એકસ્ટ્રા અફેર

ન્યુઝક્લિક પર દરોડા, આરોપોનો નિર્ણય કોર્ટને લેવા દો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દિલ્હી પોલીસે ન્યુઝ પોર્ટલ ન્યૂઝક્લિકની ઓફિસ, પત્રકારો અને વેબસાઈટ સાથે સંકળાયેલાં 30થી વધુ સ્થળે દરોડા પાડ્યા એ સાથે જ મીડિયાની સ્વતંત્રતાનો મુદ્દો પાછો ચગ્યો છે. ન્યૂઝક્લિકને અમેરિકાના નાગરિક પણ ચીનમાં રહેતા સામ્યવાદી વિચારધારા ધરાવતા અબજોપતિ નોવેલ રોય સિંઘમ દ્વારા કરોડો રૂપિયાનું ફંડ અપાયું હોવાનો આરોપ છે.

સિંઘમ ચીનનો પ્રચાર કરવા માટે દુનિયાભરનાં સંગઠનો અને મીડિયાને ફંડ આપે છે. ન્યુઝક્લિકને પણ સિંઘમે 38 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આરોપ છે. દિલ્હી પોલીસે ન્યુઝક્લિકની ઓફિસે તો દરોડા પાડ્યા જ છે પણ ન્યુઝક્લિક સાથે સંકળાયેલા સાત પત્રકારો પ્રબિર પુરકાયસ્થ, સંજય રાજૌરા, ઉર્મિલેશ, ભાષા સિંહ, ઓનિંદો ચક્રવર્તી, અભિસાર શર્મા અને સોહેલ હાશ્મીનાં ઘરે પણ દરોડા પાડ્યા હતા.

આખા દિવસની કાર્યવાહી પછી પોલીસે ન્યુઝક્લિકના સ્થાપક પ્રબિર પુરકાયસ્થની તો અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રીવેન્શન) એક્ટ એટલે કે યુએપીએએ હેઠળ ધરપકડ કરી. પોલીસ પુરકાયસ્થ ઉપરાંત બીજા પત્રકારોને ઉઠાવીને લઈ ગઈ હતી તેથી તેમની સામે પણ યુએપીએ હેઠળ કેસ નોંધાય એવી પૂરી શક્યતા છે. દિલ્હી પોલીસની ટીમે મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પણ દરોડા પાડ્યા છે. તિસ્તાના ઘરે શું થયું એ અંગે પોલીસે ફોડ પાડ્યો નથી પણ તિસ્તાના ઘરે પણ વિદેશી ફંડના સંદર્ભમાં જ દરોડા પડ્યા છે.

દિલ્હી પોલીસની કાર્યવાહી સામે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ વાંધો લઈને ચિંતા દર્શાવી છે. ભારતમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં હોવાનો મત પણ વ્યક્ત કરાયો છે. ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાએ પણ ન્યુઝક્લિક પર દરોડાને મીડિયાની સ્વતંત્રતા પર પ્રહાર ગણાવીને ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. ભાજપ સરકાર પોતાની સામે પડનારા મીડિયાને કેન્દ્રીય એજન્સીઓની મદદથી દબાવે છે એવો કૉંગ્રેસ સહિતના વિપક્ષોનો આક્ષેપ છે.

બીજી તરફ કેન્દ્ર સરકાર વતી મંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે, ન્યુઝક્લિક પર દરોડા અંગે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. કોઈએ ખોટું કર્યું હોય કે ખોટી રીતે રૂપિયા મેળવ્યા હોય તો તપાસ એજન્સીઓ નિર્ધારિત ગાઈડલાઈન મુજબ તપાસ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. કેન્દ્ર સરકારને તેની સાથે કંઈ લેવાદેવા નથી.

ન્યુઝક્લિક સામેના આરોપો અને આક્ષેપો અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. તેની સામેના આરોપો સાચા છે કે નહીં એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે તેથી કોર્ટ દોષિત ના ઠેરવે ત્યાં સુધી તેને દોષિત પણ ના માની શકાય પણ સામે ક્નિનાખોરી દાખવીને તેને હેરાન કરાય છે એવો બચાવ પણ ના કરી શકાય. ન્યુઝક્લિક સામેના આરોપો ગંભીર છે ને દેશની સુરક્ષા સાથે જોડાયેલા છે એ કારણે પણ તેનો બચાવ કરતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ.

ન્યુઝક્લિકનો મુદ્દો 2020થી ગાજે છે અને તેના પર ચીનનાં હિતો સાચવવાનો આરોપ છે. સપ્ટેમ્બર 2021માં ઈન્કમટૅક્સ વિભાગે ઓનલાઈન પોર્ટલ ન્યૂઝ લોન્ડ્રીની સાથે સાથે ન્યૂઝક્લિકની ઓફિસે ટૅક્સચોરીના કેસમાં દરોડા પાડ્યા હતા. એ વખતે પણ મીડિયાની સ્વતંત્રતાનો મુદ્દો ચગતાં ઈન્કમટૅક્સ વિભાગે સ્પષ્ટતા કરેલી કે, બંને વેબસાઈટ પર દરોડા પાડવામાં આવ્યા નથી પણ રુટિન સર્વે કરાઈ રહ્યો છે. ન્યૂઝ લોન્ડ્રી અને ન્યૂઝક્લિકને લગતા હિસાબો ઉપરાંત ટૅક્સ પેમેન્ટ અને અન્ય પેમેન્ટની તપાસ કરાઈ હોવાની સ્પષ્ટતા ઈન્કમટૅક્સ વિભાગે કરી હતી.

ઈન્કમટૅક્સ વિભાગના સર્વે પછી 2021માં જ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ન્યુઝક્લિકને મળેલા ગેરકાયદેસર ફંડિગ અંગે કેસ નોંધ્યો હતો. ન્યૂઝક્લિકને આ શંકાસ્પદ ભંડોળ ચીનની કંપનીઓ દ્વારા મળ્યું હોવાનો દાવ કરીને ઈડીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, તેની સામે ન્યુઝક્લિકના પ્રમોટરો હાઈ કોર્ટમાં જતાં હાઈ કોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટર્સને ધરપકડમાંથી રાહત આપી હતી.

ઈડીએ મહિનાઓની તપાસ પછી દાવો કરેલો કે, ન્યુઝક્લિકને વિદેશી રોકાણના બહાને શંકાસ્પદ રીતે વિદેશથી ફંડિ મળ્યું છે. તેમાં રૂપિયા 9.59 કરોડ સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ) રૂપે આવેલા જ્યારે અને સર્વિસ એક્સપોર્ટના બદલામાં 28.46 કરોડ રૂપિયા અપાયા હતા. ચીન સરકારે આપેલા આ રૂપિયા કેટલીક વિદેશી કંપનીઓ મારફતે ન્યૂઝક્લિક સુધી પહોંચ્યા હતા અને ન્યુઝક્લિકે આ રકમ ચીનનો પ્રચાર કરનારા અને ભારત વિરુદ્ધ લખનારા પત્રકારોને આપ્યા હતા. ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને પણ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ઈડીની તપાસ ચાલુ હતી ત્યારે આ વર્ષે પાંચ ઑગસ્ટે અમેરિકાના ટોચના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે દાવો કરેલો કે, ન્યુઝક્લિકને અમેરિકન અબજોપતિ નોવેલ રોય સિંઘમ દ્વારા નાણાં આપવામાં આવ્યાં હતાં. ચીનના પ્રોપગેંડાને પ્રોત્સાહન આપવા સિંઘમ વિશ્વભરનાં સંગઠનોને ફંડ આપે છે એવો દાવો પણ કરાયો હતો. સિંઘમ શિકાગોમાં સોફ્ટવેર ક્નસલ્ટન્સી થોટવર્ક્સ ચલાવે છે અને ન્યુઝક્લિકને સૌથી વધારે વિદેશી ભંડોળ થોટવર્કસે જ આપેલાં.
આ અહેવાલના પગલે સાત ઑગસ્ટે લોકસભામાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ન્યૂઝક્લિકને મળતા ચીનના ફંડિગનો મુદ્દો ઉઠાવીને આક્ષેપ કરેલો કે, પાડોશી દેશોના રૂપિયાથી દેશમાં નરેન્દ્ર મોદી વિરોધી માહોલ ઊભો કરાયો હતો. અનુરાગ ઠાકુરે પણ આક્ષેપ કરેલો કે, કૉંગ્રેસ, ચીન અને વિવાદાસ્પદ ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક એક જ નાળથી જોડાયેલાં છે. રાહુલ ગાંધીની `નકલી મોહબ્બતની દુકાન’માં પડોશીઓની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાહુલનો ચીન પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે અને ભારતવિરોધી અભિયાન ચલાવી રહ્યા છે.

આ અહેવાલના આધારે 17 ઑગસ્ટે ન્યુઝક્લિક સામે યુએપીએની કલમ 153(એ) હેઠળ ધર્મ, જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને 120(બી) હેઠળ ગુનાહિત ષડયંત્રમાં ભાગીદારી સહિતના ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયો હતો.

આ કેસ નોંધાયા પછી 22 ઑગસ્ટે દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે હાઈ કોર્ટે ન્યુઝક્લિક સામે સામે કડક કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પાછો ખેંચવા અરજી કરતાં હાઈ કોર્ટે એડિટર ઈન ચીફ પ્રબીર પુરકાયસ્થને નોટિસ આપી હતી. પુરકાયસ્થે જવાબ આપ્યો પણ હાઈ કોર્ટે સ્ટે હટાવી લેતાં દિલ્હી પોલીસે દરોડા પાડી દીધા.

ન્યુઝક્લિક કેસનો આ ઘટનાક્રમ છે ને તેની સાથે રાજકારણ ચોક્કસ જોડાયેલું છે પણ સાથે સાથે દેશની સુરક્ષાને લગતા પ્રશ્નો પણ જોડાયેલા છે. આ સંજોગોમાં કોઈ પણ તારણ પર આવતાં પહેલાં તપાસ પૂરી થાય ને કોર્ટ શું કહે છે તેની રાહ જોવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button