મિડિયમ ગ્રેડની ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે એકંદરે રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતા સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ મિડિયમ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવતા ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો સાધારણ ઘટાડો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔધ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં ગઈકાલે મહારાષ્ટ્રના મથકો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૪૬થી ૩૮૦૨માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી હોવાથી તેના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠના ઘટાડા સાથે રૂ. ૩૮૦૨થી ૩૯૪૨માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૭૦થી ૩૭૨૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૬૦થી ૩૮૨૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.