First Day First Show: પ્રવાસીઓની ‘સેવા’માં મેટ્રો-થ્રી, જાણો કેટલાએ કર્યો પ્રવાસ?
મુંબઈઃ મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનું રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યા પછી આજે સત્તાવાર મુંબઈગરાઓએ મેટ્રોની સવારી માણી હતી. મુંબઈગરાઓના લોકલ ટ્રેનના અનુભવો સાથે વધતા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિના ભાગરુપે ભવિષ્યમાં મેટ્રો વધુ કારગર સાબિત થઈ શકે છે. પહેલા દિવસ દરમિયાન સાંજના છ વાગ્યા સુધીમાં 8,500થી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો.
આજે સવારના ૧૧ વાગ્યાથી મુંબઈ મેટ્રો 3નું સંચાલન શરૂ કર્યું અને ઉત્સાહી મુંબઈ શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો રેલ લાઇનમાં પ્રથમ રાઈડની આતુરતાપૂર્વક રાહ જોતા જોવા મળ્યા. જોકે, ઉત્સાહી પ્રવાસીઓએ તેમની પ્રથમ સવારીનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ઘણા વીડિયો વાઇરલ થયા હતા, જેમાં અનેક લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
પહેલી ટિકિટ કોને ખરીદી?
બે વર્ષની આરાધ્યા નામની છોકરીએ એક્વા લાઇન મેટ્રોની પ્રથમ ટિકિટ ખરીદનાર પ્રથમ યાત્રી બની હતી. પ્રથમ મેટ્રો આરે-જેવીએલઆર સ્ટેશનથી બીકેસી માટે સવારે ૧૧ વાગ્યે રવાના થઈ હતી અને બીજી મેટ્રો બરાબર ૬ મિનિટ પછી આવી. જો કે એમએમઆરસીએલના કહેવા મુજબ ટિકિટ કાઉન્ટર અને કોન્કોર્સ પાસે મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ હશે, પ્રવાસીઓ ટનલની અંદર પણ ફોન અને ઈન્ટરનેટ સિગ્નલ મળવાથી ખુશી વ્યક્ત કરી હતી.
પ્રવાસીઓને પહેલી રાઈડ પસંદ પડી…
પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા મુસાફરોએ જરૂરી સુરક્ષા તપાસ માંથી પસાર થવું પડ્યું હતું. ઘણા મુંબઈવાસીઓ પ્રથમ ભૂગર્ભ મેટ્રોમાં સફર કરવા પ્લેટફોર્મ પર રાહ જોતા હતા. “મુંબઈ મેટ્રો આરે જેવીએલઆરથી બીકેસી (આઈટીઓ) સ્ટેશન એક્વા લાઇન થ્રી હવે ગુગલ મેપ પર લાઇવ છે! ,” એમ એક યૂઝરે પોસ્ટ કરી હતી.
બીજા એક પ્રવાસીએ લખ્યું હતું કે અંડરગ્રાઉન્ડ મેટ્રો એક અલગ અનુભવ છે. તે ખૂબ જ આરામદાયક છે. મને મારા ગંતવ્ય સુધી પહોંચવામાં ૧ કલાકનો સમય લાગતો હતો, હવે મેટ્રો દ્વારા હું ૨૦ મિનિટમાં પહોંચી શકીશ. એક તરફ ઓટોના રૂ. ૧૭૦ અને કેબમાં રૂ. ૨૫૦ ખર્ચવા કરતા હવે હું માત્ર રૂ. 80માં મુસાફરી કરી શકીશ.
ટિકિટ ઓનલાઈન ખરીદી શકાશે
પ્રવાસીઓ મેટ્રોથ્રી માટેની ટિકિટ કાઉન્ટર પરથી સીધા અને વાઇફાઇનો ઉપયોગ કરીને ખરીદી શકે છે, જ્યારે તેઓ ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર પરથી મેટ્રો-3 કનેક્ટ એપ ડાઉનલોડ કરી શકે છે અને ટિકિટ ઓનલાઇન ખરીદી શકે છે.
મેટ્રો-થ્રીના કોરિડોરમાં 10 સ્ટેશન
આરે જેવીએલઆરથી બીકેસી મેટ્રો ૩ રૂટમાં ૧૦ સ્ટેશનનો સમાવેશ થાય છે અને તેનો હેતુ રોડ ટ્રાફિકને ૩૫ ટકા ઘટાડવાનો છે. ૯૬ દૈનિક ટ્રિપ્સ અને રૂ. ૧૦ થી રૂ.૫૦ સુધીના ટિકિટ ભાડા સાથે, મેટ્રો ૩ સવારે ૬.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, જ્યારે રવિવાર અને રજાના દિવસે, સેવાઓ સવારે ૮.૩૦ થી શરૂ થશે. પીક અવર્સ દરમિયાન દરેક ટ્રેનની ફ્રીક્વન્સી સાડા છ મિનિટની રહેશે.
અહીં એ જણાવવાનું કે મુંબઈમાં મેટ્રો વન (ઘાટકોપર-વર્સોવા), મેટ્રો-ટૂ સહિત મેટ્રો સેવનમાં પ્રવાસીઓ મુસાફરી માણે છે, જ્યારે આજથી વધુ એક મેટ્રો મુંબઈગરાની સેવામાં આવવાથી લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે.