આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેના આ પોસ્ટર બની શકે મહાવિકાસ આઘાડીમાં વિવાદનું કારણ?

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે થોડા વખત પહેલા જ દિલ્હીમાં જઇને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા ત્યારે તેમણે પોતાને મુખ્યપ્રધાનપદના દાવેદાર જાહેર કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને હવે ફરીથી ઉદ્ધવના મુખ્ય પ્રધાનપદના ચહેરા તરીકેનો વિવાદ ઊભો થયો છે.

ઉદ્ધવ ઠાકરેના ‘ભાવિ’ મુખ્ય પ્રધાન તરીકેના બેનરો લાગતા ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવાના ઇચ્છુક હોવાની ચર્ચા ફરી જાગી છે. જોકે, આવા બેનરોના કારણે મહાવિકાસ આઘાડીમાં ભંગાણ પડે તેવી શક્યતા પણ છે.

દાદરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો દ્વારા ઠેર ઠેર દશેરાની ઉજવણીના બેનરો લગાવવામાં આવ્યા હતા અને આ બેનરોમાં ઉદ્ધવ ઠાકરેને ‘ભવિષ્યના મુખ્ય પ્રધાન’ ગણાવવામાં આવ્યા હતા. મહાવિકાસ આઘાડીમાં હજી સુધી બેઠકોની વહેંચણીનો મુદ્દે ઉકેલાયો નથી ત્યારે કૉંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) દ્વારા આ મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રને ‘બચાવવા’ માટે કોંગ્રેસ એનસીપી (એસપી) દ્વારા જાહેર કરવામાં આવેલા કોઈપણ મુખ્ય પ્રધાનના ચહેરાને સમર્થન: ઉદ્ધવ ઠાકરે…

કૉંગ્રેસ પણ પોતાનો મુખ્ય પ્રધાન બનાવવા માગતી હોવાની ચર્ચા છે. જ્યારે થોડા સમય પહેલા શરદ પવારે પણ જે રીતે તે પોતે મુખ્ય પ્રધાન બન્યા એ રીતે રોહિત પવાર પણ ભવિષ્યમાં મહારાષ્ટ્રની ધુરા સંભાળી શકે એવું નિવેદન આપ્યું હતું. જેને પગલે તે રોહિત પવારને મુખ્ય પ્રધાન બનાવવા માગતા હોવાનો સંકેત પણ આપ્યો હોવાનું કહેવાઇ રહ્યું હતું.

હવે ઉદ્ધવ ઠાકરેના ભવિષ્યમાં મુખ્ય પ્રધાન તરીકેના બેનરો લાગતા મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ભલે બેઠકોની વહેંચણીના બાબતે ખેંચતાણ ન હોય, પરંતુ મુખ્ય પ્રધાનપદની ઉમેદવારી માટે ચોક્કસ ખેંચાખેંચી ચાલી રહી છે, તેવી ચર્ચા થઇ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button