વેપારસ્પેશિયલ ફિચર્સ

અમેરિકાના પ્રોત્સાહક જોબ ડેટાથી ઓછી માત્રામાં વ્યાજદર કપાતની શક્યતા

સોનામાં રૂ. ૩૭૮નો અને ચાંદીમાં રૂ. ૫૧૬નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગગારીનો દર પણ ૪.૧ ટકા આસપાસની સપાટીએ રહેતાં અમેરિકામાં આર્થિક મંદીની ભીતિ હળવી થવાની સાથે સાથે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટી કપાત મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭થી ૩૭૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૧૬નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૧૬ના ઘટાડા સાથે રૂ. ૯૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૯૧,૬૮૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૭ ઘટીને રૂ. ૭૫,૨૮૩ અને ૯૯૯ ટચ સોનાના ભાવ રૂ. ૩૭૮ ઘટીને રૂ. ૭૫,૫૮૬ના મથાળે રહ્યા હતા.

ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ તેની આગામી ૬-૭ નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ઓછી માત્રામાં અર્થાત્ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવઘટાડો આગળ ધપ્યો હતો અને હાજરમાં ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૪૩.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૬૬૨.૭૦ ડૉલર તથા હાજરમાં ચાંદીના ભાવ એક ટકો ઘટીને ઔંસદીઠ ૩૧.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે ઈઝરાયલ દ્વારા લેબેનોન અને ગાઝા પટ્ટી પર સતત બોમ્બાર્ડિંગ ચાલુ રહ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો જળવાઈ રહેતાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ, અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા અને ફેડરલના અધિકારીઓના સપ્તાહ દરમિયાનના વક્તવ્ય પર સ્થિર થઈ છે.
વધુમાં એક અહેવાલ અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં સતત પાંચમા મહિનામાં અનામત માટેની લેવાલી શાંત રહી હોવાનું રૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે છેલ્લાં કેટલાંક મહિનાથી સોનાના ભાવ ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી ચીનની લેવાલી અટકી છે. જોકે, પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોનાં રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૯૫ ટકા વેપારી વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી બેઠકમા વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા જોઈ રહ્યા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker