વડા પ્રધાન મોદીની જાહેર સેવાની લાંબી સફર જીવંત પ્રેરણા: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સેવાની લાંબી યાત્રા એ લોકો માટે ‘અદ્વિતીય સમર્પણ’નું પ્રતીક છે કે કેવી રીતે વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રીય હિત અને કલ્યાણ માટે સમર્પિત કરી શકે છે.
મોદીએ જાહેર જીવનમાં 23 વર્ષ પૂરા કર્યા, પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને પછી વડા પ્રધાન તરીકે, એ બાબતનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું કે જે લોકો જાહેર જીવનમાં છે તેમના માટે આ લાંબી યાત્રા જીવંત પ્રેરણા છે.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડી ફક્ત વિકાસને કેવી રીતે રોકવા એ જ જાણે છે: વડા પ્રધાન મોદી
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકે તેમના જાહેર જીવનમાં 23 વર્ષ પૂરા કર્યા છે. જાહેર સેવાની આ 23 વર્ષની લાંબી સફર એ અનન્ય સમર્પણનું પ્રતીક છે કે કેવી રીતે વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર હિત અને લોકોના કલ્યાણ માટે સમર્પિત કરી શકે છે, એમ તેમણે હિન્દીમાં ‘એક્સ’ પરની પોસ્ટમાં જણાવ્યું હતું.
તેમની રાજકીય સફરમાં મોદીના સતત સાથી રહેલા ગૃહ પ્રધાનેએ કહ્યું કે આ તેમના માટે સૌભાગ્યની વાત છે કે તેઓ મોદીના આ લાંબા જાહેર જીવનના સાક્ષી રહ્યા છે.
‘મોદીએ બતાવ્યું છે કે એક જ સમયે ગરીબોના કલ્યાણ, દેશના વિકાસ, સુરક્ષા અને ભારતની વૈશ્ર્વિક ઓળખને મજબૂત કરવા માટે કેવી રીતે કાર્ય કરવું.’
આ પણ વાંચો: મોદીજી દેશનું ગૌરવ, જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં આવે ત્યારે ખાલી હાથે આવતા નથી: એકનાથ શિંદે
મોદીએ સમસ્યાઓને ટુકડાઓમાં જોવાને બદલે દેશ માટે સર્વગ્રાહી ઉકેલનું વિઝન રજૂ કર્યું હતું, એમ શાહે જણાવ્યું હતું.
તેમણે કહ્યું, ‘હું રાષ્ટ્ર નિર્માતા મોદીને અભિનંદન આપું છું, જેઓ 23 વર્ષથી અવિરત, થાક્યા વિના, પોતાની જાતની પરવા કર્યા વિના રાષ્ટ્ર અને તેના લોકોની સેવા માટે સમર્પિત છે.’
મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને 2014માં વડાપ્રધાન બન્યા તે પહેલા 13 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. તેમણે આ વર્ષે જૂનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. (પીટીઆઈ)