પાલક પ્રધાન સુરેશ ખાડેના સાથીદાર પ્રો. મોહન વાનખંડે કોંગ્રેસમાં
સાંગલી: સાંગલી જિલ્લાના પાલક પ્રધાન સુરેશ ખાડેના નજીકના સાથી અને મિરજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ભૂતપૂર્વ પ્રચાર વડા પ્રો. મોહન વાનખંડે શનિવારે કોંગ્રેસમાં જોડાયા હતા. મિરજ વિધાનસભા મતવિસ્તારમાંથી મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ તરફથી તેમની ઉમેદવારી નિશ્ર્ચિત માનવામાં આવે છે.
પાલક પ્રધાન ખાડેના નજીકના સાથીદાર તરીકે જાણીતા અને જત અને મિરજ વિધાનસભાની ચૂંટણીમાં ખાડેના મુખ્ય સાથીદાર તરીકે કામ કરનાર પ્રો. વનખંડેએ ભાજપ પાસે ઉમેદવારી માંગી હતી. જો કે, વર્તમાન પ્રધાન ખાડે સતત ચાર ચૂંટણી જીત્યા હોવાથી તેમના સિવાય બીજા કોઈના નામ પર વિચાર કરવામાં આવશે નહીં એવું સમજીને તેઓ આજે ભાજપનો ત્યાગ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા.
કોલ્હાપુરમાં પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પ્રો. વનખંડેનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, ભૂતપૂર્વ પ્રધાન બાલાસાહેબ થોરાત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. વાનખંડે કોલ્હાપુરમાં લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીની હાજરીમાં થયેલી સંવિધાન સન્માન સભામાં પણ હાજર રહ્યા હતા.