ઔર યે મૌસમ હંસીં… : અઢળક લોકનૃત્યોની આગવી સંસ્કૃતિનો દેશ છે આપણો!
ભારતની ઓળખ સાથે વૈવિધ્ય શબ્દ જોડાયેલો છે. આપણે ત્યાં વિશાળ રેન્જમાં જાતજાતના ભોજન, ભજન, ઉત્સવો, ધાર્મિક પરંપરાઓ, ભાષાઓ, રીતરિવાજો, જીવનશૈલી, કથાનકો, લોકકથાઓ, સ્થાપત્યો, કલરફુલ કપડાં છે. પ્રત્યેક વિષયમાં આટલી બધી વિવિધતા કદાચ દુનિયાના જવલ્લે જ દેશ પાસે સલામત રહી હશે. વિશ્ર્વનો સૌથી લાંબો નૃત્ય ફેસ્ટિવલ નવરાત્રિમાં દરેક શહેર, સમાજ તથા વિસ્તાર મુજબ વિવિધતા જોવા મળે છે. મુંબઇ કરતાં અમદાવાદના ગરબા અને ફેશન અલગ, અમદાવાદ કરતાં રાજકોટ અલગ અને વડોદરા બધાં કરતાં અલગ દુનિયા ધરાવે છે. નવરાત્રિ એટલે ગરબા, રાસ, ગરબી, દોઢિયું સહિત લોકજીવનના અનેક રંગો સમાયેલા છે. નવરાત્રિ જેવા અદભુત લોકનૃત્યમાં આટલી વિવિધતા હોય તો દેશમાં કેટલા લોકનૃત્ય હશે? કોઈ આઇડિયા?
લોકનૃત્યોની પરમ્પરા હજારો વર્ષથી પરંપરાગત રીતે વિશ્ર્વભરમાં વિકાસ પામેલી છે. લેટિન અમેરિકાના દેશોના પરંપરાગત નૃત્યો અને ફાર ઇસ્ટના દેશોનાં નૃત્યો વચ્ચે નૃત્ય સંબંધે કોઈ સમાનતા નહિ હોય પણ એક જ સમાનતા જરૂર જોવા મળે છે, હજારો વર્ષોથી વારસામાં ઊતરે છે. દરેક દેશો પાસે પોતાના રીતરિવાજો, સંગીત અને આગવું સાહિત્ય છે જેની ઝલક લોકનૃત્યના ઉત્સવમાં જોવા મળે છે, કેમ કે લોકનૃત્ય કરતાં કલાકારો પાસે ખાસ ટ્રેનિંગ હોવી જરૂરી નથી. વિશ્ર્વમાં ફૈડૈન્ગો, ટારેટેલા, હોરા, કોલો, સેલી, પોલ્કા કે તલવાર જેવા હથિયાર સાથે લોકનૃત્ય થતાં હોય છે. વિશ્ર્વભરના લોકનૃત્યના જાણકારો માને છે કે આ નૃત્ય એક જ વાર થાય, બીજી વાર એમાં બદલાવ થવાનો જ છે કેમ કે એનું ક્લાસિકલ ડાન્સ જેવું ફિક્સ ફોર્મેટ નથી. લોકનૃત્યનો આનંદ ક્ષણિક હોવાથી સમાધિ જેવી ભાવના સાથે પ્રકૃતિ અને ઈશ્ર્વરની નજીક લઇ જાય છે.
ભારતીય ફોક ડાન્સનાં થોડાં નામોની ચર્ચા કરીએ અત્યંત કોમળતા સાથે ગીતો, રંગો, નૃત્યની સ્ટાઇલ સાથે ડમકચ નૃત્ય કરવામાં આવે છે તો એકબીજાના હાથ પકડીને નૃત્ય કરતી મહિલાઓ એટલે જનાની ઝૂમર નૃત્ય. ચાંદીનાં ઘરેણાં પહેર્યાં હોય અને ખૂબ મેકઅપ કર્યો હોય, રાધાકૃષ્ણના પ્રેમના ગીતને મહિલા દ્વારા નૃત્યમાં રજુ કરતું કલી નૃત્ય વિષે જાણવા જેવું છે. મહિલા દ્વારા પગથી થતું જદુર નૃત્ય, રાચા નૃત્ય જેમાં પહેલા ભાગમાં મહીલાઓ પુરુષોને તેજીથી પાછળ ખસેડે અને બીજા ભાગમાં પુરુષો મહિલાઓને ખસેડતા હોય છે, એવું જ મુંડા નૃત્ય છે.
ભારતીય નૃત્યોમાં ઋતુઓ તથા દેશી મહિનાઓનું ખાસ મહત્ત્વ છે. રમતો આવ્યો વાળો ફાગણ મહિનાનું સ્ત્રી પુરુષનું સમૂહમાં થતું બાહા નૃત્ય જોવા જેવું હોય છે. ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નો થાય ત્યારે ઘરના આંગણામાં બંને પક્ષના એન્જોય કરતાં દોહા નૃત્ય, પુરુષો શિકાર કરતાં હોય એવું દોંગેડ નૃત્ય, પુરુષોનું સોહરાય નૃત્ય, ભાદરવા માસનું પુરુષોનું એનર્જેટિક શિકારી નૃત્ય, ગરબા જેવું પુરુષ અને સ્ત્રીઓનું સમૂહ થાકી થતું માગે નૃત્ય, છોસમી નૃત્ય, હો નૃત્ય, સકરાત નૃત્ય, બા નૃત્ય, હેરો નૃત્ય, જોમનમા નૃત્ય, પુરુષોનું દશેરાનું દસંય નૃત્ય, સોહરાઇ નૃત્ય, ખડિયા નૃત્ય, ઘરનાં આંગણે થતું કિનભર નૃત્ય, યુવાનોનું એનર્જેટિક હરિયો નૃત્ય, હલકા નૃત્ય, જતરા નૃત્ય, ડોયોર નૃત્ય, હાથ પકડીને ઝૂકી ઝૂકીને થતા જદુરા નૃત્ય, દેશી જેઠ મહિનાનું લહસુઆ નૃત્ય… થાકી ગયા? હજી તો શરૂ કર્યું છે…
લોકસાહિત્ય અને લોકકલા પર રિસર્ચ કરી શકાય એવા આ નૃત્ય ધીમે ધીમે મૃતપ્રાય તો નહીં થઈ જાય ને? કોઈકે તો ડોક્યુમેન્ટ્સ કરવા પડશે.
ઝારખંડના આદિવાસીઓના ઉરાંવો નૃત્ય, જે લગ્ન કે ઉત્સવોમાં આખું વર્ષ કરવામાં આવે છે. પગના મુશ્કેલ તાલ સાથે ફગ્ગૂ ખદ્દી નૃત્ય, ખેતી સાથે ઘુડિયા નૃત્ય, ડોડોંગ નૃત્ય, છેછાડી નૃત્ય, દેશવાડી નૃત્ય, ઘડઘડિયા નૃત્ય, અસારી નૃત્ય, અંગનઇ નૃત્ય, કરમ નૃત્ય, ચલી નૃત્ય, ગંભીર લયબદ્ધ તુસગો નૃત્ય, લટકા ઝટકાનું જદિરા નૃત્ય, હોળી પર બિહારનું ફેમસ જોગીડા નૃત્ય, બિહારી મુસ્લિમોનું ઝરની નૃત્ય, ભોજપુરી છોકરાઓનું લૌંડા નૃત્ય જેમાં છોકરી જ છોકરો બનતો હોય છે. તમે થાકી તો નથી ગયા ને?
અહીં આપણે એની જ વાત કરીએ છીએ જે ભારતની સાચી ઓળખ છે. નૃત્યો અને કલા વિષે વંચાતું નથી કારણકે આમાં કશું મસાલેદાર નથી.
બિહારમાં લગ્ન પ્રસંગોમાં પ્રોફેશનલ ડાન્સર નૃત્ય રજૂ કરે છે એનું નામ છે, ખોડલિન નૃત્ય. મૂડીવાદી સામાજિક પરંપરાની ભેટ કહેવાય એવું આ નૃત્ય જેમાં મહિલાઓ લટકા ઝટકા કરીને પુરસ્કાર મેળવે છે. કેટલી ઉદાત્ત ભાવના જોડાયેલી છે કે નૃત્ય સાથે આવક થાય. પુરુષો પંવડિયા નૃત્ય કરે છે, તો શૃંગાર રસ સાથે ઘેબિયા નૃત્ય છે. દુર્ગા પૂજા પર ઝિઝીયા નૃત્ય થાય છે. વિદાયત નૃત્ય અને કઠગોવડા ખાસ શૈલીનું નૃત્ય છે. શૌર્ય અને શૃંગારનો સમન્વય માણવો હોય તો રાઇ નૃત્ય જોવું. ગણગોર નૃત્ય, દુલ દડી નૃત્ય, ગૌર નૃત્ય, ગેંડી નૃત્ય, ગ્રામ દેવતા સમક્ષ સહરુલ નૃત્ય, થાંભલાની આસપાસ થતું ખંભા નૃત્ય, મધુર સંગીત સાથે કેહરા નૃત્ય, પંથી નૃત્ય, બરેદી નૃત્ય, કસરત સાથે અખાડા નૃત્ય, દાદર નૃત્ય, ગણેશજી માટે કાનડા નૃત્ય, લગ્નમાં થતું પરધૌની નૃત્ય, શરદ પૂનમની રાત્રે સૈલા નૃત્ય, બાયર નૃત્ય, હુલકી નૃત્ય, માંગરી નૃત્ય, બિલમા નૃત્ય, ઢોલક સાથે થાપટી નૃત્ય, લગ્ન પર બંને પક્ષના સ્ત્રી પુરુષ સવાલ જવાબ કરતાં હોય એવું કેમાલી નૃત્ય, ઘૂંઘટ તાણી હાથમાં થાળી વગાડતી શુભ પ્રસંગે મહિલાઓનું આડા ખડા નૃત્ય, લગ્ન પર શહનાઈ સાથે ફેફારિયા નૃત્ય, માંડલ્યા નૃત્ય, એક મીટર લાંબો ડંડો લઇને ખાસ શૈલીનું ડંડા લોકનૃત્ય એનર્જેટિક હોય છે….
રઘુવીર શ્રીવાસ્તવના પુસ્તક આધારિત આ વાતો પરથી સમજાય છે ને કે, ભારતીય સંસ્કૃતિ મહાન શા માટે ગણાય છે? આપણી જવાબદારી એટલી જ છે કે આ મહાન વારસાને જાળવી રાખવાનો છે. આ તો ભારતના માંડ દશ ટકા વિસ્તારના લોકનૃત્ય લખ્યા, હજી તો હિમાલય, નોર્થ ઇસ્ટ, ઉત્તરનાં રાજ્યો, દક્ષિણ ભારત, ગુજરાત મહારાષ્ટ્ર સહિત વિશાળ વિસ્તારનાં નૃત્યો વિષે વિચારવાનું આપ સહુ પર છોડી દઈએ છીએ. લોકનૃત્ય હોય તો લોકગીતો હોય, લોકગીતો હોય તો લોકસંગીત હોય અને સાથે સ્થાનિક પહેરવેશ હોય. અંતે સરસ મજાનું લોકસાહિત્ય હોય … પણ સમસ્યા એ છે કે વ્યસ્ત જીવનમાં સમય કોને છે?
ધ એન્ડ :
જો તમે નાચી શકતા હોવ તો સીધુંસાદું ચાલો છો જ શું કામ? ( એલેન વેન ડેમ)