નાણાં વગરની ‘બાપડી’ કોંગ્રેસે ચૂંટણીમાં 585 કરોડનો ધુમાડો કરી નાખ્યો!
નવી દિલ્હી: પૈસા નહિ હોવાનો દાવો કરનારી કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જંગી ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર કોંગ્રેસે લોકસભા અને તેની સાથે થનારી વિધાનસભા ચૂંટણીમાં 585 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. નોંધનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીની સાથે જ આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસે કેમ્પેઇન અને પ્રચારમાં 410 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ સિવાય કોંગ્રેસે સોશિયલ મીડિયા દ્વારા પ્રચારમાં 46 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
કોંગ્રેસે ચૂંટણી પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રિજ કરી દેવામા આવ્યા છે અને આથી તેમની પાર્ટી પાસે ચૂંટણી પ્રચાર કરવા માટે પૈસા નથી. ઓડિશામાં એવી સ્થિતિ હતી કે કોંગ્રેસના ઉમેદવારે ટિકિટ પરત કરી દીધી હતી. તેમણે કહ્યું કે પાર્ટી ઉમેદવારોને આર્થિક મદદ કરી રહી નથી. પૈસાના અભાવે તે ટિકિટ પરત કરી રહ્યા છે. પુરીથી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ પણ ટિકિટ પરત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે તમામ ઉમેદવારોએ પોતે જ ખર્ચ ઉઠાવવો પડશે.
લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની હવાઈ મુસાફરી પર લગભગ 105 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓને ચૂંટણી લડવા માટે પૈસા પણ આપ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોને 11.20 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તેની પાસે માત્ર 170 કરોડ રૂપિયા જમા છે. પાછલા વર્ષોમાં આવકવેરા વિભાગે કોંગ્રેસના કેટલાક બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને બાદમાં આવકવેરા વિભાગે ખાતાઓ અનફ્રીઝ કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 543માંથી 99 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે ત્રીજી વખત સરકાર બનાવી છે. આજે થઈ રહેલ વિધાનસભાની મત ગણતરીમાં કોંગ્રેસનો દેખાવ કંઈ જોવા મળી રહ્યો નથી.