આમચી મુંબઈ

દાદરના ફૂલબજારની ગંદકી થશે દૂર

કાયમી સ્વરૂપે ફૂલબજારમાં એક કૉમ્પૅક્ટર તહેનાત થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદર (પશ્ચિમ) રેલવે સ્ટેશન બહાર આવેલી ફૂલબજારમાં ફૂલોના વેપારીઓ દ્વારા રસ્તા પર ફેંકવામાં આવતા કચરાને કારણે આખો પરિસર ગંદો થાય છે . તેથી મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂકવા માટે અહીં કાયમી સ્વરૂપે એક કૉમ્પૅક્ટર મૂકી દીધું છે.

દાદર (પશ્ચિમ)માં રેલવે સ્ટેશન બહાર મીનાતાઈ ઠાકરે ફૂલ બજાર આવેલી છે. અહીં રોજ લાખોનો ફૂલોનો વ્યવસાય થાય છે. જોકે અહીં ફૂલ માર્કેટમાં ગંદકી પણ એટલી જ થતી હોય છે. વાસી થઈ ગયેલા અને વેચાયા વગરના ફૂલ મોટા ભાગે વેપારીઓ દ્વારા રસ્તા પર જ ફેંકી દેવામાં આવતા હોય છે અને તેને કારણે પરિસરમાં ગંદકી ફેલાય છે અને આખા પરિસરમાં ગંદી વાસ આવતી હોય છે. તેથી પાલિકાએ આ પરિસરમાં વેપારીઓ દ્વારા રસ્તા પર ફેંકવામાં આવતા કચરાને રોકવા માટે અહીં કાયમ સ્વરૂપે એક કૉમ્પૅક્ટર બેસાડી દીધું છે. જેથી ફૂલોના વેપારીઓ કચરો રસ્તા પર ફેંકવાને બદલે કચરો આ કૉમ્પૅક્ટરમાં ફેંકશે.

બુધવારે પાલિકાના ઘનકચરા વિભાગ મારફત ફૂલ માર્કેટના વેપારીઓ, વ્યાવસાયિકો સાથે બેઠક પણ લેવામાં આવી હતી અને `સ્વચ્છ મુંબઈ, સુંદર મુંબઈ ‘ સંદર્ભમાં જનજાગૃતિ પણ કરવામાં આવી હતી.
મુંબઈમાં હાલ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. જુદા જુદા ઠેકાણે કચરાના વર્ગીકરણ કરવા માટે પાલિકા દ્વારા જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. અમુક ઠેકાણે હજી પણ લોકો રસ્તા પર કચરો ફેંકી રહ્યા હોવાની ફરિયાદો આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button