લાડકી

એક્સપાયરીનું ચલણ વધી રહ્યું છે…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

જ્યારે પણ ખરીદી કરવા જવાનું હોય ત્યારે ઘરના વડીલો એકની એક વાત વારંવાર કરે: જોજે, ઉતાવળમાં બધું આડેધડ લેતી નહીં, દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેઇટ વાંચજે. આમ, એક્સપાયરી ડેઇટ મારો પીછો છોડતી નથી. મારાં ચશ્માંના નંબર વધી ગયા છે, તે પણ આ ખૂબ જ નાના અક્ષરે છપાયેલ એક્સપાયરી વાંચીને જ…!

એક વાર દાદીની દવા લઈ આવી ને દાદીને પીવા માટે આપી તો દાદી બોલ્યાં એક્સપાયરી બરાબર વાંચી હતી ને… આજકાલ તો કંઈ કહેવાતું નથી. મને મનમાં તો એક વાર થઈ જ આવ્યું કે આજે તો પૂછી જ નાખું (સંભળાવી જ દઉં) કે દાદી, તમે લગ્ન કરેલાં ત્યારે દાદાની એક્સપાયરી વિશે તપાસ નહીં કરાવેલી તે દાદા તમારા કરતાં 25 વરસે મોટા એટલે એમની એક્સપાયરી પણ … અને તમે દાદા વગર વરસોથી એકલાં એકલાં હવે દવાની એક્સપાયરી જોયે રાખો છો. જો તમે લગ્નવેળાએ ઘરનાંનું ધ્યાન દોર્યું હોત તો પાછલી જિન્દગીમાં આમ સાવ એકલાં…

પણ ભાઈ, એ તો યુગ જ એવો હતો… દીકરી ને ગાય, દોરે ત્યાં જાય… મૂરતિયાનું મુખદર્શન પણ મ્હાયરામાં જ થતું અને એક્સપાયરી ક્યારની છે, તે પણ ત્યારે જ ખબર પડતી. હેંગર ઉપર લટકતા કોટ નીચેની કાયા જોયા પછી જ…

પણ આજનો યુગ જુઓ. આજે તો એક્સપાયરી માટે ક્નયાઓ એટલી ટચી છે કે એ મૂરતિયો પોતાનાથી નાનો હોય તો ઉત્તમ. શાંતિથી વિચારીએ તો એના અનેક ફાયદાઓ ક્નયાને છે. પહેલાં જે ફાયદા પતિદેવો ભોગવતા તે હવે પત્નીઓ ભોગવતી થઈ ગઈ છે.

એક વાર દવાની દુકાને હું એક્સપાયરી ડેઇટ માટે રકઝક કરતી હતી કે આ તારીખ તો બિલોરી કાચથી પણ વંચાય એમ નથી. તમે આવી કંપનીની દવાઓ વેચવાની જ બંધ કરો. આ તો દર્દીની જિંદગી સાથે ખિલવાડ છે… વગેરે વગેરે ઘણું બધું હું બોલી ગઈ… પછી જેવી મારી બોલવાની એક્સપાયરી પતી કે પેલા દુકાનના માલિકે બોલવાનું ચાલુ કર્યું કે, બહેન, હવે તો આ દેશમાં બધું જ હાઈબ્રીડ અને ભેળસેળવાળું થઈ ગયું છે. કોણ, કેમ, ક્યારે, કેવી રીતે, કઈ ઉંમરે, કઈ અવસ્થામાં ઊકલી જવાનું છે/ એક્સપાયરી પહેલાં કે એક્સપાયરી પછી, શું ખાવાથી કે શું પીવાથી ? અનાજ ખાવાથી કે દવા પીવાથી? પર્યાવરણથી કે પાણીથી ? ડોક્ટરની ભૂલથી કે પોતાની જ કોઈ ભૂલથી? માનવમાત્ર ક્ષણવારમાં પોટ થઈ જતાં મેં જોયા છે. કાચનાં વાસણ જેવાં આપણે લાખ એક્સપાયરી વિશે ચિંતન કરીએ પણ એક્સપાયરી તો ક્યારે, કેમ, કોના ઉપર ત્રાટકશે તે ખબર પડવાની જ નથી. ચિઠ્ઠી ફાટતાં ક્યાં વાર લાગે છે !

હવે જુઓ, એક ઉદાહરણ આપું. હજી ગઈ કાલે જ મેં એક્સપાયરી ડેઇટવાળી દવા કે જેને ડબલ કિમતે વેચી હતી તે બિલકુલ બિન્ધાસ્ત હરેફરે છે.. અને જેને એકદમ તાજી દવા આપેલી એનો ફોટો આજે પેપરના પહેલા પાને, સુખડના હાર સાથે, બેસણાની તારીખ સાથે, લ્યો, જુઓ.. આ પેપર… તાજી દવાનો પણ ભરોસો છે ખરો ?

એટલે જ મેં તરત જ એક્સપાયરી ડેઇટના સિક્કા મારેલી દવા મૂકીને એક્સપાયરી વગરની કોઈ પણ ચીલાચાલુ કંપનીની દવા ઉપાડીને પેલા ભાઈની બોલવાની એક્સપાયરીની રાહ જોયા વિના જ ત્યાંથી ચાલવા માંડ્યું…. દવાવાળાનું હજી બોલવાનું ચાલુ જ હતું એણે પાછળ દોડીને મારો હાથ પકડ્યો અને બહારની ખુરશી પર બેસાડતાં કહેવા લાગ્યો, જુઓ, આ છાપું.. અમારા સગાનું છે… આવા કોઈ દેવલોકના ફોટા કે બેસણાના ન્યૂઝ અડધી કિમતે આપવા હોય તો હું અડધી કિમતે છપાવી આપું છું.. આખરે અમારે ત્યાંથી દવા લઈ જનારને અમારે થોડુંક તો ક્નસેશન આપવું જ જોઈએ ને…!
એની વાતોને લીધે માં માથું ફાટફાટ થવા લાગ્યું હતું, પણ એની દુકાનેથી હવે દવા લેવી એટલે છાપામાં સુખડના હારવાળો ફોટો છપાવવાની તૈયારી સાથે જ જવું…..

મેં માથાના દુખાવા સાથે ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં હમણાં જ કામે લાગેલી પેલી નવી કામવાળી સામે મળી. મારી પણ મતિ મારી ગયેલી તે પેલા દવાવાળાનો ગુસ્સો એના પર ઉતારતી હોય એમ સીધું પૂછી જ નાખ્યું કે તે હમણાં જ કામ બાંધ્યું છે તે બે-ચાર વરસ તો કરહે ને બરાબર કે પછી પેલી આગલી બે-ચાર દિવસમાં કામ છોડી જતી રહી એમ તું પણ… મને વચમાં જ બોલતાં અટકાવીને એ બોલી, જુઓ બહેન, માણહજાતનો ઘડી પછીનો ભરોસો નથી, તો પછી બે ચાર વરહનો વાયદો કરવો એ તો નરી મૂર્ખામી જ કહેવાય… અમે તો રખડતા રામ…એકએકથી ચડિયાતાં કામ અમને તો ચપટીમાં મલી રે છે…. એટલે અમારી તો એક્સપાયરીનું તો પૂછવાનું જ ની… ફાવહે તો કરાં, ની તો પછી હામેનાં બંગલામાં કામ તૈયાર જ છે…. તમે હું આપો છો… એના પર… જ બધું….

અને મેં મનમાં સોગંદ લીધા કે હવે કોઈની પણ સાથે એક્સપાયરીની ચર્ચા કરવી નહીં. ત્યાં જ અંદરથી બૂમ પડી, જમવાનું તૈયાર છે કે પછી રોજ અમારે ઉપવાસ કરવાનો છે….

અને હું બરાડી… જાતે બનાવી લો… અમારી એક્સપાયરીનું કોઈ ઠેકાણું નથી… કે નથી મનનું, કે નથી કામનું… કોઈ ઠેકાણું નથી… કદાચ મારી પણ એક્સપાયરી સાવ નજીક તો નથી ને… કાશ, ઈશ્વરે મારા કપાળે લખી હોત મારી એક્સપાયરી તો તો ઘરનાંએ પહેલાં જ વાસણ, કપડાં ધોવડાવી લેત. પહેલાં જ કેટલું બધું રંધાવીને ફ્રીજમાં મુકાવી દેત. દરેક ચેકબુક પર સહી કરાવી લેત… લોકર-બોકર સાફ કરાવી દેત… અને હું મારો ફોટો અડધી કિમતે છપાવવા માટે પેલા દવાવાળાને ત્યાં… દોડતી દોડતી…! પણ કોરોનાના સમયકાળ દરમિયાન તો કંઈ કેટલાય ઘરમાં ગોંધાઈને એકબીજા સામે દાંતિયા-ચીડિયા કરતાં થઈ ગયાં હતાં…

કેટલાક વડીલો તો વારેવારે ઉપર તરફ જોઈને કહેતા હતા… બહુ થયું હવે… હવે તો ઉપાડી લે…. અમારાં દાદી
પણ વારે વારે … હવે તો ઉઠાવી લે…! એ ડાયલોગ બોલી બોલી ઘરમાં યમરાજાને પધારવાનું આહ્વાન આપતાં હતાં. નાછૂટકે એક વાર મેં કહેલું, દાદી, તારી એક્સપાયરી ડેઇટ હજી પાકી નથી… પણ હા, તું વારે વારે આમ નિસાસા નાખતાં નાખતાં `હવે તો ઉઠાવ,’ એમ બોલતી રહેશે તો ભૂલમાં યમરાજા બાજુમાં જવાની જગ્યાએ તારો આર્તનાદ સાંભળીને આપણા ઘરમાં ભૂલા પડી જશે અને કોઈ કારણસર તારી જગ્યાએ અમને પાડા ઉપર સવારી કરીને સ્વર્ગલોકમાં લઈ જશે તો ? એના કરતાં ઉપર જવાનો ઉપાડો જ લીધો છે તો આ ઘરમાં પડેલી એક્સપાયરી ડેઇટવાળી દવાઓ પીવાનું શ કરી દે.. તાં તેડું આવ્યું જ સમજો…! દાદી મ્હોં મચકોડીને બોલી: એક્સપાયરી દવા પીને અધકચરા મરવા કરતાં એમ કર, આજથી શીરો, પૂરી, ભજિયાં-લોચા ખાઈને પછી જ એકવરા જ ઉપરની ટિકિટ કપાઈએ તો કેવું રહેશે…? મેં કહ્યું, શીરો શેકો તો મારો પણ શેકજો… ખાવામાં પાર્ટનરશિપ કરવી મને ગમશે, દાદીમા…!!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત