પુરુષ

ભારતીય પુરાતત્ત્વ વિજ્ઞાનના ભીષ્મ પિતામહ બી. બી. લાલ

કવર સ્ટોરી -પ્રથમેશ શાહ

ઈતિહાસની જેમ ભૂસ્તરશાસ્ત્રને પણ ભારતમાં નહિવત્ મહત્ત્વ મળે. બહુ ઓછા યુવાન-યુવતીઓની આંખમાં આ બે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સપનાં ડોકિયા કરતા દેખાય. એટલે જ દેશના મહાન પુરાતત્ત્વવેત્તા કે ભારતીય પુરાતત્ત્વ-વિજ્ઞાનના ભીષ્મ પિતામહ ડૉ. બી. બી. લાલ ઉર્ફે બૃજવાશી લાલને આપણે સંભારતા નથી. હમણા સપ્ટેમ્બર મહિનામાં એમની પહેલી પુણ્યતિથિ ગઈ, ત્યારે ભાગ્યે જ કોઈએ એમને યાદ કર્યા. જોકે કમનસીબે બી. બી. લાલ (બે મે 1921 – 10 સપ્ટેમ્બર 2022) 101 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા ત્યારે આપણા પ્રસાર માધ્યમોએ એમના જીવન-કવનની નોંધ લીધી નહોતી. એ વખતે બધા બ્રિટનના રાણી એલિઝાબેથના નિધન પર આંસુ સારવા સાથે યાદ કરતા હતા કે મહારાણીજી શું ખાતાં-પીતાં હતાં, કેવું વસ્ત્ર-પરિધાન કરતાં હતાં અને કેવી રીતે કયાં ઊંઘતાં હતાં?

આજે ભારતમાં પુરાતત્ત્વ ક્ષેત્રે અનન્ય પ્રદાન આપનારા પ્રો. બી. બી. લાલ વિશે થોડું જાણીએ. આઝાદી પૂર્વેના યુનાઈટેડ પ્રોવિન્સના ઝાંસી જિલ્લાના બૈડોરા ગામમાં જન્મ. ઈલાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ત્યાર બાદ પુરાતત્ત્વશાસ્ત્રમાં દિલચસ્પી જાગી. 1943માં તેઓ બ્રિટિશ પુરાતત્ત્વવિદ્ મોર્ટીનર વ્હીલર હેઠળ તાલીમાર્થી તરીકે જોડાયા. સૌ પ્રથમ તક્ષશીલા અને પછી હડપ્પાના ઉત્ખનનમાં સહભાગી થયા. આ પુરાતત્ત્વવિદ્ તરીકેની કામગીરી તેમણે અડધી સદી જેટલા સમય સુધી કરી. 1972માં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ બન્યા ત્યાર બાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ (સિમલા)ના ડિરેક્ટર પણ બન્યા. તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘણી સમિતિમાં પણ સભ્ય તરીકે સક્રિય રહ્યા.

પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણના માન-અકરામ માટે નહિ પણ પુરાતત્ત્વ અને ઈતિહાસના ક્ષેત્રે આપેલા અમૂલ્ય પ્રદાન માટે તેમને યાદ કરાશે. મોટાભાગે શાળા-કૉલેજમાં ભણાવાતું કે રામાયણ, મહાભારત અને વેદ ઉપનિષદ માત્ર ધાર્મિક ગ્રંથ છે પણ બી. બી. લાલ સાબિત કરવા મથામણ કરતા રહ્યાં કે આ કાલ્પનિક નથી જ.

ઘણાં અત્યારે અયોધ્યામાં બનતા રામ મંદિર માટે ઘણો શ્રેય બી. બી. લાલને આપે છે. તેમણે જ પુરાવા સાથે સાબિત કર્યું કે રામ મંદિરને તોડાવીને જ બાબરે અયોધ્યામાં મસ્જિદ બંધાવી હતી. આ માણસે જ દ્વારિકા પર સંશોધન કર્યું અને દરિયામાં એ નગરી હોવાનો દાવો કર્યો. ભારતમાં આર્યો બહારથી આવેલી પ્રજા હોવાના દાવાને પણ તેઓ નકારતા રહ્યા. પ્રો. લાલના કાર્યક્ષેત્ર વિશે જાણીએ તો દંગ રહી જવાય: હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ), શિશુપાલગઢ (ઓરિસા), જૂનો કિલ્લો (દિલ્હી), કાલિબંગન (રાજસ્થાન) જેવી અનેક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સાઈટના ઉત્ખનનમાં તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા.

1975-76 બાદ પ્રો. બી. બી. લાલે રામાયણના પુરાતત્ત્વ સ્થળો અંગેના સંશોધન માટે અયોધ્યા, ભારદ્વાજ આશ્રમ, નંદીગ્રામ, ચિત્રકુટ અને શ્રંગવેરપુરાનો અભ્યાસ કર્યો, ચકાસણી કરી, તેમણે પોતાના સંશોધન અને અભ્યાસને 20 પુસ્તકો અને 150થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય જર્નલમાં સંશોધન લેખ રૂપે શબ્દસ્થ કર્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રો. બી. બી. લાલને આપેલી અંજલિ ઘણું કહી જાય છે: `બી. બી. લાલ એક ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા. સંસ્કૃતિ અને પુરાતત્ત્વમાં એમનું પ્રદાન અદ્વિતીય છે. તેમને એક મહાન બુદ્ધિજીવી તરીકે યાદ રખાશે, કે જેણે આપણા સમૃદ્ધ અતીત સાથેના આપણા જોડાણને વધુ ઊંડું બનાવ્યું.’

પ્રો. બી. બી. લાલના બે પુસ્તક ઈન્દ્રપ્રસ્થ: ધ બેકિંગ ટાઈમ ઑફ દિલ્હી' અનેટાઈમ્સ ઑફ ઋગ્વેદ એરા પિપલ’માં તેમનું જ્ઞાન, સંશોધન, વિચારો ઠાંસી ઠાંસીને ભરેલા છે. આ પુસ્તકો પુરાતત્ત્વ વિજ્ઞાનના ભાવિ વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી પુરવાર થઈ શકે છે.

ટીકા, વિરોધ કે વિવાદની પરવા કર્યા વગર પોતે માનતા હતા એ વિચારોમાં કેમ અડગ રહેવું તે પ્રો. બૃજવાશી લાલ કહી ગયા, કરી ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button