તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

તંદુરસ્તી-મનદુરસ્તી : પ્રાણાયમ: પ્રાણમય સ્થૂળ શરીર ને મનોમય શરીરની વચ્ચેનું શરીર

-ભાણદેવ
પ્રાણ સૂક્ષ્મ છે અને મન તેનાથી પણ સૂક્ષ્મ છે. તેમના પર સીધું જ નિયંત્રણ મેળવવું દુષ્કર છે. શ્વાસ તો પ્રાણનો જ બાહ્ય છેડો છે. જો શ્વાસ પર નિયંત્રણ મેળવી શકાય તો તેના દ્વારા પ્રાણ પર નિયંત્રણ મેળવી શકાય છે અને તેના દ્વારા શરીર-મન પર પણ નિયંત્રણ મેળવી શકાય તેમ છે.

શ્વાસને પકડીને તેના નિયંત્રણ દ્વારા પ્રાણમય શરીર પર નિયંત્રણ મેળવવાનું એક વિજ્ઞાન વિકસ્યું છે- એક વિદ્યા વિકસી છે. આ વિજ્ઞાન કે વિદ્યાનું નામ છે- પ્રાણાયમ.

પ્રાણમય શરીર સ્થૂળ શરીર અને મનોમય શરીરની વચ્ચેનું શરીર છે. બે ઓરડા છે અને બંને ઓરડામાં અંધારું છે. બંને ઓરડાને જોડતી એક ઓસરી છે જે બંને ઓરડાની વચ્ચે છે. એક દીપક છે. એક જ દીપક દ્વારા બંને ઓરડાને પ્રકાશિત કરવા હોય તો દીપક ક્યા સ્થાને મૂકવો જોઇએ? વચ્ચેની ઓસરીમાં. આ વચ્ચેની ઓસરી તે પ્રાણમય શરીર છે. બંને બાજુના ઓરડા તે શરીર અને મન છે. જો પ્રાણમય શરીર બળવાન અને સ્વસ્થ બને તો સ્થૂળ શરીર અને મનોમય શરીરને બળવાન અને સ્વસ્થ બનાવવાનું કાર્ય સરળ છે, કારણકે તે વચ્ચેની ઓસરી છે.

પ્રાણાયામના અભ્યાસથી શું થાય છે?
પ્રાણાયામના અભ્યાસથી શારીરિક, સાંવેગિક, બૌદ્ધિક, આધ્યાત્મિક, પ્રાણમય આદિ ભિન્નભિન્ન ક્ષેત્રે અપરંપાર લાભો થાય છે. પરંતુ તે સર્વનો વિગતવાર વિચાર આપણે અહીં નહીં કરીએ. અહીં આપણે ડિપ્રેશનમાંથી મુક્ત થવા માટે પ્રાણાયામના વિનિયોગની વિચારણા કરીએ છીએ. તેથી આપણે અહીં પ્રાણાયામના અભ્યાસ દ્વારા પ્રાણની કેળવણી ક્યા સ્વરૂપે થાય છે, તેની જ સંક્ષેપમાં વિચારણા કરીશું.

પ્રાણાયામના અભ્યાસ દ્વારા સૌથી વિશેષ પ્રમાણમાં અને સૌથી પ્રથમ પ્રભાવિત થનાર ક્ષેત્ર પ્રાણમય શરીર છે. પ્રાણાયામનો પ્રાણમય શરીર સાથે સીધો જ સંબંધ છે. ‘પ્રાણાયામ શબ્દ દ્વારા પણ એ જ સૂચિત થાય છે.

પ્રાણાયમના અભ્યાસ દ્વારા પ્રાણમય શરીર પર જે અસર થાય છે તે પાંચ સ્વરૂપની અસર છે એમ શાસ્ત્ર, નિરીક્ષણ અને અનુભવને આધારે કહી શકાય તેમ છે.

(૧) પ્રાણ પુષ્ટ અર્થાત્ બળવાન બને છે. શ્ર્વાસના બાહ્ય છેડાને પકડીને પ્રાણ સુધી પહોંચવાની અને તે રીતે પ્રાણનું રૂપાંતર સિદ્ધ કરવાની કળા તે પ્રાણાયામ છે. આ રીતે શ્ર્વાસના આયામ દ્વારા પ્રાણનો આવામ સિદ્ધ કરવામાં આવે છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણનો આયામ સિદ્ધ કરવામાં આવે છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ બળવાન, પુષ્ટ અને સમર્થ બને છે. પ્રાણાયામનો અભ્યાસ કરનાર યોગી કદી નિર્માલ્ય હોઇ ન શકે.

(૨) પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ સંયમિત પણ બને છે. પ્રાણાયામનો અર્થ જ પ્રાણસંયમ છે. પ્રાણાયામનું એક નામ જ પ્રાણસંયમન છે. અસુરો અને રાક્ષસોને પણ પ્રાણ તો બળવાન હોય છે. યોગી માટે પ્રાણ માત્ર બળવાન હોય તેટલું પર્યાપ્ત નથી. પ્રાણ સંયમિત હોય તે પણ આવશ્યકછે. પ્રાણ બળવાન હોય પરંતુ સંયમિત ન હોય તો વ્યક્તિ ઉચ્છ્ંખલ અને ઉપદ્રવી બની શકે છે, તેથી પ્રાણનો સંયમ પણ અનિવાર્ય છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ નિયમિત – સંયમિત પણ બને છે.

(૩) પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ વિશુદ્ધ- પરિશુદ્ધ બને છે. પ્રાણની અંદર અનેક પ્રકારની વાસનાઓ અને વિકૃતિઓ તથા ગંદકી હોય તો આધ્યાત્મિક જીવન શક્ય નથી, એટલું જ નહીં, પરંતુ સાધારણ સ્વસ્થ જીવન પણ શક્ય નથી.

વસ્તુત: પ્રાણની વાસનાઓ અને વિકૃતિઓ જ જીવનને અસ્તવ્યક્ત બનાવે છે. પરિશુદ્ધ પ્રાણ જીવનને શુદ્ધ અને સ્વસ્થ બનાવે છે.

પ્રાણને પરિશુદ્ધ બનાવવા માટે અને જીવનને પ્રાણની અશુદ્ધિઓ અને વિકૃતિઓથી બચાવવા માટે પ્રાણાયામ સમર્થ અને મૂલ્યવાન ઉપાય છે.

(૪) પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ સુસંવાદી બને છે. પ્રાણના પ્રવાહો પરસ્પર વિરોધી સ્વરૂપે કાર્યરત હોય તો તે પ્રાણનું વિસંવાદી સ્વરૂપ છે. પરસ્પર વિસંવાદી ગતિએ કારણે પ્રાણશક્તિનો વ્યય થાય છે અને આખરે તે પ્રાણની શક્તિહીનતામાં પરિણમે છે, કારણકે પ્રાણની વિસંવાદી ગતિ દ્વારા પ્રાણનાં જ પરિબળો વચ્ચે અન્યોન્ય સંઘર્ષ થાય છે. વ્યક્તિત્વના સ્વાસ્થ્ય માટે પ્રાણ સુસંવાદી હોય તે આવસ્યક છે. પ્રાણ પ્રાણના પ્રવાહોને સંયમિત બનાવીને તેમને સુસંવાદી સ્વરૂપ આપે છે.

(૫) પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ ઊર્ધ્વમુખ બને છે. અધોમુખ પ્રાણ ભોગનો કારક છે અને ઊર્ધ્વમુખ પ્રાણ યોગ અર્થાત્ અધ્યાત્મનો કારક છે.

પ્રાણાયામ મૂલત: અધ્યાત્મવિદ્યા છે અને પ્રાણાયામનું પ્રધાન કાર્ય પ્રાણને ઉન્નયન જીવનનું ઉન્નયન છે.

પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ ઊર્ધ્વમુખ બને છે અને પ્રાણની ઊર્ધ્વગતિ પણ થાય છે.

આમ પ્રાણાયામના ઉપયુક્ત અને પર્યાપ્ત અભ્યાસથી પ્રાણ પુષ્ટ, સંયમિત, વિશુદ્ધ સુસંવાદી અને ઊર્ધ્વગામી બને છે.

હો આપણે જોઇએ કે પ્રાણાયામ દ્વારા પ્રાણની આ પ્રકારની કેળવણી થવાથી તે ડિપ્રેશનને દૂર કરવામાં કઇ રીતે સહાયભૂત બને છે.

ડિપ્રેશનનું મૂળભૂત કારણ પ્રાણમય શરીરમાં છે. તેનો અર્થ એમ નથી કે ડિપ્રેશનને મન સાથે કે બાહ્ય પરિસ્થિતિ સાથે કશો સંબંધ જ નથી. આપણે જોઇ ગયા છીએ તે પ્રમાણે આ બંને સ્વરૂપનાં પરિબળો ડિપ્રેશન માટે નિમિત્તકારણરૂપે કે ગૌણ કારણરૂપે ભાગ ભજવે છે. પરંતુ ડિપ્રેશનનું મૂળભૂત કારણ તો પ્રાણમય શરીરમાં જ છે.

પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ પરિપુષ્ટ અર્થાત્ સમર્થ બને છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ સંયમિત, વિશુદ્ધ, સુસંવાદી અને ઊર્ધ્વગામી પણ બને છે.

નિર્બળ, ઉચ્છૃંખલ, અશુદ્ધ, વિસંવાદી અને નિમ્નગામી પ્રાણમાં જ ડિપ્રેશન જન્મે છે અને વિકસે છે. જેનો પ્રાણ સમર્થ હોય, સંયમિત હોય, વિશુદ્ધ હોય, સુસંવાદી હોય અને ઊર્ધ્વગામી હોય તેના જીવનમાં ડિપ્રેશન આવી શકે નહીં અને આવ્યું હોય તો રહી શકે નહીં.

આનો અર્થ સ્પષ્ટ જ છે કે જે પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરે છે તેના જીવનમાં ડિપ્રેશન આવે નહીં અને ડિપ્રેશન આવ્યું હોય તો પ્રાણાયામના અભ્યાસ દ્વારા તેને જડમૂળથી દૂર કરી શકાય છે.

પ્રાણાયામના અભ્યાસથી આ રીતે સમર્થ બનેલ પ્રાણ દ્વારા માત્ર ડિપ્રેશનથી જ નહીં, પરંતુ બીજા અનેક માનસિક રોગોથી બચી શકાય છે. બળવાન પ્રાણ મનના રોગોને પણ દૂર રાખનાર સમર્થ પ્રતિકારક શક્તિ છે.

હવે સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ર્ન ઉપસ્થિત થશે કે પ્રાણાયામનો અભ્યાસ કેવી રીતે કરવો.

આપણે પ્રથમથી જ અને સ્વપષ્ટ રીતે સમજી લેવું જોઇએ કે પ્રાણાયામ એક અધ્યાત્મવિદ્યા છે. માત્ર પ્રાણાયામ જ નહીં, સમગ્ર યોગ કે જેવું પ્રાણાયામ એક અંગ છે તે અધ્યાત્મવિદ્યા છે. યોગ અને તેથી પ્રાણાયામ ચિકિત્સાપદ્ધતિ નથી. હા, યોગની કેટલીક ક્રિયાઓની જેમ પ્રાણાયામનો ચિકિત્સાપદ્ધતિ તરીકે અને શરીર-પ્રાણ-મનના સ્વાસ્થ્યની જાળવણી માટે ઉપયોગ થઇ શકે તેમ છે. પરંતુ શરીર-પ્રાણ-મનના સ્વાસ્થ્યની જાળવણી અને સમર્થ અંગ છે. આટલી સ્પષ્ટતા સાથે આપણે અહીં ડિપ્રેશન ન આવે અને ડિપ્રેશનમાંથી મુક્ત થવા અને રહેવા માટે પ્રાણાયામનો ક્યા સ્વરૂપે અભ્યાસ કરવો તે જોઇએ.

અમે જ્યારે પ્રાણાયામનો અભ્યાસ કરવાનું સૂચવીએ છીએ ત્યારે અમારા મનમાં પ્રાણાયામનું શાસ્ત્રીય સ્વરૂપ છે. પ્રાણાયામનું શાસ્ત્રીય સ્વરૂપ જ અમને અભિપ્રેત છે. ભગવાન પતંજલિ, મહાયોગી ગોરખનાથ, સ્વાત્મારામ ઘેરંડ આદિ સમર્થ યોગાચાર્યો દ્વારા પ્રાણાયામનું જે સ્વરૂપ અપાયેલું છે તે સ્વરૂપને અમે પ્રાણાયામનું શાસ્ત્રીય સ્વરૂપ કહીએ છીએ અને તે સ્વરૂપ અમને અભિપ્રેત છે, તે સમજવું.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker