વેપારશેર બજાર

હેવીવેઇટ શેરોમાં જંગી વેચવાલીનો મારો યથાવત્: સેન્સેક્સે ૮૧,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણો અને વિદેશી ફંડોની વેચવાલીના દબાણ વચ્ચે એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની આગેવાનીએ વેચવાલી ચાલુ રહેવાને કારણે સોમવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સતત છઠ્ઠા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા.

બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના બજારમૂલ્યમાં રૂપિયા નવ લાખ કરોડ કરતા વધુનું દોવાણ નોંધાયું છે. શેરબજારની તેજીને અવરોધતા તમામ પરિબળ યથાવત રહેવા સાથે સપ્તાહના પહેલા દિવસે વેચવાલીનું બોમ્બાર્ડિંગ ચાલુ રહેતા નિફ્ટી ૨૫,૦૦૦ની સપાટી તોડતો ૨૪,૮૦૦ની નીચે ધસી ગયો છે, જ્યારે સેન્સેક્સ પણ ૮૧,૦૦૦ની સપાટી માંડ માંડ ટકાવી શક્યો છે.

સેન્સેક્સ સતત છઠ્ઠા સત્રની પીછેહઠમાં ૬૩૮.૪૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા ઘટીને ૮૧,૦૫૦ની સપાટીએ સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૯૬૨.૩૯ પોઈન્ટ અથવા ૧.૧૭ ટકા ઘટીને ૮૦,૭૨૬.૦૬ની નીચી સપાટીને અથડાયો હતો. નિફ્ટી ૨૧૮.૮૫ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા ઘટીને ૨૪,૭૯૫.૭૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ, એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર બન્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને ટેક મહિન્દ્રાએ સુધારો નોંધાવ્યો હતો.

અમેરિકાના જોબ ડેટા આશ્ર્ચર્યજનક રીતે સારા આવતાં સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહની શરૂઆત સકારાત્મક ટોન સાથે કરી હતી. સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ ઉપર અને નિફ્ટી ૨૫,૧૦૦ ઉપર ખુલ્યો હતો. સ્મોલ, મિડકેપ શેરોમાં પ્રારંભથી જ વેચવાલી હતી. ભય સૂચક ઇન્ડેક્સ છ ટકા વઘ્યો હતો.

પ્રાઈમરી માર્કેટમાં સાજ હોટેલ્સ ૧૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. જ્યારે હેવેક્સમાં છ ટકાનું પ્રીમિયમ જોવા મળ્યું હતું. સેબી રજિસ્ટર્ડ શેર્સ અને સ્ટોક બ્રોકર કંપની રિખાવ સિક્યોરિટીઝ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં માટે સત્તાવાર રીતે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરાવ્યું છે. ભરણામાં ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો ૮૩,૨૮,૦૦૦ શેર્સ સુધીનો અને ઓએફએસનો હિસ્સો વીસ લાખ ઇક્વિટી શેરનો રહેશે. કંપની બીએસઈ, એનએસઈ અને એમસીએક્સના ટ્રેડિંગ કમ સેલ્ફ-ક્લિયરિંગ સભ્ય, તેમજ સીડીએસએલની ડિપોઝિટરી સહભાગી છે. હીરો મોટર્સ લિમિટેડે તેના રૂ. ૯૦૦ કરોડના આઇપીઓની યોજના હાલ પડતી મૂકી છે અને તે માટેના દસ્તાવેજ પાછાં ખેંચી લીધા છે. કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક એમએનસી ફંડ એનએફઓ લોન્ચ કર્યું છે. જેના દ્વારા વિવિધ ક્ષેત્રોની મલ્ટીનેશનલ કોર્પોરેશન્સમાં રોકાણ કરી શકાશે. રોકાણકારો લધુત્તમ રૂ. ૧૦૦ અને તેના ગુણાંકમાં રોકાણ કરી શકશે. આ સ્કીમ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ખૂલ્લી રહેશે. બેંક ગેરંટી સબમિટ ન કરવાને કારણે ડોટની નોટિસ મળી હોવાના અહેવાલ પાછળ વીઆઈમાં સાત ટકાનો કડાકો હતો.

પશ્ર્ચિમ એશિયામાં ઇરાનને પાપે ચરમસીમા તરફ આગળ વધી રહેલી લશ્કરી અથડામણોએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટના ગણીત ખોરવી નાંખ્યા છે અને તેને કારણે રિસ્કી એસેટ ગણાંતા શેરબજારમાં વેચવાલીનું દબાણ સતત વધવાને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ ગયું છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી પણ બજારનું માનસ ખરડી રહી છે. આ સપ્તાહે મિડલ ઇસ્ટના ટેન્શન ઉપરાંત રિઝર્વ બેન્કની નીતિ, બીજા કવાર્ટરના કંપની પરિણામ સહિતના પરિબળો બજારની ચાલ નક્કી કરશે. એ જ સાથે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને વિધાનસભા ચૂંટણી માટે આઠમી ઓક્ટોબરે થનારી મતગણતરી પર પણ બજારની નજર રહેશે.

નિષ્ણાતોના મતે, સંભવિત કોન્સોલિડેશન વચ્ચે સેન્ટિમેન્ટ નેગેટિવ રહી શકે છે, અને દરેક ઉછાળે વેચવાલીનો તાલ જોવા મળે એ શક્ય છે. આ ઉપરાંત હોંગકોંગ અને ચાઇના જેવા નીચા વેલ્યુએશન્સ ધરાવતાં એશિયન બજારોમાં એફઆઇઆઇના પલાયનને કારણે પણ ભારતીય બજારને ફટકો પડી રહ્યો છે. ચોથી ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં લગભગ ૪.૫ ટકા જેટલા તોતિંગ કડાકા નોંધાયા હતા. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૦૯ ટકા વધીને ૭૯.૬૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. સોમવારે યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. એશિયાઈ બજારોમાં ટોક્યો, શાંઘાઈ, હોંગકોંગ અને સિઓલ ઊંચા સ્તરે સ્થિર થયા હતા. વોલ સ્ટ્રીટમાં શુક્રવારે સુધારો જોવા મળ્યો હતો. રોકાણકારો તેમની પોર્ટફોલિયોની સ્થિતિનું પુન:મૂલ્યાંકન કરી રહ્યા છે અને એફઆઇઆઇનો આઉટફ્લો વધી રહ્યો છે. વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ સાથે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો ટૂંકા ગાળામાં સ્થાનિક અર્થતંત્ર માટે વધુ પડકારરૂપ બની રહી છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ શુક્રવારે રૂ. ૯,૮૯૬.૯૫ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એક્સચેન્જ ડેટા અનુસાર રૂ. ૮,૯૦૫.૦૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી. પાછલા સત્રમાં શુક્રવારે, સેન્સેક્સ ૮૦૮.૬૫ પોઈન્ટ ઘટીને ૮૧,૬૮૮.૪૫ પોઇન્ટની ત્રણ સપ્તાાહની નીચી સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૩૫.૫૦ પોઈન્ટ ઘટીને ૨૫,૦૧૪.૬૦ પર હતો. પાછલા સપ્તાહે સેન્સેક્સ ૩,૮૮૩.૪ પોઈન્ટ્સ અથવા ૪.૫૩ ટકા અને નિફ્ટી ૧,૧૬૪.૩૫ પોઈન્ટ્સ અથવા ૪.૪૪ ટકા તૂટ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button