ગ્રાહકોના દાગીના અને રોકડ સાથે ફરાર ઝવેરી દોઢ વર્ષે મધ્ય પ્રદેશમાં પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગ્રાહકોએ સમારકામ અથવા નવા બનાવી આપવા માટે સોંપેલા સોનાના જૂના દાગીના અને રોકડ મળી અંદાજે 1.38 લાખની મતા સાથે ફરાર થઈ ગયેલા ઝવેરીને પાલઘર પોલીસે દોઢ વર્ષે મધ્ય પ્રદેશમાં પકડી પાડ્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કાનારામ દત્તારામ ચૌધરી (44) તરીકે થઈ હતી. મૂળ રાજસ્થાનના પાલીનો વતની ચૌધરી ગુનો નોંધાયો ત્યારથી ફરાર હતો અને પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. તેની પાસેથી 17.71 લાખ રૂપિયાના સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ચૌધરી અને તેના વ્યાવસાયિક ભાગીદાર હિતેશ શાંતિલાલ ઢોળકિયા વિરુદ્ધ 10 મે, 2023ના રોજ સફાળે પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420 અને 34 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ સફાળેમાં ગણેશ જ્વેલર્સ નામે દુકાન ખોલી હતી. બાદમાં જાન્યુઆરી, 2022થી એપ્રિલ, 2023 દરમિયાન ગ્રાહકોએ આપેલા દાગીના અને રોકડ સાથે આરોપી ફરાર થઈ ગયા હતા. તૂટેલા દાગીના સમારવા અને નવા બનાવવા જૂના દાગીના ગ્રાહકોએ આપ્યા હતા. એ સિવાય દાગીના ખરીદવા માટે અમુક ગ્રાહકોએ હપ્તે હપ્તેથી રકમ ઝવેરીને ચૂકવી હતી. એ બધા દાગીના અને રકમ મળી 1.38 કરોડ રૂપિયાની છેતરપિંડી આરોપીએ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ગુનો નોંધાયા પછી પ્રાથમિક તપાસને આધારે ગયા વર્ષે જ ઢોળકિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આરોપી ચૌધરી પોલીસે હાથ લાગ્યો નહોતો. તે પોતાના વતન પણ ગયો નહોતો. ચૌધરી મધ્ય પ્રદેશમાં હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. માહિતીને આધારે મધ્ય પ્રદેશ ગયેલી પોલીસની ટીમે ચૌધરીને તાબામાં લીધો હતો.