જૉ રૂટે રચી દીધો ઇતિહાસ, આ દિગ્ગજને પાછળ રાખીને સૌથી વધુ ટેસ્ટ-રનની સિદ્ધિ મેળવી
મુલતાન: ઇંગ્લૅન્ડના સ્ટાર બૅટર જૉ રૂટે ઇતિહાસના ચોપડે પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવી લીધું છે. ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે હવેથી જૉ રૂટનું નામ લેવાશે. તેણે પોતાના દેશના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટિંગ-લેજન્ડ ઍલિસ્ટર કૂકને પાછળ રાખી દીધો છે. રૂટે આ કમાલ મુલતાનમાં પાકિસ્તાન સામે ચાલી રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં કરી છે.
| Also Read: ICC Test Rankings: આ બેટ્સમેન નંબર 1 સ્થાન પર પહોંચ્યો, વગર રમ્યે રોહિત શર્માની રેન્કિંગ સુધરી
ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ ટેસ્ટ-રન બનાવનાર જૉ રૂટ વિશ્ર્વભરના તમામ ટેસ્ટ-બૅટર્સમાં પાંચમા નંબરે છે. સચિન તેન્ડુલકર આ યાદીમાં 15,921 રન સાથે મોખરે છે. જૉ રૂટે ઍલિસ્ટર કૂક કરતાં ઘણી ઓછી ઇનિંગ્સમાં તેનાથી વધુ રન બનાવ્યા છે. કૂકે 161 ટેસ્ટના 291 દાવમાં 12,472 રન બનાવ્યા હતા, જ્યારે જૉ રૂટે 147 ટેસ્ટના 268 દાવમાં 12,522 રન બનાવ્યા છે.
જૉ રૂટે ડિસેમ્બર, 2012માં નાગપુરમાં ભારત વિરુદ્ધ રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે જૉ રૂટ મુલતાનમાં પાકિસ્તાન સામેની ટેસ્ટના પહેલા દાવમાં 123 રને રમી રહ્યો હતો.
| Also Read: ક્રિસ વૉક્સે સૂર્યકુમારની જેમ અદભુત કૅચ પકડવાનો પ્રયાસ કર્યો અને…
ઍલિસ્ટર કૂકની બૅટિંગ-ઍવરેજ 45.35 હતી, જ્યારે જૉ રૂટની 51.11ની છે. કૂકની 33 સદી સામે રૂટની 35 સેન્ચુરી છે. એટલે એ રીતે પણ તે કૂકથી ચડિયાતો છે. જોકે કોઈ પણ બે દિગ્ગજ બૅટર વચ્ચે સરખામણી થવી ન જોઈએ, કારણકે દરેક બૅટરની ઇનિંગ્સ તેની હરીફ ટીમ, પ્રવર્તમાન પરિસ્થિતિ, પિચ, ટીમમાંની જવાબદારી અને માનસિક દબાણ જેવા પરિબળો પર આધારિત હોય છે.
ટેસ્ટના ટોચના દસ બૅટર
(1) સચિન તેન્ડુલકર: 15,921 રન
(2) રિકી પૉન્ટિંગ: 13,378 રન
(3) જૅક કૅલિસ: 13,289 રન
(4) રાહુલ દ્રવિડ: 13,288 રન
(5) જૉ રૂટ: 12,522 રન
(6) ઍલિસ્ટર કૂક: 12,472 રન
(7) કુમાર સંગકારા: 12,400 રન
(8) બ્રાયન લારા: 11,953 રન
(9) શિવનારાયણ ચંદરપૉલ: 11,867 રન
(10) માહેલા જયવર્દને: 11,814 રન