ચોમાસાની વિદાય ટાણે ગરમી અકળાવશે: રાજ્યમાં 36થી 37 ડિગ્રી જેટલું રહેશે તાપમાન
અમદાવાદઃ આ વર્ષે રાજ્યમાં સર્વત્ર મહેર વરસાવીને ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ભારે હાલાકી સર્જી હતી, રાજ્યના અનેક જિલ્લામાં પૂરની સ્થતિનું નિર્માણ થયું હતુ. ત્યારે હવામાન વિભાગે વરસાદની વિદાય વચ્ચે આગામી થોડા દિવસ માટે ગરમી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી થોડા દિવસ ભારે ઉકળાટ અને આકરો તાપ પડશે. આ દરમિયાન તાપમાનનો પારો 36થી 37 ડિગ્રી નોંધાઇ શકે છે. ઉત્તર-પશ્ચિમી પવનોની દિશા બદલાતા બેવડી ઋતુનો સામનો કરવો પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. ગતરોજ અમદાવાદ સહિત ગુજરાતના આઠ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે
ચોમાસાની વિદાય સાથે જ ગુજરાતભરમાં ગરમીનો પારો ઊંચે ચડવા લાગ્યો છે. ગઈકાલે 7મી ઓક્ટોબર સોમવારે અમદાવાદમાં 37.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થયો છે. આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નલિયામાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું
આ ઉપરાંત ગત સોમવારના રોજ ગાંધીનગરમાં 34.4 ડિગ્રી, જામનગરમાં 35 ડિગ્રી, અમરેલીમાં 35.5 ડિગ્રી, ભાવનગરમાં 35.7 ડિગ્રી, વડોદરામાં 35.8 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 36.3 ડિગ્રી, રાજકોટમાં 36.8 ડિગ્રી, ડાંગમાં 37.5 ડિગ્રી, ભુજમાં 37.6 ડિગ્રી, સુરતમાં 37.2 ડિગ્રી, ડીસામાં 37.8 ડિગ્રી, નલિયામાં 38.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ચોમાસા જેવો બફારો અને ઉકળાટ
હાલ ચોમાસા જેવો બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે બફારો અનુભવાય છે. ઘણી વખત જયારે જૂન-જુલાઈ-ઑગષ્ટમાં વરસાદ ખેંચાય અને એ દરમિયાન તડકો પડે અને વાદળો ન હોય ત્યારે પણ આવો બફારો અનુભવાય છે. જો કે ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત વચ્ચે એકવાર ફરીથી ગરમી પડી રહી છે જે હવામાનની પેટર્ન બદલાઇ છે તે તરફ ઇશારો કરે છે.
Also Read –