…તો ખબર પડશે કે કોના અહંકારને ઠેસ લાગી છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવો આક્ષેપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના અહંકારને ઠેસ પહોંચી છે કારણ કે તેમણે મેટ્રો-3ના કામમાં વિલંબ કર્યો હતો. તેમના આ આરોપ બાદ વિવિધ રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. દરમિયાન શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ પણ આ આરોપ પર પ્રતિક્રિયા આપી છે.
આદિત્ય ઠાકરેએ શનિવારે મોડી રાત્રે વિવિધ વિષયો પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. આ દરમિયાન તેમને દેવેન્દ્ર ફડણવીસના આરોપો વિશે પણ પૂછવામાં આવ્યું હતું, આ સંદર્ભમાં બોલતા તેમણે જવાબ આપ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસે જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવા આરોપો લગાવ્યા હશે.
દેવેન્દ્ર ફડણવીસને કાં તો ખોટી માહિતી મળી છે અથવા તો જનતાને ગેરમાર્ગે દોરવા માંગે છે. કારણ કે મહાવિકાસ આઘાડીના કાર્યકાળ દરમિયાન મેટ્રો-3નું કામ એક દિવસ માટે પણ અટક્યું ન હતું, પરંતુ અમે આરે કારશેડ ખસેડ્યું હતું. કારણ કે અમે જંગલનો નાશ કરવા માંગતા ન હતા. જોકે, હવે તેઓ ફરીથી જંગલનો નાશ કરવા માગે છે અને તેઓ કાંજુરમાર્ગની જગ્યા અદાણીને આપી દેવા માગે છે એમ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસને પણ ટોણો મારતા કહ્યું હતું કે, લાડકી બહેન યોજનાનું પોસ્ટર જોશો તો તમને ખબર પડશે કે કોના અહંકારને ઠેસ લાગી રહી છે.
સ્વિત્ઝર્લેન્ડની કંપનીએ 1.58 કરોડની ઉધારી ચુકવવા માટે રાજ્ય સરકારના વિભાગને કાનૂની નોટિસ મોકલી હતી તેનો ઉલ્લેખ કરતાં આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, દાવોસની મુલાકાત દરમિયાન મિંધે જૂથે 28 કલાકમાં 40 કરોડ રૂપિયા ખર્ચ્યા. તેમને પૂછવું જોઈએ કે આ પૈસા ક્યાં ખર્ચાયા, આ વૈશ્ર્વિક સ્તરે શરમજનક છે. તેઓએ બેશરમી દાખવી છે. મીંધે જૂથે જણાવવું જોઈએ કે જ્યારે 1.5 કરોડનું બિલ બાકી હતું ત્યારે બાકીના નાણાં કેવી રીતે ખર્ચવામાં આવ્યા. મૂળભૂત રીતે દાવોસની બંને સફર બરફમાં આનંદ માટે હતી એવી ટીકા આદિત્ય ઠાકરેએ કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસે બરાબર શું કહ્યું?
દેવેન્દ્ર ફડણવીસે શનિવારે થાણેમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ઉદ્ધવ ઠાકરેને સંબોધિત કર્યા હતા. મેટ્રો-3 એ કોઈના ગર્વનું હરણ કરનારો પ્રોજેક્ટ છે. મહાવિકાસ આઘાડીએ આ મેટ્રોને બ્લોક કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મેટ્રો ગ્રીન એનર્જી બૂસ્ટર છે. આમ છતાં ઉદ્ધવ ઠાકરેના કયા અહંકારને ઠેસ પહોંચી તે જાણી શકાયું નથી, તેમણે આ મેટ્રોના કામને સ્થગિતિ આપી દીધી હતી, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.