Chennai માં વાયુસેનાના એર-શો બાદ ભારે અરાજકતા, ત્રણ લોકોના મોત, 250 થી વધુ હોસ્પિટલમાં દાખલ
ચેન્નાઈ : ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત ભવ્ય એર શોને કારણે લાખો લોકો ચેન્નાઈમાં (Chennai)ફસાયા હતા. એર શો જોવા ગયેલા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 230 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સ્થાનિક રેલવે સ્ટેશન પર એકત્ર થયેલી ભારે ભીડ બાદ ભાગદોડમાં ત્રણ લોકોના મોત થયા છે .
મીડિયા અહેવાલ મુજબ ત્રણ મૃતકોની ઓળખ પેરુંગાલથુરના શ્રીનિવાસન (48), તિરુવોત્તિયુરના કાર્તિકેયન (34) અને કોરુકુપેટના જોન (56) તરીકે થઈ છે. ટ્રાફિકના નબળા સંચાલનના લીધે શહેરના ઘણા ભાગોમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. મરિના બીચ પર એકત્ર થયેલા વિશાળ ભીડને એર-શો બાદ વિખેરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
એર શોમાં 16 લાખ લોકોએ ભાગ લીધો હતો
એર શો જોવા માટે સવારે 11 વાગ્યા પહેલા જ મરિના બીચ પર લોકો ઉમટી પડ્યા હતા. ઘણા લોકો તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ એર -શોમાં લગભગ 16 લાખ લોકોએ ભાગ લીધો હતો. જે સવારે 11 વાગ્યે શરૂ થયો હતો અને બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો . જો કે ધોમધખતા તાપમાં સારી જગ્યા મેળવવા માટે હજારો લોકો સવારના 8 વાગ્યાથી જ એકઠા થયા હતા.
લોકો પાણી માટે વલખાં માર્યા
આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ગરમીના કારણે અનેક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતા. ભીડની સમસ્યાના લીધે પાણીના વિક્રેતાઓને દૂર ઉભા રાખવામાં આવ્યા હતા. જેના કારણે ઉપસ્થિત લોકોને પીવાનું પાણી મળી શક્યું ન હતું. શો પૂરો થતાંની સાથે જ એક વિશાળ ભીડે કામરાઝર સલાઈ તરફ જવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ટ્રાફિક સંપૂર્ણ રીતે અવરોધિત થઈ ગયો.
લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
તડકા અને ભીડથી કંટાળી ગયેલા ઘણા લોકોને મદદ કરવા નજીકના વિસ્તારોમાંથી લોકો આવ્યા અને જરૂરિયાતમંદોને પીવાનું પાણી પૂરું પાડ્યું. જ્યારે મેટ્રો સ્ટેશનો પર ભીડ વધી હતી અને લોકો ઘરે પાછા ફરવાના વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યા હતા. આ અરાજકતા બાદ આયોજન અને તૈયારીના અભાવને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.