મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાને બૅટિંગ લીધા પછી મોટી મુસીબતમાં!

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો શરૂ થઈ ચૂક્યો છે. પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆતમાં બહુ સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ફાતિમા સનાની ટીમે સાત ઓવરમાં ફક્ત 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતાં પાકિસ્તાની ટીમની છાવણીમાં સોપો પડી ગયો હતો. ત્રણમાંથી પહેલી વિકેટ પેસ બોલર રેણુકા સિંહ ઠાકુરે, બીજી વિકેટ ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ અને ત્રીજી વિકેટ પેસ બોલર અરુંધતી રેડ્ડીએ લીધી હતી.
ઓપનર ગુલ ફિરોઝા (0)ને રેણુકા સિંહે ક્લીન બોલ્ડ કરી હતી, જ્યારે સિદરા અમીન (8)ને દીપ્તિ શર્માએ ક્લીન બોલ્ડ કરી હતી. ચોથા નંબરની બૅટર ઓમઇમા સોહેલ (3)ને રેડ્ડીએ મિડ-ઑફ પર શેફાલી વર્માના હાથમાં કૅચઆઉટ કરાવી હતી.
ભારતીય ટીમમાં પેસ બોલર પૂજા વસ્ત્રાકરનો સમાવેશ નથી, કારણકે નજીવી ઈજાને લીધે તેને ન રમાડીને ઑફ-સ્પિનર સજીવન સજનાને ઇલેવનમાં સમાવવામાં આવી છે.
પાકિસ્તાનની ટીમમાં લેગ-સ્પિનર સઇદા અરુબ શાહને પેસ બોલર ડાયના બેગના સ્થાને લેવામાં આવી છે.
ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સજીવન સજના, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રેણુકા સિંહ ઠાકુર.