આમચી મુંબઈ

સરકારનો આદેશ સારો હોવા છતાં બિલ્ડરોને છૂટો દોર મળવાની ભીતિ

રિડેવલપમેન્ટમાં અવરોધ લાવનારાની બળજબરીથી હકાલપટ્ટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંગળવારની કેબિનેટની બેઠકમાં શહેરના અટકી પડેલા રિડેવલપમેન્ટને ઝડપી બનાવવા માટે એક મહત્ત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા ભાડુતો/ધારકોને બળજબરી મકાન ખાલી કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય શહેરના અટકી પડેલા રિડેવલપમેન્ટના સેંકડો પ્રોજેક્ટને ગતિ આપવા માટે લેવામાં આવ્યો હોવા છતાં આ આદેશને કારણે બિલ્ડરોને છૂટો દોર મળવાની ભીતી પણ ભાડુત સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં અત્યારે ઓછામાં ઓછા 500થી વધુ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટો અટકી પડ્યા છે અને મોટા ભાગના પ્રોજેક્ટમાં નજીવા કારણોસર કેટલાક ભાડુત/ધારક મકાન ખાલી કરતા નથી અને તેને કારણે આખો પ્રોજેક્ટ અટકી પડે છે. રાજ્ય સરકારના સર્વેક્ષણમાં શહેર અને ઉપનગરોમાં રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ક્યા કારણસર અટકી પડ્યા છે તેની પણ જાણકારી લેવામાં આવી હતી અને પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ નિર્ણયથી શહેરના અટકી પડેલા રિડેવલપમેન્ટને ગતિ મળશે એમ એમસીએચઆઈ થાણેના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર મહેતાએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું.

શહેરના અટકી પડેલા રિડેવલપમેન્ટને ગતિ આપવા માટે આ નિર્ણય સારો છે એમાં કોઈ બેમત નથી, પરંતુ આ નિર્ણયની એક આડઅસર પણ જોવા મળી શકે છે. ગુંડા પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. કોઈપણ પ્રોજેક્ટમાં 51 ટકા લોકોની સહમતી મેળવવાનું મુશ્કેલ નથી હોતું કેમ કે મોટા ભાગના લોકો વિવિધ કામોમાં વ્યસ્ત હોય છે તેમને લાંબું વિચારવાનો સમય હોતો નથી, કેટલાક લોકો જ બધો વિચાર કરી શકતા હોય છે. આવા લોકોની વાત હવે દબાવી દેવામાં બિલ્ડરો સફળ થશે. સરકારે આવી શક્યતાને નાથવા માટે એપેલેટ ઓથોરિટી રાખવાની આવશ્યકતા છે, એમ ભાડુત સંઘના રાજ પુરોહિતે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button