ટોપ ન્યૂઝનેશનલ

કયા કારણોથી Haryanaમાં લહેરાયો ભગવો? કોંગ્રેસસે જ ભાજપને કરાવ્યો ફાયદો!

નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને રાજ્યમાં ભાજપની હરિયાળી છવાઈ ગઈ છે. ચૂંટણી પરિણામોએ હરિયાણામાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ચૂંટણીના પરિણામો પહેલા આવેલા તમામ એક્ઝિટ પોલમાં ભાજપને ફટકો પડવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પરિણામોએ તમામ એક્ઝિટ પોલને ખોટા પાડીને ભાજપને સત્તાની દોર સોંપી દીધી છે. ભાજપની જીત સૌના માટે આશ્ચર્ય છે, પરંતુ આ જીત પાછળ પાંચ મહત્વના કારણો રહેલા છે જેના કારણે ભાજપે સ્પષ્ટ બહુમત સાથે વિજય મેળવ્યો છે, તો ચાલો જાણીએ એ પાંચ કારણો.

બુથ મેનેજમેન્ટ પર ભારણ:
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાંથી શિખામણ લીધી હતી અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘણા વિસ્તારોમાં ભાજપે માઈક્રો મેનેજમેન્ટ કર્યું અને સરપંચ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જ ચૂંટણી લડી હતી. રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ સીએમ નાયબ સિંહ સૈનીએ પણ કહ્યું હતું કે પાર્ટી તમામ બૂથ પરથી મતો મેળવવામાં સફળ રહી છે. બૂથ મેનેજમેન્ટ પર ફોકસનો ફાયદો ભાજપને ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.

ચૂંટણીમાં સંઘના માથે હાથનો ફાયદો:
લોકસભા ચૂંટણી 2024ના સમયથી જ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચેની સબંધોમાં ખટાશ આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં બંને વચ્ચે ઘણી બેઠકો કે વાતચિતો થઈ છે અને તેના સબંધોમાં સુધારો જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે આ ચૂંટણીમાં RSSએ પણ ભાજપને મદદ કરી હતી. સ્થાનીક સ્તરે આરએસએસના કાર્યકરો પણ ખૂબ સક્રિય જોવા મળ્યા હતા.

ચૂંટણી પ્રચારમાં ભાજપે કોંગ્રેસને પછાડી:
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણું આગળ રહ્યું હતું. પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ હરિયાણામાં જોરશોરથી પ્રચાર કર્યો. અહેવાલો અનુસાર હરિયાણાની ચૂંટણીમાં ભાજપે 150 રેલીઓ કરી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 70 રેલી કરી શકી હતી. આ ઉપરાંત ભાજપે સોશિયલ મીડિયા વગેરે પર ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે કરેલા કામોની પણ ટીકા કરી હતી. આ સાથે ભાજપે છેલ્લા 10 વર્ષમાં કરેલા કામોનો પ્રચાર કર્યો.

CM અને ટિકિટ બદલાવનો નિર્ણય ખાટ્યો:
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ ભાજપે મનોહર લાલ ખટ્ટરના સ્થાને નાયબ સિંહ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. એવું માનવામાં આવે છે કે ખટ્ટર પ્રત્યે લોકોની નારાજગીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ પગલું ભર્યું છે. આ સાથે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25 નવા ચહેરાઓને ટિકિટ આપી છે અને તેમાંથી અડધાથી વધુ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.

કોંગ્રેસના આંતરિક વિખવાદનો ફાયદો ભાજપે લીધો:
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આંતરિક વિખવાદની સામે લડત આપવાનો વારો આવ્યો હતો અને તેની અસર પાર્ટીના ચૂંટણી પ્રચારમાં પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. કોંગ્રેસમાં ભૂપેન્દ્ર હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલા જેવા અનેક જૂથો સામસામે આવી ગયા હતા. સંજોગો એવા હતા કે કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલાએ ચૂંટણી પ્રચાર પણ છેલ્લે છેલ્લે શરૂ કર્યો હતો. રેલીમાં રાહુલ ગાંધી ભૂપેન્દ્ર હુડ્ડા અને કુમારી સેલજા સાથે હાથ મિલાવતા પણ જોવા મળ્યા હતા. સ્વાભાવિક છે કે ભાજપે કોંગ્રેસના વિખવાદનો તેનો ઘણો ફાયદો ઉઠાવ્યો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button