વેપાર

ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત છ સત્ર સુધી નરમાઈનું વલણ રહ્યા બાદ આજે જોવા મળેલા સુધારા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી પીછેહઠને પગલે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૯૭ની સપાટીએ બંધ રહ્યો હતો.

જોકે, બજારના અમુક વર્તુળોનું માનવું છે કે આજે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતાં ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો છે અને ઈક્વિટી માર્કેટના સુધારાની અસર રૂપિયા પર જોવા મળી છે.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા વધીને ૮૩.૯૭ની સત્રની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, વૈશ્ર્વિક બજારમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણ અને મધ્ય પૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં એકંદરે નરમાઈનો અન્ડરટોન જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા ઘટીને ૧૦૨.૪૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૯ ટકા ઘટીને બેરલદીઠ ૭૯.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૮૪.૮૧ પૉઈન્ટનો અને ૨૧૭.૪૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૮૨૯૩.૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button