અમેરિકામાં હેલેન વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને ૨૨૭ થયો
ફ્રેન્કફોર્ટઃ અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપદામાં મૃત્યુઆંક શનિવારે વધીને ૨૨૭ થવા પામ્યો હતો. જ્યારે મૃતદેહોને કાઢવાનું કામ એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ચાલુ છે.
આ ભયકંર વાવાઝોડાએ અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં ભારે તબાહી મચાવી હતી. જેના કારણે છ રાજ્યોમાં લોકોના મોત થયા છે. હેલેન વાવાઝોડું ૨૬ સપ્ટેમ્બરે કિનારે ત્રાટક્યું હતું અને ફ્લોરિડાથી ઉત્તર તરફ આગળ વધતા વ્યાપક વિનાશ વેર્યો હતો.
વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદને કારણે અનેક મકાનો વહી ગયા, અનેક રસ્તાઓ ધોવાઇ ગયા અને વીજળી, મોબાઇલ અને ફોન સેવાઓ ખોરવાઇ ગઇ હતી. વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા શુક્રવારે ૨૨૫ હતી. જે બીજા દિવસે એટલે કે શનિવારે દક્ષિણ કેરોલિનામાં વધુ બે લોકોના મોત નોંધાતા વધીને ૨૨૭ થઇ ગઇ હતી.
આ વાવાઝોડામાં કેટલા લોકો ગુમ થયા છે તે હજુ સ્પષ્ટ નથી અને મૃત્યુઆંક હજુ કેટલો વધી શકે છે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. અમેરિકામાં હેલેન પહેલા ૨૦૦૫માં કેટરીના વાવાઝોડું ત્રાટક્યું હતું.
આ વાવાઝોડાએ પણ ભારે તબાહી મચાવી હતી, પરંતુ હેલેનને અમેરિકામાં ત્રાટકનાર સૌથી ઘાતક વાવાઝોડું કહેવાય રહ્યું છે. લગભગ અડધા પીડિતો ઉત્તર કેરોલિનામાં હતા, જ્યારે ડઝનેક લોકો જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં મૃત્યુ પામ્યા હતા.