‘જે વિસ્તારે જીત આપી, ત્યાંથી જ CM’: Haryanaના દિગ્ગજ નેતાએ કર્યો દાવો
નવી દિલ્હી: હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીના દાવા અને મીડિયાના એક્ઝિટ પોલને ખોટા પાડીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) હરિયાણામાં હેટ્રીક કરી છે. ભાજપ હવે ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જીતના જશ્ન વચ્ચે મુખ્યમંત્રી પદનો દાવો કરવાની રેસ પણ શરૂ થતી જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે એમ કહીને પોતાનો દાવો રજૂ કર્યો છે કે આ વખતે મુખ્યમંત્રી દક્ષિણ હરિયાણામાંથી બનાવવા જોઈએ. આ પહેલા પણ રાવ ઈન્દ્રજીત સિંહે ખૂલીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ અનિલ વિજ પણ ખુરશીની તરફ નજર નાખીને બેઠા છે. જો કે પાર્ટીએ નાયબ સિંહ સૈની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
એક ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરતાં ગુડગાંવના સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહને પૂછવામાં આવ્યું કે તમે વિધાનસભામાં માંગ કરતાં આવ્યા છો કે તમને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તો હવે તેઓ ઈચ્છે છે કે આ વખતે મુખ્યમંત્રી દક્ષિણ હરિયાણાના હોય? જેના જવાબમાં રાવે કહ્યું કે, ‘આ નિર્ણય પાર્ટીનો હશે. પરંતુ જે વિસ્તારે ભાજપને ત્રણ વખત સત્તામાં લાવવા મહત્વનું પ્રદાન આપ્યું છે તેને મહત્વ આપવું જોઈએ. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાવ ઈન્દ્રજીત સિંહે મુખ્ય પ્રધાન પદની ઈચ્છા વ્યક્ત કરી હતી.
2014 અને 2019ની જેમ ભાજપને ફરી એકવાર દક્ષિણ હરિયાણામાં ખૂબ જ સારી સીટો મળી છે. ગુરુગ્રામની ચારેય બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે, જ્યારે ફરીદાબાદ અને પલવલની નવમાંથી સાત બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી. જોકે, કોંગ્રેસે નૂહમાં ત્રણેય બેઠકો જીતી છે.
રાવ ઈન્દ્રજીત સિંહ દક્ષિણ હરિયાણાના કદાવર નેતા છે. એક સમયે કોંગ્રેસની શક્તિ ગણાતા રાવ ઈન્દ્રજીત સિંહે દક્ષિણ હરિયાણાને ભાજપનો ગઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે તેમની પુત્રી આરતી સિંહ રાવને અટેલી બેઠક પર જીત મેળવવામાં ભારે લોઢાંના ચણા ચાવવા પડ્યા હતા. આરતીનો 3085 મતોથી વિજય થયો છે અને તેમને બસપાના અત્તર લાલે ખરાખરીની ટક્કર આપી હતી. રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે જે રીતે સૈનીના નેતૃત્વમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે અને આથી રાવ ઈન્દ્રજીત સિંહ કે અનિલ વિજની ઈચ્છાઓ પર કોઈ ખાસ ધ્યાન આપવામાં આવે તેવા સંકેતો મળતા નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી હેડક્વાર્ટરથી સૈનીની પ્રશંસા કરી હતી અને તેમને જીતનો શ્રેય આપ્યો હતો.
Also Read –