ચિંતન : પરમાત્માના દર્શન- ન શાસ્ત્રથી ન ગુરુથી
-હેમુ ભીખુ
યોગવાશિષ્ઠનું આ વિધાન છે ન શાસ્ત્રેનાપિ ગુરુણા – પરમાત્માનું દર્શન ન તો શાસ્ત્રો કરાવી શકે છે કે ન ગુરુ. તેમનું દર્શન તો સ્વયંના આત્મામાં સ્થિર થવાથી જ થાય છે. મહર્ષિ વશિષ્ઠ સ્વયં ગુરુ હતા. તેમના દ્વારા લખાયેલ આ પુસ્તક યોગવાશિષ્ઠ પણ એક શાસ્ત્ર છે. છતાં પણ તેઓ જણાવે છે કે ન ગુરુ, ન શાસ્ત્ર, પરમ સત્યની અનુભૂતિ તો, પરમેશ્ર્વરના દર્શન તો આત્માને ઓળખ્યા વિના શક્ય નથી.
અહીં ગુરુ કે શાસ્ત્ર, અસાંદર્ભિક નથી થતાં. આધ્યાત્મિક પ્રવાસમાં ગુરુનું પણ મહત્ત્વ છે અને શાસ્ત્રનું પણ. ગુરુ જ કહી શકે કે તેમનું મહત્ત્વ ક્યાં અને કેવી રીતે છે, તેમનું મહત્ત્વ કેટલી માત્રામાં અને કેવી પરિસ્થિતિમાં યથાર્થ બની શકે, અને પ્રવાસના કયા તબક્કે ગુરુ શિષ્યને સ્વતંત્ર કરી દે. તેવી જ રીતે શાસ્ત્ર દ્વારા જાણી શકાય કે જે કોઈ માર્ગ પસંદ કરાયો છે તે યોગ્ય છે કે નહીં. તે માર્ગ પર શેનું ધ્યાન રાખવાનું, એ માર્ગ પર ચાલીને કોણે કોણે અંતિમ સ્થિતિને પ્રાપ્ત કરી છે, તે માર્ગ કઈ કઈ બાબતોથી બાધિત છે અને ત્યાં કઈ કઈ સંભાવનાઓ ભરેલી છે. સાથે સાથે શાસ્ત્રોક્ત માર્ગનું ચયન કરવાથી એક પ્રકારનો વિશ્ર્વાસ પણ સ્થપાય. આધ્યાત્મિક પ્રવાસમાં આત્માની અનુભૂતિ એ અંતિમ ચરણ છે જ્યારે ગુરુના આશીર્વાદ કે શાસ્ત્રમાં દર્શાવેલ જ્ઞાન પ્રથમ ચરણ બની શકે. પ્રથમ ચરણ અંતિમ ચરણ ક્યારેય ન હોય. પ્રથમ ચરણથી યાત્રા શરૂ થાય અને અંતિમ ચરણ પાર કર્યેથી યાત્રા પૂરી થાય. પ્રથમ ચરણ પણ મહત્ત્વનું છે, અંતિમ ચરણ પણ મહત્ત્વનું છે, અને યાત્રા પણ એટલી જ મહત્ત્વની છે.
સદગુરુ માર્ગ બતાવે, એ માર્ગ પર જવાની પ્રેરણા આપે, સાથે ગુરુમંત્રની દીક્ષા આપે, પછી તે માર્ગ પર આવનારી અડચણો બાબતે માહિતગાર કરે અને તેનાથી કેવી રીતે બચવું તેના ઉપાય બતાવે, સંજોગો ઊભા થાય ત્યારે શિષ્યનું રક્ષણ પણ કરે, સમયાંતરે કસોટી કરે, અને આ બધાથી શિષ્યનું ઘડતર કરે. શાસ્ત્ર રુચિ પ્રમાણે માર્ગ પસંદ કરવાની તક આપે, પસંદ કરાયેલ માર્ગ બાબતે સંપૂર્ણ માહિતી આપે, નિશ્ર્ચિત કરાયેલ વિધિ-વિધાન સ્પષ્ટ કરે, કેટલાંક જટીલ પ્રશ્ર્નોનો જવાબ આપે, અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકાશે તે પ્રકારનો વિશ્ર્વાસ જગાવે. આધ્યાત્મના પ્રવાસમાં સદગુરુ અને શાસ્ત્ર બંને હંમેશાં હકારાત્મક ભૂમિકા ભજવે. આમાં કોઈ શંકા નથી. પણ અંતે તો આત્માની અનુભૂતિ કરવાની છે, તે વાત સદગુરુ પણ કહે અને શાસ્ત્ર પણ.
આત્મા એ પરમાત્માનો અંશ છે, પરમાત્માના અસ્તિત્વની સાબિતી છે, પરમાત્માના સ્વભાવની ઓળખ છે, પરમાત્માના સામર્થ્યનું ઉદાહરણ છે, પરમાત્માની નિરાકારતાની સમજ છે, પરમાત્માના ચૈતન્ય સ્વરૂપનો નમૂનો છે અને પરમાત્માની ઓળખ શક્ય છે તે વિશ્ર્વાસ જાગે તે પ્રમાણેની ખાતરી છે. આત્મા એ પંખા તથા લાઈટ જેવા રોજિંદા વપરાશના ઉપકરણોમાં ખપત થતી વીજળી સમાન છે, જે જોઈ નથી શકાતી પરંતુ તેની હાજરી વિશે શંકા નથી થઈ શકતી. તેની અનુભૂતિ થઈ શકે છે. પરમાત્મા વિશ્ર્વ માટે આત્મા સમાન છે.
શરીરની વિવિધ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે છે. બ્રહ્માંડમાં પણ આવી વ્યવસ્થા કાર્યરત છે. શરીરની બધી જ વ્યવસ્થા એકબીજા સાથે સંકલિત રહીને કાર્ય કરે છે તેમ બ્રહ્માંડની વ્યવસ્થાઓ પણ એકબીજા સાથે તાલમેલ જાળવી રાખી છે. શરીરની વ્યવસ્થા ત્યાં સુધી જ કાર્યરત રહી શકે છે જ્યાં સુધી શરીરમાં આત્માની હાજરી હોય. આ તર્ક બ્રહ્માંડ માટે પણ લાગુ પડે. શરીરની કાર્યક્ષમતા માટે જેમ આત્માની હાજરી જરૂરી છે તેમ બ્રહ્માંડ માટે પણ કહી શકાય. શરીરના આત્માને આત્મા કહેવાય તો બ્રહ્માંડના આત્માને વિશાળ-આત્મા, વધુ સક્ષમ-આત્મા, પરમ-આત્મા અર્થાત પરમાત્મા કહેવાય. આત્મા સમજમાં આવે તો પરમાત્મા સમજમાં આવવાની સંભાવના ઊભી થાય.
આત્માની હાજરીને કારણે દેહનું નિયમન થાય છે તેમ પરમાત્માની અધ્યક્ષતામાં સૃષ્ટિનું નિયમન થાય છે. આત્મા જેમ દેહને જીવંત રાખે છે તેમ પરમાત્મા સૃષ્ટિને ચેતનવંતી રાખે છે. શરીરમાં આત્માના અસ્તિત્વ તથા તેના સ્થાન બાબતે ક્યારેય સ્પષ્ટતા નથી થઈ શકી, તેવી જ રીતે સૃષ્ટિમાં પરમાત્માના સ્થાન બાબતે કશું પણ ચોક્કસ રીતે ન કહી શકાય. શરીરથી આત્મા દૂર થતાં શરીરમાં માત્ર જડતા બાકી રહે તેમ સૃષ્ટિમાંથી જો પરમાત્માની બાદબાકી થાય તો કશું જ બાકી ન રહે. પરમાત્માને સમજવા માટે આત્માની સમજ જરૂરી છે.
આત્માની પ્રકૃતિ સમજાય તો પરમાત્માની લીલા સમજમાં આવે. આત્માનો સ્વભાવ સમજાય તો પરમાત્માનો સ્વભાવ અર્થાત અધ્યાત્મ સમજી શકાય. આત્માની અસીમિત સંભાવના ધ્યાનમાં આવે તો પરમાત્માની અતિ-અસીમિત કે પરમ-અસીમિત સંભાવનાની સમજ આવે.્ જેમ અંત:કરણનાં વિવિધ સ્વરૂપો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આત્માની હાજરીને કારણે કાર્યરત રહી શકે છે તેમ સૃષ્ટિની રચના પાછળના મૂળ પરિબળ તરીકે ગણાતા નિર્વિકલ્પ સંકલ્પને પરમાત્માની ધારણા તરીકે સમજી શકાય. પરમાત્માને સમજવા માટે આત્માની અનુભૂતિ – સમજ નામનું પગથિયું પાર કરવું પડે.
અને આ ઇચ્છનીય પણ છે. પરમાત્મા સુધી પહોંચવા કરતાં આત્મા સુધી પહોંચવું સહેલું છે. આત્માની પ્રતીતિ થઈ શકે છે. આત્માના અસ્તિત્વ વિશે ખાતરીપૂર્વક કહી શકાય છે. ક્યાંક આત્માને સમજવાનો પ્રયત્ન પણ સરળતાપૂર્વકનો છે તેમ કહેવાય. આત્મા પરમાત્માનો લઘુ અંશ હોવાથી તેને પ્રાપ્ત કરવાના સંજોગો વધી જાય છે.્ સમગ્ર ભાતને સમજવા માટે ભાતના એક દાણાને સમજવા જેવી, ચાખવા જેવી આ વાત છે. એક દાણો ચાખવાથી સમગ્ર ભાતની પ્રકૃતિ તથા સ્થિતિ સમજમાં આવી જાય – એક આત્માને જાણવાથી સમગ્ર-આત્મા અર્થાત પરમાત્મા ધ્યાનમાં આવી જાય.
સદગુરુનું પણ મહત્ત્વ છે, શાસ્ત્રનું પણ મહત્ત્વ છે, પણ આ બંનેના સહયોગ થકી આત્માની અનુભૂતિ સૌથી મહત્ત્વની છે.