તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

મોજની ખોજ : અલ્યા ભૈ, બધા બોલશે તો સાંભળશે કોણ?

-સુભાષ ઠાક્કર
મારા વહાલા બકાઓ અને બકીઓ, યુ નો જેમ અતિ લોભ એ પાપનું મૂળ છે એમ અતિ ક્રોધ એ રોગનું મૂળ છે, પણ યુ નો, બધા ટોપાશંકારો રોગ સ્વીકારવા તૈયાર છે, પણ ક્રોધ છોડવા તૈયાર નથી અને એથી જ ફક્ત પેટના જ ૧૦૮ કિલોના વજન સાથે વિશાળ કાયા ધરાવતા ચંપકલાલ એક હાથમાં ફટાકડાનું ખોખું ને બીજા હાથમાં ધોતિયાનો છેડો ઉલાળતા ઉલાળતા હાર્મોનિયમની ધમણની જેમ હાંફતા હાંફતા દૂરથી દોડતા દેખાયા.એમની હાંફના કારણે મૂછના વાળ પણ નાકના નસકોરામાં અંદર-બહાર અવરજવર કરતા હતા. થોડીવાર તો તિજોરીનો મોટો કબાટ ઢસડાતો હોય ઢરરર કરતો શ્વાસ ચાલ્યો. પછી એ ભલે ઊભા રહ્યા, પણ શ્વાસ ધીમે ધીમે હેઠો બેઠો. પવનના સુસવાટાથી વૃક્ષના પાંદડા ફરફરે એમ ચંપકકાકાના હોઠ દસ સેક્ધડ ફરક્યા. ગુસ્સામાં કઈ કહેવા માગતા હતા, પણ ગળામાં ઠળિયો ભરાઈ ગયો હોય એમ શબ્દો એક્સિટ નહોતા કરતા.આખો ચહેરો જૂની કબજિયાતના દર્દી જેવો થઈ ગયો. અંતે ટેબલફેનની જેમ ડોકી આજુબાજુ ફેરવી ગળું ખોખારી તડતડિયા તારામંડળની જેમ જીભમાંથી શબ્દો ફૂટવા લાગ્યા :

‘એય દુ…કા…ન…દા…ર..યુ એન્ડ યોર એટમબોમ્બ બોથ આર ચીટર…..’

‘શાંત થાઓ અંકલ’ હું બોલ્યો: ‘એમ હરહર મહાદેવના દુર્વાસા જેવા ક્રોધિત ન બનો. ટીવીમાં દુર્વાસાને ક્રોધ કરવાના રૂપિયા મળે છે, તમે કઈ કમાણી ઉપર આટલો ક્રોધ કરવા નીકળ્યા છો? ક્રોધથી બી પી વધે, બીપીથી લકવો પડે અને ખાલી મગજ હોય તો પણ બ્રેન હેમરેજ પણ થઈ જાય.પછી તમને મારવા અમારે માટે જરાય મહેનત ન કરવી પડે ને ફટાકડાને બદલે અમારે તમને સળગાવવા પડે એ શોભે? અને ચાલો માન્યું કે શોભે, ને તમારું મરવાનું જોઈ શકાય, પણ કાકીનું વિધાવાપણું ન જોઈ શકાય’

આવડું મોટું ભાષણ આપ્યું હોવા છતાં કાકો કોઈ વાત સાંભળવાના મૂડમાં ન હતો …ચહેરા પર લોહીના બદલે ક્રોધની લાલાશે જનમ લીધો હતો. ‘પણ વડીલ, ટેલ મી આટલા ક્રોધનું કારણ ?’

પણ વીસ સેકંડ તો એમનામાં અમૃત ઘાયલનો આત્મા પ્રવેશ્યો : કારણ નહીં જ આપું.. કારણ મને ગમે છે’ની જેમ મનમોહનના સ્ટેચ્યૂની જેમ ઊભા રહ્યા.

જુઓ અંકલ, એમ સળગતા ગેસની જેમ ગરમ થવાનું આ મોંઘવારીમાં ન પોષાય..ગેસનો ભાવ જાણો છો?’

જોકે,મારૂ સાંભળ્યા વગર જ દુકાનવાળા પર ભડક્યા: ‘આવા ફટાકડા આપો છો ?ફટાકડા છે કે રમકડાં ? એટમબોમ્બમાં દારૂ ભર્યો છે કે મરચાંની ભૂકી ?દારૂ ભર્યો છે કે ટમેટો સોસ?’
‘કેમ ? શું થયું ?’

‘હવે શું થયુંની સગલી, તારા આ પાંચ એટમબોમ્બમાંથી ચાર ફૂસી નીકળ્યા એટલે આ પાંચમો ને અંતિમ પાછો આપવા આવ્યો છુ.’

‘હે!’ એટલું બોલતા મારું મોઢું પહોળું થઈ ગયું. મને જોઈ બોલ્યા: ‘તું યાર, શાનો બગાસા ખાય છે ? હું ભાષણ આપું છુ?. યુ નો ધ મિનિંગ ઓફ ફૂસી? ફૂસી મિન્સ એટમબોમ્બ પણ પોતાનું ઓરિજનલ રૂપ છોડી તારામંડળ કે ફૂલજરીનું રૂપ ધારણ કરે તો મારી ખચકી ન જાય ?અરે સાલુ, સર…સર …સર …કરતી બોમ્બની સળગતી વાટ મંજિલ તરફ આગળ વધે ને ધડામ કરતો વાટનો દરવાજો આવે ત્યારે જ સર સર કરતો સરંડર થઈને નશ્ર્વર દેહ જેવો થઈ જાય. યે દુનિયા યે મહેફિલ મેરે કામકી નહી’

‘ગાઈને રાજીનામું આપી દે તો આપણી જ વાટ ન લાગી જાય? એટમબોમ્બ જો પોતાનો ધર્મ ચૂકી જાય તો એવા ધર્મચૂકું બોમ્બને શો-કેશમાં મૂકવાના? એ દેશનો નેતા છે? તું અમને બેવકૂફ સમજે છે?મૂર્ખ!’
‘અરે, આમાં સમજવા જેવુ ક્યાં કઈ છે? અરે ડિયર વડીલ,પાંચ દીકરામાં ચાર નપાવટ પાકે એટલે પાંચમો એવો જ પાકે એવું ન હોય. એ જ કદાચ કુળનું નામ ઉજાળે લાવો , મને આપો…’

‘યે હાથ મુજે દે દે’ ની ‘જેમ યે બોમ્બ મુજે દે દે’ ની જે ત્રાડ પાડી, પણ કાકો મદારી જેમ છાબડીમાં નાગ સંતાડે એમ ઝભ્ભાની આડાશમાં બોમ્બ છુપાવવા લાગ્યા : ‘તું ખોટી મેથી ન માર ઠાકર, જો આ પણ નઇ ફૂટે ને ફૂસી થઈ જશે તો મારા અંતિમ પુરાવાનું પણ જયશ્રી કૃષ્ણ થઈ જશે ! ’

આમ છતાં હું બોમ્બ પડાવવા મરણિયો બન્યો.

બોમ્બ માટેની ખેચંતાણ ચાલી અંતે કૃષ્ણએ સુદામા પાસેથી તાંદુલની પોટલી ઝૂટવી લીધી એમ મેં બોમ્બ ઝૂટવી લીધો ને તુર્તજ બોમ્બના હૃદયથી બહાર આવેલી વાટ ને મેં સળગાવી ને પહેલા ‘સર.. સર… સર’ને પછી ‘ધ…ડા…મ! ’
‘બોલો ફૂટ્યો કે નઇ? ’
‘ ફૂટ્યો? અરે, ફૂસી થઈ ગયો કે નઇ? ’

અરે અંકલ, આવડો મોટો
ધડાકો થયો ને તમે કેમ ન સાંભળ્યો?’

પાછળથી ચંપકલાલનો ચંબુ બોલ્યો :
‘સાંભળી લે ઠાકર, બાપુજીના કાનપુરમાં જ હડતાળ છે. બહારના કોઈપણ અવાજને કાનમાં નો એન્ટ્રી છે, ટૂકમાં એમને સંભળાતુ નથી.!’

બા..પ..રે એના જવાબથી હું કોઈ સીઆઇડી જેવી સસ્પેન્સ જોતો હોઉ એવું લાગ્યું .

મે કીધું : ‘તો ડિયર ચંબુ , તારા બાપુજીને ભોય ચકરડી, રોકેટ કે તારામંડળ બતાવ, નઇતર આખી દુકાનના એટમબોમ્બ ફૂટશે તો પણ તારા બાપુજીને ખબર નઇ પડે !’

અલ્યા મારા વહાલા ભાઈ બહેનો, આપણે પણ નાના ચંપકલાલ જ છીએ. કશું સાંભળતા નથી ને બધુ સાંભળીએ છીએ એવા ભ્રમમાં ફરીએ છીએ. બધાને બોલ બોલ કરવું છે, પણ સાંભળવું કોઈનું નથી.

જનતાનું સરકાર સાંભળતી નથી આપણે ઘરનાનું સાંભળતાં નથી, ઘરવાળા આપણું સાંભળતા નથી. આ બધી બબાલમાં આપણે જ આપણા આત્માનો અવાજ સાંભળવાનું ભૂલી જઈએ છીએ …. એન્ડ યુ નો, આત્માનો અવાજ સાંભળવા કઈ કાનની જરૂર નથી. હવે મને તો તમારા આત્માનો અવાજ પણ સંભળાયો:

‘બસ, બહુ થયું ઠાકર, હવે આગળ લખવાનું બંધ કર!’

‘તો લો આ કર્યું બંધ, મારે તમારી સાથે સંબંધ બંધ ન કરાય. બોલો કરાય ?’

શું કહો છો ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button