરવાદી માનસિકતા જમ્મુ અને કાશ્મીરને નુકસાન કરી રહી છે પણ લોકો સમજવા તૈયાર નથી તો આપણે શું કરી શકીએ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button