Mumbai-Pune missing link: મુંબઈથી પુણે તમે આટલી મિનિટ વહેલા પહોંચશો, બની રહ્યો છે દેશનો સૌથી મોટો બ્રીજ
મુંબઈઃ મુંબઈની જેમ જ પૂણે પણ ઝડપથી વિકસી રહ્યું છે. આ બન્ને શહેરો વચ્ચે નિયમિત પ્રવાસ કરનારાઓની સંખ્યા લાખોમાં છે. દૂર હોવા છતાં આ બન્ને શહેરો ટ્વીન સિટિ છે, તેમ કહેવું પણ ખોટું નહીં કહેવાય ત્યારે જે લોકો આ બન્ને શહેરો વચ્ચે જ દિવસની ત્રણ-ચાર કલાકો ગાળે છે તેમની માટે સારા સમાચાર છે. મુંબઈ પુણે વચ્ચે એક મિસિંગ લીંક શોધી કાઢવામાં આવી હતી અને તેના પર બ્રિજ બનાવવાની વાત હતી. હવે આ બ્રિજ નજીકના સમયમાં બની જશે તેવી શક્યતા છે ત્યારે પ્રવાસીઓનો લગભગ અડધો કલાક જેવો સમય બચવાની સંભાવના છે.
શું છે આ મિસિંગ લિંક અને તેને જોડતો પ્રોજેક્ટ
મુંબઈ-પુણે શહેરો વચ્ચેનું અંતર ઘટાડવા માટે દેશનો સૌથી મોટો એલિવેટેડ કેબલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બે પર્વતો વચ્ચેનો કેબલ બ્રિજ જમીનથી 183 મીટર ઊંચો રહેશે. આ બ્રિજનું કામ હવે 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ખોપોલી એક્ઝિટથી સિંહગઢ સંસ્થા વચ્ચેનું અંતર 19 કિમી છે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ આ અંતર માત્ર 13.3 કિમી રહેશે. તેનાથી બંને શહેરો વચ્ચેનું છ કિલોમીટરનું અંતર ઘટશે.
આ પણ વાંચો : નવી મુંબઈમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર 3.50 લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો…
મિસિંગ લિંક પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે 13.3 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. તેમાં બે ટનલ અને બે કેબલ બ્રિજ હશે. 13.33 કિલોમીટરમાંથી 11 કિલોમીટર લાંબી ટનલ અને 2 કિલોમીટરનો કેબલ બ્રિજ બનાવવામાં આવશે. MSRDC મુજબ, બંને ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ આ ટનલને પૂરી કરવાનું કામ ચાલી રહ્યું છે.
આ પ્રોજેક્ટ અંગે મળતી માહિતી અનુસાર ખોપાલી ખાતેના એલિવેટેડ કેબલ બ્રિજને 250 કિમીના પવનથી કોઈ અસર થશે નહીં. બ્રિજ બનાવતી કંપનીના સૂત્રોનું માનીએ તો જે વિસ્તારમાં પુલ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની મહત્તમ ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે. બ્રિજ પર 100 કિમીની ઝડપે વાહનો દોડી શકશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડિઝાઇનનું વિદેશમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. વધુ ઊંચાઈ અને ઝડપી પવનોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ જગ્યાએ 250 કિમીની ઝડપે પવન ફૂંકાય તો પણ કંઈ થશે નહીં