નવી દિલ્હી: ઑફ-સ્પિનર હરભજન સિંહ શાનદાર કરીઅર દરમ્યાન ભારતનો મૅચ-વિનર તો હતો જ, તે સ્પષ્ટવક્તા તરીકે પણ જાણીતો છે. તે રમતો ત્યારે મીડિયામાં તેની ઓળખ ‘દૂસરા કિંગ’ અને ‘ટર્બનેટર’ તરીકે અચૂક થતી હતી. બે વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને જલંધરના આ સ્પિન-સમ્રાટે ઘણા વિક્રમો પોતાના નામે અંકિત કર્યા છે અને મુંબઈ ઇન્ડિયન્સના તથા ચેન્નઈ સુપર કિંગ્સના ટાઇટલ-વિનર્સમાં પણ તેનું નામ લખાયું છે.
તાજેતરમાં તે મહેન્દ્રસિંહ ધોની વિશે કંઈક બોલ્યો એટલે સોશિયલ મીડિયામાં ટ્રૉલ થયો છે. જોકે હરભજને પોતાની ટીકા કરનારાઓને પણ સંભળાવી દીધું છે.
ભજ્જીએ 2024ની આઇપીએલની બેન્ગલૂરુ અને ચેન્નઈ વચ્ચેની એક મૅચના સંદર્ભમાં કહ્યું કે મૅચ પછી જ્યારે ખેલાડીઓની એકમેક સાથે હાથ મિલાવવાની ક્ષણો આવી હતી ત્યારે ધોનીએ પરાજયના આઘાતમાં ગુસ્સામાં આવીને નજીકના ટીવીની સ્ક્રીન પર પંચ લગાવી દીધો હતો.
બેન્ગલૂરુ સામેની આ હારને કારણે ચેન્નઈની ટીમ પ્લે-ઑફમાં નહોતી પહોંચી શકી.
જોકે ધોનીના એ જૂના ને જાણીતા વર્તન વિશે હરભજને ટિપ્પણી કરી એટલે તરત મીડિયામાં ક્રિકેટપ્રેમીઓ દ્વારા ટ્રૉલ થયો હતો. જોકે હંમેશની માફક આ વખતે પણ ભજ્જીએ પોતાની સ્ટાઇલમાં ટીકાનો જવાબ આપ્યો હતો.
હરભજને પોતાને ટ્રૉલ કરનારાઓ સામે સીધી આંગળી ચીંધવાનું ટાળીને શૅર કરેલા એક ટવીટમાં લખ્યું, ‘જુઓને, હવે તો કેટલીક કીડીઓ પણ મધ કેવી રીતે બનાવવું એ મધમાખીઓને શીખવી રહી છે.’
હરભજન આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં મોટા ભાગની મૅચો એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં રમ્યો હતો અને બન્ને વચ્ચે બહુ સારી મિત્રતા રહી છે. કૅપ્ટન્સીની બાબતમાં હરભજને ઘણી વાર તેના વખાણ કર્યા છે અને ધોની પણ ભજ્જીની પ્રશંસા કરી ચૂક્યો છે.