ઇરાનની તબાહી માટે સજ્જ ઇઝરાયલની મિસાઇલ્સ તેજીને અવરોધશે
બજારની નજર આરબીઆઇ પોલિસી અને કંપની પરિણામો પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
પશ્ર્ચિમ એશિયામાં ઇરાનને પાપે ચરમસીમા તરફ આગળ વધી રહેલી લશ્કરી અથડામણોએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટના ગણીત ખોરવી નાંખ્યા છે અને તેને કારણે સર્જાયેલી બાદબાકીમાંથી ભારતયી શેરબજાર પણ બાકાત રહી શકે તેમ નથી. આ સપ્તાહે મિડલ ઇસ્ટના ટેન્શન ઉપરાંત રિઝર્વ બેન્કની નીતિ, બીજી કવાર્ટરના કંપની પરિણામ, યુએસ ઇન્ફ્લેશન સહિતના પરિબળો બજારની ચાલ નક્કી કરશે. એ જ સાથે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને વિધાનસભા ચૂંટણી માટે આઠમી ઓક્ટોબરે થનારી મતગણતરી પર પણ બજારની નજર રહેશે.
નિષ્ણાતોના મતે, સંભવિત કોન્સોલિડેશન વચ્ચે સેન્ટિમેન્ટ નેગેટિવ રહી શકે છે, અને દરેક ઉછાળે વેચવાલીનો તાલ જોવા મળે એ શક્ય છે. આ ઉપરાંત હોંગકોંગ અને ચાઇના જેવા નીચા વેલ્યુએશન્સ ધરાવતાં એશિયન બજારોમાં એફઆઇઆઇના પલાયનને કારણે પણ ભારતીય બજારને ફટકો પડી રહ્યો છે. ચોથી ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં લગભગ ૪.૫ ટકા જેટલા તોતિંગ કડાકા નોંધાયા હતા.
ઇરાને તેના કટ્ટરવાદને સમર્થન આપતી વૃત્તિમાં ઇઝરાયલ પર હમલો તો કર્યો છે, પરંતુ હવે તે જોકમમું આવી ગયું છે. હવે સમગ્ર વિશ્ર્વને ડર એ છે કે જો ઇઝરાયલ તેના ઉચ્ચારણ અનુસાર ઇરાન પર હુમલો કરશે તો આખા જગતની સપ્લાઇ ચેઇનને એક કામચલાઉ બ્રેક લાગી જશે. ઉપલબ્ધ અહેવાલ અનુસાર ઇઝરાયલ લેબનોન પર બોમ્બાડિંગ અને બૈરૂતની આસાપસ એર સ્ટ્રાઇક સતત વધારી રહ્યું છે. આ ઉપરાંત ગાઝા અને ઇરાન પર ટૂંક સમયમાં જ મોટા હુમલાની તૈયારીમાં છે. મધ્ય પૂર્વના તણાવને કારણે ભારત માટે સૌથી મોટી ચિંતા ક્રૂડ તેલના ભાવનો ઉછાળો છે.
સેન્સેક્સ ૩,૮૮૩ પોઈન્ટ ઘટીને ૮૧,૬૮૮ પોઇન્ટના સ્તરે અને નિફ્ટી ૧,૧૬૪ પોઈન્ટ ઘટીને ૨૫,૦૧૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ અનુક્રમે ત્રણ અને ૨.૫ ટકા ડાઉન હતા. નિફ્ટી ઓટો, બેન્ક, ઓઇલ એન્ડ ગેસ અને એફએમસીજી સૂચકાંકોમાં ચારથી છ ટકાનો ઘટાડો હતો.યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં અપેક્ષાથી મોટા કાપ સાથે વધુ ઘટાડાના સંકેત અપાયા પછી, તમામની નજર નવમી ઓક્ટોબરે આરબીઆઇની એમપીસી બેઠકના જાહેર થનારા નિષ્કર્ષ પર રહેશે. મોટાભાગના નિષ્ણાતો વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા રાખતા નથી, પરતું આરબીઆઇની કોમેન્ટ્રી મહત્ત્વની રહેશે.
ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ટાટા એલ્ોક્સી, એવેન્યુ સુપરમાર્ટ્સ અને ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઈઆરઈડીએ) સાથે આ સપ્તાહે શરૂ થનારી સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સીઝન પર બજારનું ધ્યાન કેન્દ્રિત રહેશે. આઇટી કંપનીઓના પરિણામમાં ખાસ કરીને યુએસ ફેડ રેટ કટ પછી મેક્રો રિકવરી પર મેનેજમેન્ટ કોમેન્ટ્રી અને ૨૦૨૫ માટે ડિમાન્ડ આઉટલૂક ચાવીરૂપ રહેશે.
આ સપ્તાહે આનંદ રાઠી વેલ્થ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર ઈન્ડિયા, નવકાર કોર્પોરેશન, જીટીપીએલ હેથવે, લોટસ ચોકલેટ, ડેન નેટવર્ક્સ, જીએમ બ્રુઅરીઝ, હેથવે કેબલ એન્ડ ડેટાકોમ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેમની સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણી જાહેર કરશે.
કોર્પોરેટ હલચલમાં આદિત્ય બિરલા જૂથે જ્વેલરી સેગમેન્ટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે. આ જૂથે ઇન્દ્રિય બ્રાન્ડ સાથે જૂલાઇથી અત્યાર સુધીમાં દિલ્હીમાં ત્રણ અને મુંબઇ, ઇંદોર, અમદાવાદ, પૂના અને જયપૂર ખાતે આઠ સ્ટોર્સ શરૂ કર્યા છે.
વિસ્તરણ યોજના હેઠળ કંપની પાંચેક વર્ષમાં ૫૦૦ સ્ટોર્સની યોજના ધરાવે છે અને પ્રારંભિક રોકાણ રૂ. ૫૦૦૦ કરોડનું રહેશે. નવા લિસ્ટેડ વેસ્ટર્ન કેરિયર્સ ઈન્ડિયા અને આર્કેડ ડેવલપર્સ તેમના જૂન ક્વાર્ટરના આંકડા જાહેર કરશે. આથી સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળશે. પ્રાઇમરી માર્કેટમાં બજાજ હાઉસિંગ, કેઆરએન, નોર્થ આર્ક, ડિફ્યુઝન સહિતના નવા શેર પ્રીમિયમ સાથે નોંધપાત્ર પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા છે. શેરબજારના સેન્ટિમેન્ટની વાત તરફ પાછાં ફરીએ તો વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં એકંદરે સાવચેતીનો માહોલ રચાયો છે. અમેરિકાના પ્રમુખ જો બાયડને મધ્યપૂર્વના યુદ્ધ અને ઇઝરાયલ દ્વારા વળતા હુમલા અંગે અસ્પષ્ટ અને મૂંઝવનારા કથનો કર્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ઇરાનના ઓઇલ ઇન્સ્ટોલેશન પર ઇઝરાયલના હુમલા અંગે ચર્ચાવિચારણા ચાલુ છે. એ જ સાથે, તેમણે એમ પણ કહ્યું છે કે ઇઝરાયલ તાત્કલિક વળતો હુમલો કરે એવી શક્યતા ઓછી છે. આ બંને વિધાનો ઇક્વિટી માર્કેટને વિરોધાભાસી સંકેત આપે છે.