જીવન શક્તિને આધારે છે. જીવન શક્તિથી ટકી રહ્યું છે. જીવન શક્તિને કારણે અસ્તિત્વમાં આવે છે. શક્તિ જીવનનો પર્યાય છે. જે કંઈ સૃષ્ટિમાં થઈ રહ્યું છે તેના મૂળમાં શક્તિ છે. આ શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. આ પર્વમાં શક્તિનું મહત્વ સમજવાનું હોય અને તે સમજ્યા પછી શક્તિની આરાધના કરવાની. નવરાત્રીમાં શક્તિને ભાવનાથી તરબોળ કરી દેવાનું હોય જેને પરિણામે તે માતા ભક્તજનોને પ્રેમથી તરબોળ કરી દે.
આ પર્વમાં શક્તિ માટે સંપૂર્ણ સમર્પિતતાનો ભાવ માણવાનો છે જેના પ્રતિભાવ સ્વરૂપે માતા કરુણાનો ભાવ સર્વત્ર ફેલાવી દે. નવરાત્રીમાં કળાના વિવિધ સ્વરૂપો સાથે શક્તિની – માતાની આરાધના કરવાની છે જેનાથી વિશ્વમાં આસુરી તત્વના નાશની સંભાવના વધી જાય. આ એક એવી તક છે કે જ્યારે વ્યક્તિ સૃષ્ટિના સમીકરણો સાથે એક રસ થઈ શકે. આ એક એવી સંભાવના છે કે જ્યારે વ્યક્તિ સૃષ્ટિના મૂળ પ્રેરક-તત્વનું સામીપ્ય અનુભવી શકે. કદાચ નવરાત્રી એકમાત્ર એવો તહેવાર છે કે જ્યારે દેવીની આરાધના થકી દેવને પણ પ્રસન્ન કરી શકાય. આ જ એક સમયગાળો છે કે જ્યારે સૃષ્ટિમાં સર્વત્ર લાલિત્ય સભર એકરાગતા પ્રસરી જાય. નવરાત્રીમાં ભક્તિ કરવી એ જ એક જીવનનો મોટો લહાવો ગણાય. સાંપ્રત સમયમાં તો, કેટલાક વ્યક્તિ-સમૂહ દ્વારા, નવરાત્રીને ચોક્કસ પ્રકારના મનોરંજન માટેની તક માત્ર તરીકે ગણવામાં આવે છે. આપણા સમાજે આપણી ધાર્મિક પરંપરાને કલુષિત કરી છે.
નવરાત્રીનું એક મહત્વનું અંગ સ્થાપના કરાયેલ ગરબાની આસપાસ ભક્તિ-યુક્ત, સામુહિક, નરમાશ ભરેલું, તાલબદ્ધ, સમાવેશીય, લાલિત્ય સભર સામાજિક નૃત્ય કરવું છે. આ મૃત્યુમાં પાંચ વર્ષની બાળાથી માંડીને સિત્તેર વર્ષના માજી પણ જોડાઈ શકે છે. અહીં સમગ્રતા છે અને સમગ્રતાથી ભક્તિમય માહોલ ઉભો થાય છે. નવરાત્રી એટલે આ પ્રકારના માહોલનું સેલિબ્રેશન – જેના કેન્દ્રમાં સૃષ્ટિના – આધ્યાત્માના પ્રતિનિધિ સમાન ગરબો હોય.
ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે. તેના કેન્દ્રમાં ચૈતન્ય સ્વરૂપ દીવો પ્રગટાવાય છે. આ દીવો ગરબા સ્વરૂપ બ્રહ્માંડની અંદર તો પ્રકાશ ફેલાવે જ છે પણ સાથે સાથે તેમાં રહેલા છિદ્રો દ્વારા બ્રહ્માંડની પર પણ પ્રકાશ ફેલાવે છે. ચૈતન્યનું ચૈતન્ય પણ તે ગરબા સ્વરૂપ ઘટ સુધી જ સીમિત નથી.
ચૈતન્ય ની – બ્રહ્મની અસીમિતતા દર્શાવવાનો આ સરસ પ્રયાસ છે.આમ તો બ્રહ્માંડના આકારની કોઈને ખબર નથી. પણ સામાન્ય તર્ક મુજબ એમ માની શકાય કે બ્રહ્માંડ ગોળાકાર હશે. આમ માનવા માટેનો તર્ક એ છે કે ચૈતન્ય સ્વરૂપ બિંદુ જો સમાન ભાવે, સમાન રીતે સર્વ દિશામાં પ્રસારે તો જે આકાર મળે તે ગોળાકાર હોય. અહીં એક પરિધિમાં આવેલ બાબતો કેન્દ્રથી સમાન અંતરે હોય છે. કેન્દ્રના સંદર્ભમાં અહીં પ્રત્યેક સમાન પરિસ્થિતિ સમાન અંતરે હોય. એક જ શ્રેણીના અસ્તિત્વમાં કોઈની સાથે સામીપ્ય નથી કે કોઇની સાથે અલગાવ નથી. કેન્દ્ર કોઈની સાથે તાદાત્મયતા સ્થપાતું નથી. વિશ્વમાં પ્રત્યેક સ્તરે ચૈતન્ય પ્રકૃતિના કોઈ પણ પરિમાણ સાથે ભેદભાવ રાખ્યા વગર અધ્યક્ષતા – કેન્દ્રતા જાળવી રાખે છે.
સનાતની સંસ્કૃતિમાં શાક્ત, વૈષ્ણવ અને શૈવ એમ ત્રણ પ્રકારની ભક્તિની પરંપરા છે. દરેકનું મહત્વ છે. દરેકનું મહત્વ ચોક્કસ સમયગાળામાં વધુ દ્રઢતાથી ઉભરે છે. અધિક માસમાં નારાયણની ઉપાસના વધુ ફળદાયી રહે તો શ્રાવણ માસમાં શિવજીની ઉપાસનાનું મહત્વ હોય. માતાજીની ઉપાસના માટે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે.
જેમાંથી બે ગુપ્ત નવરાત્રી કહેવાય છે જે સામાન્ય રીતે ગૃહસ્થ સમાજ માટે નથી એમ મનાય છે. તેથી ચૈત્ર મહિનામાં આવતી ચૈત્રી નવરાત્રી અને આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રીનું મહત્વ સામાન્ય સમાજમાં વધુ છે. દેવી ભાગવત પુરાણ અનુસાર નવરાત્રીના સમયમાં મા દુર્ગા પૃથ્વી પર નિવાસ કરે છે તેથી તે સમયે કરેલી ઉપાસના ઝડપથી ફળ આપી શકે એમ માની શકાય. પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નોમ સુધી શારદીય નવરાત્રી ઉજવવામાં આવે છે. આમ તો ચારે નવરાત્રીનું પોત પોતાનું મહત્વ છે પરંતુ શારદીય નવરાત્રી વર્ષના જે તબક્કામાં આવે છે, જે તહેવાર સમૂહની વચ્ચે આવે છે અને જે પ્રકારની સિદ્ધિની ઉપાસના માટે આવે છે તેને કારણે તેનું મહત્વ વધુ રહ્યું છે.
મહાદેવ શંકર ભોલેનાથ તરીકે ઓળખાય છે પરંતુ માતાજી તો મમતાના અવતાર સમાન છે. સામાન્ય વ્યવહારમાં પણ માતાનું સમર્પણ વધુ જણાય છે. માતાની કરુણા પણ પોતાના સંતાનો પ્રત્યય વધુ રહે છે. સંતાનોની ભૂલ માફ કરવાની તત્પરતા માથામાં વધુ જોવા મળે છે. કોઈપણ સંજોગોમાં સંતાનને પોતાના આંચલમાં સમાવી લેવા માતા સદા તત્પર હોય છે. એ માતાજી છે જે વાસ્તવમાં સંતાનનું પ્રાથમિક ઘડતર કરે છે. બાળકને વિશ્વનું અમૃત પીવડાવનાર માતા જ છે. માતા વિશે જેટલું કહી શકાય તેટલું ઓછું. દુન્યવી માતાનું જો આવું મહાત્મ્ય હોય તો વિશ્વમાતાની તો વાત જ શું કરવી. મા જગદંબાની કરુણાનો વ્યાપ સામાન્ય રીતે અનેક ગણો, અપાર રહેવાનો. આ જગત જનની માતાની ભક્તિ એટલે શ્રદ્ધાની ચરમસીમા, અને માતા પર શ્રદ્ધા એટલે ભક્તિની પૂર્ણતા.
મા જગદંબા અર્થાત શક્તિ સત્ય છે. શક્તિ સર્વત્ર છે. બ્રહ્માંડનું એવું એક પણ તત્વ નથી કે જે શક્તિના અનુસંધાન વિનાનું હોય. શક્તિ જન્મદાતા પણ છે, જન્મ પોષક પણ છે અને જન્મહારક પણ છે. શક્તિ એ અસ્તિત્વનું કારણ છે અને સાથે સાથે પરિણામ પણ છે. શક્તિથી જ બધું જ ચલિત થાય છે અને શક્તિ વડે જ એ ચલિતતા રોકાય છે. બ્રહ્માંડની એવી એક પણ ઘટના નથી કે જેના મૂળમાં શક્તિ ન હોય. શક્તિ જ સર્જે છે અને શક્તિ જ સંહારે છે. શક્તિ આપણી અંદર પણ છે અને તેટલી જ બહાર પણ. આપણા અસ્તિત્વનું મૂળ જ શક્તિ આધારિત છે અને તેવી રીતે સમગ્ર બ્રહ્માંડનો આધાર પણ તે શક્તિ જ છે. જાતને અથવા બ્રહ્માંડને સમજવાં હોય તો તે શક્તિના શરણે જવું પડે – તે શક્તિની આરાધના કરવી પડે – તે શક્તિ તરફ ગતિ કરવી પડે.
શક્તિ ક્યાંક ચૈતન્યમાં એકરૂપ થઈ પ્રલય કાળે શૂન્યતાને પામે છે અને ફરીથી સર્જનકાળે વિભાજિત થઈ સર્જન લીલામાં પ્રવૃત્તિ થાય છે. શક્તિ અનેક રૂપો ધારણ કરે છે અને છતાં પણ તે એકતાના પ્રતિક સમાન છે. બ્રહ્માંડમાં જે કંઈ વિવિધતા ભાસે છે તેના મૂળમાં શક્તિ અર્થાત પ્રકૃતિના ગુણધર્મો છે. લીલા તથા પ્રપંચના ભાગરૂપે શક્તિ જ આ પ્રકૃતિ વિવિધ પ્રકારની ઘટનાઓમાં વિભાજિત થયેલી ભાસે છે પણ અંતે તો તે એક જ તત્વની વિવિધ અવધારણા સમાન છે. શક્તિ છે તો બધું જ છે – બધી જ વિવિધતા છે – બધા જ ભાવ છે – બધી જ અનુભૂતિ છે, બધી જ સંભાવનાઓ છે.
Also Read –