અમેરિકી ટે્રઝરીની યિલ્ડ ઉછળતાં વિશ્વ બજાર પાછળ સોનામાં વધુ 22નો ઘટાડો
મુંબઈ: ગઈકાલે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં ઉછાળો આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટાડાતરફી જ રહ્યા હતા. સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. બાવીસનો ઘટાડો આવ્યા હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલી છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં ભાવમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. 409નો સુધારો આવ્યો હતો. સોનામાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. બાવીસના ઘટાડા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 56,426 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 56,653ના મથાળે રહ્યા હતા. જોકે, .999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેેકે ભાવ કિલોદીઠ રૂ. 409ના સુધારા સાથે રૂ. 67,446ના મથાળે રહ્યા હતા. અમેરિકામાં રોજગારીમાં આશ્ચર્યજનક રીતે વૃદ્ધિ થઈ હોવાના અહેવાલો સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં આગેકૂચ જોવા મળતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત માર્ચ મહિના પછીની નીચી આૈંસદીઠ 1813.90 ડૉલર આસપાસની સપાટીએ પહોંચ્યા હતા.