ભાજપની હરિયાણામાં હેટ-ટ્રિક થાય તેની મહારાષ્ટ્રના વિપક્ષને ચિંતા? જાણો શું કહ્યું ઉદ્ધવ ઠાકરે સેનાના સાંસદે…
મુંબઈ: હરિયાણા ચૂંટણીના પરિણામો ટૂંક સમયમાં જ જાહેર થવાના છે અને ભાજપ સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા આ લખાઇ રહ્યું છે ત્યારે જણાઇ રહી છે.
એવામાં હરિયાણા ચૂંટણીના પરિણામોના કારણે મહારાષ્ટ્રમાં વિપક્ષોના માથે પરસેવા છૂટી રહ્યા હોવાનું જણાય છે, કારણ કે મહારાષ્ટ્રમાં પણ નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે હરિયાણાના પરિણામોની અસર તેના પર થઇ શકે એવો ભય વિપક્ષોને સતાવી રહ્યો છે.
ભાજપની જીતની શક્યતાને જોતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કૉંગ્રેસે તેમની રણનીતિ વિશે ફેર-વિચાર કરવાની જરૂર હોવાની સલાહ આપી હતી. ભાજપ સાથેના સીધા મુકાબલામાં કૉંગ્રેસ નબળી પડી જતી હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ હોવા છતાં ભાજપ હરિયાણામાં સારો દેખાવ કરી રહી હોવા બદલ ભાજપને અભિનંદન પણ પાઠવ્યા હતા.
જોકે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી જરૂર જીતી શકે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે પ્રશ્ર્નો છે તે હરિયાણાથી જુદા છે. જે મુદ્દાઓ પર હરિયાણામાં ચૂંટણી લડવામાં આવી છે તેનાથી મહારાષ્ટ્રમાં જુદી પરિસ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપની ભાગલા પાડોની નીતિ હોવાનું કહેતા પ્રિયંકા ચતુર્વેેદીએ જણાવ્યું હતું કે ફક્ત સત્તામાં આવવા માટે ભાજપ લોકોના પક્ષમાં તેમ જ કુટુંબમાં ભંગાણ પાડ્યું છે. તેમણે ચૂંટણી પંચનો તેમ જ બંધારણનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. મહારાષ્ટ્રના ઉદ્યોગો બીજા રાજ્યોમાં લઇ જવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રની પ્રજા લાગણીઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે.