ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

પ્રાસંગિક: યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે પશ્ર્ચિમ એશિયા બે આખલાની લડાઈમાં વર્લ્ડ ઈકોનોમીનો ખો નીકળી જશે…

-અમૂલ દવે

ઈરાન – ઈઝરાયલ વચ્ચેની આ રિવેન્જ (પ્રતિશોધ) અને રિટેલિયેશન (વળતો હુમલો)ની લડાઈએ આખા વિશ્ર્વને સંકટમાં મૂકી દીધું છે. આ બે કટ્ટર દુશ્મન વચ્ચેનો જંગ પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાશે તો આખા વિશ્ર્વ પર આની વિપરિત અસર પડશે. પેટ્રોલના ભાવ વધી જશે, તેલ જેવા કુદરતી સાધનોનો નાશ થશે. વિનાશ અને ખુંવારીમાં આખા વિશ્ર્વની ઈકોનોમી તળિયે બેસી જશે. હુથીના હુમલાને લીધે અખાતમાંથી તેલ લઈ જતાં જહાજો રાતા સમુદ્રનો ઉપયોગ કરી શકતા નથી અને તેમને મોટું ચક્કર કાપવું પડે છે. શિપિંગના ભાવ આને લીધે આ અગાઉ જ વધી ગયા છે.

જો ઓમાન અને ઈરાન વચ્ચેની પટ્ટી જે ‘હોરમુઝ’ને નામે ઓળખાય છે તેને ઈરાન બંધ કરી દેશે તો મોટી મુશ્કેલી ઊભી થશે, કારણ કે સઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, કતાર વગેરે દેશ આ સમુદ્રી પટ્ટીની મદદથી જ તેલની નિકાસ કરે છે. ભારત પણ યુરોપમાં નિકાસ કરતી વખતે આ પટ્ટીનો જ ઉપયોગ કરે છે. આર્થિક મૂલ્યાંકન કરતી સંસ્થા ‘ગોલ્ડમેન સાશ’નો અંદાજ છે કે ઈઝરાયલના જવાબી હુમલામાં ઈરાનનું તેલ ઉત્પાદન પ્રભાવિત થશે તો તેલની કિંમત પ્રતિબેરલ ૨૦ ડૉલર વધી જશે. જો સ્થિતિ વધુ સ્ફોટક અને તંગ બનશે તો ત્રીજું વિશ્ર્વયુદ્ધ આપણે ઉંબરે આવી જશે. આખું વિશ્ર્વ ત્રણ વર્ષથી ચાલતા યુક્રેન અને રશિયા તથા એક વર્ષથી ચાલતા ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનાં અનેકવિધ વિપરિત પરિણામ ભોગવી રહ્યું છે. રશિયા તો વારંવાર અણુ હથિયારો વાપરવાની ધમકી આપી રહ્યું છે.

અહીં એ પણ વાત ધ્યાન લેવાની જરૂર છે કે ઈઝરાયલ તો અણુસત્તા છે અને ઈરાન પણ ધારે ત્યારે એટમ બોમ્બ વિકસાવાની ક્ષમતા ધરાવે છે. આથી આ બે દેશ વચ્ચેના સીધા યુદ્ધના શું પરિણામ આવશે એની કલ્પના સુધ્ધાં ભયથી રૂવાડાં ઊભા કરી દે છે. ઈરાન અત્યાર સુધી ઈઝરાયલ સાથે તેના પ્રોક્સી જેવા કે પેલેસ્ટાઈનમાં હમાસ, લેબેનોનમાં હિજબુલ્લા, સીરિયા અને ઈરાકમાં શિયા લડાયકો તથા યમનમાં હુતીની મદદથી જંગ લડી રહ્યું હતું. ઈઝરાયલે જે રીતે હમાસ અને હિજબુલ્લાના કમાન્ડરોને પેજર એટેક અને હવાઈહુમલા વડે ખતમ કરી દીધા અને પેલેસ્ટાઈન અને લેબેનોનમાં જમીની આક્રમણ કર્યું આને લીધે ઈરાને બનાવેલી ‘એક્સિસ ઑફ રેસિસ્ટન્સ’ નબળી બની હતી. તેમનું મનોબળ નીચે જઈ રહ્યું હતું. આને લીધે પોતાના સાથીદારોનો ઉત્સાહ વધારવા ઈરાને એક ઓક્ટોબરે ઈઝરાયલ પર મિસાઈલોનો વરસાદ વરસાવ્યો.

ઈઝરાયલ દાવો કરે છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનની બધી મિસાઈલને નિષ્ક્રિય બનાવી દીધી, જ્યારે ઈરાને દાવો કર્યો હતો કે અમારી મિસાઈલે ૭૦ ટકા લક્ષ્યોને ભેદ્યા હતા તથા ઈઝરાયલની જાસૂસી સંસ્થા ‘મોસાદ’ના વડા મથક અને અમુક ફાઈટર વિમાનોનો નાશ કર્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની વાત કરી છે. પરિસ્થિતિ વકરે નહીં એ માટે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ઈઝરાયલાના વડા પ્રધાન નેતન્યાહુને ઈરાનના અણુ મથક કે તેલના ભંડાર પર હુમલો ન કરવાની સલાહ આપી છે. બીજી બાજુ, અમેરિકાના પ્રમુખપદ માટેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક બેજવાબદાર નિવેદન કરીને ઈઝરાયલને ઈરાનના અણુમથક પર હુમલો કરવાનું ઈજન આપ્યું છે. વિશ્ર્વનું ૨૫ ટકા તેલ ઈરાનમાં છે. જો ઈરાનના તેલના ભંડારો કે અણુમથક પર ઈઝરાયલ હુમલો કરશે તો આના દૂરગામી પરિણામો આવશે. ઈરાન મિડલ ઈસ્ટમાં રહેલી અમેરિકાના સંપત્તિ અને મથકો પર હુમલો કરશે અને અમેરિકાને પણ યુદ્ધમાં ઝંપલાવવું પડશે. મિડલ ઈસ્ટની કટોકટી માટે જો કોઈ જવાબદાર હોય તો એક જ વ્યક્તિ છે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ. હમાસે ઈઝરાયલ પર કરેલા આતંકવાદી હુમલાની બરાબર વર્ષ થયું છે ત્યારે નેતન્યાહુએ સત્તા પર યેનકેન પ્રકારે ચીટકી રહેવા યુદ્ધનો વ્યાપ વધારતા ગયા. હમાસ સમાધાન માટે તૈયાર થઈ ગયું હતું, પરંતુ નેતન્યાહુ છેલ્લી ઘડીએ ફરી ગયા.

અમેરિકામાં પાંચ નવેમ્બરે પ્રમુખની ચૂંટણી છે એનો ફાયદો પણ નેતન્યાહુ ઉપાડી રહ્યા છે. ગાઝા પટ્ટી અને લેબેનોનમાં નાગરિકો, હોસ્પિટલો અને મસ્જિદો પર હુમલા કરીને ઈઝરાયલ દ્વારા થઈ રહેલા નરસંહારે તેને ખલનાયક બનાવી દીધું છે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને તો ઈઝરાયલ નરસંહાર ન કરી શકે એ માટે તેને અપાતાં હથિયારોના સપ્લાઈ રોકી દેવાની વાત કરી છે. મેક્રોનના આ નિવેદનથી ભડકેલા નેતન્યાહુએ કહ્યું હતું કે અમારે ફ્રાન્સના ટેકાની જરૂર નથી. અમે દસ મોરચે લડી રહ્યા છીએ અને અમારો વિજય થશે. હવે ઈઝરાયલે લેબેનોન સાથે જમીની યુદ્ધ શરૂ કર્યું છે. અગાઉ પણ ઈઝરાયલ લેબેનોન સામે આવો જંગ ખેલી ચુક્યું છે, પરંતુ છેવટે તેને પીછેહઠ કરવી પડી છે. વિશાળ દેશ ઈરાન અને ટચૂકડા ઈઝરાયલની લશ્કરી તાકાત જોઈએ તો ઈઝરાયલ હવાઈ મોરચે સરસાઈ ધરાવે છે.

ઈરાનનું લશ્કર ઈઝરાયલ કરતાં ઘણું મોટું છે. ઈરાન અને ઈઝરાયલ એકમેકના પડોશી નથી એટલે ઈઝરાયલે તેના પર હવાઈહુમલા કરવો પડે. ઈરાન પાસે ઈઝરાયલ જેવી એર ડિફન્સ સિસ્ટમ નથી. તેની પાસે લડાયક વિમાનો છે, પરંતુ એ એફ-૧૬ કક્ષાના નથી. રશિયા ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવામાં મદદ કરી રહ્યું છે. આ બધા વચ્ચે યુક્રેન અને ઈઝરાયલને મદદ કરવામાં અમેરિકાની ખાધ વધતી જાય છે. ચૂંટણીનો સમય છે અને યહૂદી લોબી અમેરિકામાં મજબૂત હોવાથી તેને જખ મારીને ઈઝરાયલને મદદ કરવી પડે છે. ઈઝરાયલ તો દેવાદાર બની ગયું છે.

ઈઝરાયલના નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલે ઓગસ્ટ મહિના સુધી હમાસ સાથેના યુદ્ધમાં ૨૬.૩ અબજ અમેરિકન ડૉલરનો ખર્ચ કર્યો છે. ‘બેન્ક ઑફ ઈઝરાયલ’ કહે છે કે ૨૦૨૫ સુધી આ ખર્ચ ૬૫ અબજ ડૉલરનો થઈ જશે. અમેરિકાએ ગયા વર્ષે સાત ઓક્ટોબરે ગાઝા પટ્ટી પર યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈઝરાયલને ૧૭.૯ અબજ ડૉલરની સહાય કરી છે.

અમેરિકાએ ઈઝરાયલને ૪.૮૬ અબજ ડૉલરની વધારાની સહાય પણ કરી છે. તહેરાન કે તેલ એવિવે સમજી લેવું જોઈએ કે યુદ્ધમાં ખુવારી, વિનાશ અને સંહાર સિવાય તેમને કશું મળવાનું નથી. ટચૂકડું ઈઝરાયલ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતા ઈરાનને ખતમ કરી નાખશે એવું માનનારા મૂરખાના સ્વર્ગમાં રાચે છે. આવું દુ:સાહસ તો અમેરિકા પણ ન કરી શકે. ઈઝરાયલના લાખ પ્રયાસ છતાં હમાસ, હિજબુલ્લા અને હુથી જેવાં સંગઠનો તેને વર્ષોથી હંફાવી રહ્યા છે. રશિયા અને ચીનનો ઈરાનને ટેકો છે. જ્યારે સંયુકત રાષ્ટ્રસંઘ પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપશે તો જ સમાધાન- ન્યાય અને કાયમી શાંતિ સ્થાપાશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button